National

એસ જયશંકર ચીનના વિદેશમંત્રીને મળ્યા, લદ્દાખ સીમા વિવાદ પર કરી ખાસ ચર્ચા

નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રી (Foreign Minister) એસ જયશંકર (S Jaishankar) અને ચીનના (China) વિદેશ મંત્રી વાંગ યીએ (Wang Yi) ગુરુવારે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં એક મીટિંગનું આયોજન કર્યું હતું. ત્યારે પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે, બંને દેશોના વિદેશ મંત્રીઓએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના વાર્ષિક શિખર સંમેલનની બાજુમાં મુલાકાત કરી હતી. તેમજ વાતચીત અને દેશના વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી પૂર્વી લદ્દાખમાં સરહદ વિવાદના મુદ્દાઓને ઉકેલવા માટે રાજદ્વારી અને સૈન્ય માધ્યમો દ્વારા પ્રયત્નો બમણા કરવા સંમત થયા હતા. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટની બાજુમાં યોજાયેલી આ બેઠકમાં જયશંકરે વાંગને કહ્યું હતું કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)નું સન્માન કરવું અને સરહદી વિસ્તારોમાં શાંતિ સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. જયશંકરે ભારતના મતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો કે બંને પક્ષો વચ્ચેના સંબંધો પરસ્પર આદર, પરસ્પર હિત અને પરસ્પર સંવેદનશીલતા પર આધારિત હોવા જોઈએ.

એસ જયશંકરે શું કહ્યું?
મીટિંગ અંગે એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું, “આજે સવારે CPC પોલિટબ્યુરોના સભ્ય અને વિદેશ મંત્રી વાંગ યીને અસ્તાનામાં મળ્યા હતા. જ્યાં તેમણે સરહદી વિસ્તારોમાં બાકી રહેલા પ્રશ્નોના વહેલા ઉકેલ માટે ચર્ચા કરી હતી. જેમાં રાજદ્વારી અને સૈન્ય માધ્યમો દ્વારા પ્રયત્નોને બમણા કરવા પર સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ પરસ્પર આદર, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતો આપણા દ્વિપક્ષીય સંબંધોને માર્ગદર્શન આપશે.” ભારત માને છે કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા બંને દેશો વચ્ચેના સામાન્ય સંબંધો માટે મહત્વપૂર્ણ છે.

‘વિવાદ બંને દેશોના હિતમાં નથી’- જયશંકર
બંને વિદેશમંત્રીઓની બેઠક ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે થઈ હતી. ત્યારે આ મીટિંગ દરમિયાન બંને મંત્રીઓ સહમત થયા કે સરહદી વિસ્તારોમાં વર્તમાન સ્થિતિને લંબાવવી બંને પક્ષોના હિતમાં નથી. જયશંકરે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારા માટે આવતા અવરોધોને દૂર કરવા માટે સરહદ પર શાંતિ અને સંવાદિતા વધારવાના પ્રયાસો બમણા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભૂતકાળમાં બંને સરકારો વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરારો, પ્રોટોકોલ્સ અને સમજૂતીઓનું સંપૂર્ણ પાલન કરવાના મહત્વ ઉપર પણ ભાર મૂક્યો અને કહ્યું હતું કે બંને દેશોઓ વાસ્તવિક નિયંત્રણ રેખાનું સન્માન કરવું જોઈએ.

બંને દેશો મુદ્દાઓ ઉકેલાશે?
બેઠકમાં બંને મંત્રીઓએ બાકી રહેલા મુદ્દાઓને વહેલી તકે ઉકેલવા પર ભાર મૂક્યો હતો. ચર્ચાને આગળ ધપાવવા માટે બંને પક્ષોના રાજદ્વારી અને સૈન્ય અધિકારીઓની બેઠકો ચાલુ રાખવા અને આ બેઠકોનો સમય વધારવા પર પણ સંમત થયા હતા. બંને નેતાઓ એ વાત પર પણ સહમત થયા કે ભારત-ચીન સરહદી બાબતો પર કાર્યકારી મિકેનિઝમ ઓન કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન (WMCC)એ ટૂંક સમયમાં બેઠક યોજવી જોઈએ. વિદેશ મંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે ભારત-ચીન સંબંધો પરસ્પર આદર, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતોનું પાલન કરીને સુધારી શકાય છે.

Most Popular

To Top