યુક્રેન: યુક્રેન(Ukraine)ના મધ્ય શહેર ક્રેમેનચુક(Kremenchuk)માં શોપિંગ મોલ(Shopping mall) પર રશિયાએ(Russian) મિસાઈલથી હુમલો(Missile attacks) કર્યો છે. આ હુમલામાં યુક્રેનના સૈંકડો નાગરિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. શહેરના ગવર્નરે કહ્યુ હતુ કે આ હુમલામાં 16 લોકોનાં મૃત્યુ પામ્યા છે જ્યારે 59થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલો પૈકી 9ની સ્થિતિ ગંભીર છે. યુક્રેન પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે પીડિતોની સંખ્યાનો અંદાજ લગાવી નહીં શકાય, તેમણે હુમલાના સમયે મોલમાં 1000થી વધુ લોકો હોવાનું જણાવ્યું હતું.
- ભીડભાડ વાળા શોપિંગ મોલ પર કરવામાં આવ્યો હુમલો
- શોપિંગ મોલમાં 1000 જેટલા લોકો હતા
- 16નાં મોતની પુષ્ટિ, 59થી વધુને ઇજા, 9 ગંભીર
- અમેરિકી રાષ્ટ્રપતિએ હુમલાની નિંદા કરી
ઝેલેન્સ્કીએ કહ્યું હતું યુક્રેનમાં લોકોના સામાન્ય જીવન જીવવાના પ્રયાસોને રશિયા નિષ્ફળ કરી રહ્યુ છે. રશિયા સતત સામાન્ય નાગરિકો ઉપર હુમલો કરી રહ્યું છે. ઘટના સ્થળના વીડિયોમાં દેખાય છે કે શોપિંગ મોલમાં આગ લાગી છે અને કાળો ધુમાડો ઊંચે ઉપર આકાશમાં જઈ રહ્યો છે. ઈમરજન્સી સેવાઓના કર્મચારીઓ મોલ તરફ દોડી રહ્યા છે જ્યારે લોકો ચિંતિત થઈને જોઈ રહ્યા છે. એવું લાગે છે કે રશિયન સેના પૂર્વી ડોનબાસ ક્ષેત્ર પર કબ્જો કરવાના પ્રયાસ કરી રહી છે, હાલના દિવસોમાં પાડોશી સિવિરોડોનેક્સકમાંથી તેણે યુક્રેનની સેનાને બહાર નીકળી જવાની ફરજ પાડી હતી.
રશિયાએ તેને રોકેટ ફેક્ટરી સમજીને હુમલો કર્યો?
આ હુમલાને લઈને રશિયન MoD તરફથી કહેવામાં આવ્યું કે મોસ્કોએ કિવમાં રોકેટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પર મિસાઈલ હુમલો કર્યો છે. આ પ્લાન્ટનો ઉપયોગ મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ માટે દારૂગોળો બનાવવા માટે કરવામાં આવતો હતો. જોકે, યુક્રેને સ્પષ્ટ કહ્યું છે કે રશિયાએ કોઈ રોકેટ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં નહીં પણ શોપિંગ મોલ પર હુમલો કર્યો હતો. સ્થાનિક મીડિયાએ આ હુમલા અંગે દાવો કર્યો છે કે શોપિંગ સેન્ટરમાં 1 હજારથી વધુ નાગરિકો હતા. મોલમાં આગ લાગી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને રશિયન હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે અમેરિકા યુક્રેનની સાથે મજબૂતીથી ઊભું છે.
લુગાન્સ્ક પ્રદેશમાં હુમલો
બીજી તરફ, યુક્રેનના લુગાન્સ્ક ક્ષેત્રના ગવર્નર સર્ગેઈ ગેડેએ પણ સોમવારે કહ્યું હતું કે લિસિચાન્સ્ક શહેરમાં રશિયન હુમલામાં આઠ નાગરિકો માર્યા ગયા હતા. ગવર્નરે કહ્યું કે તેઓ પાણી એકત્ર કરી રહ્યા હતા, જ્યારે રશિયન સેનાએ ભીડ પર ગોળીબાર શરૂ કર્યો. આ ફાયરિંગમાં 8 નાગરિકોના મોત થયા છે, જ્યારે 21 ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જણાવી દઈએ કે રશિયન સેનાએ સેવેરોદનેત્સ્ક શહેર પર કબજો કરી લીધો છે અને હવે તેમનું ધ્યાન તેના જોડિયા શહેર લિસિચાંસ્ક તરફ વળ્યું છે. સેના ડોનબાસ ક્ષેત્રમાં પોતાનું સંપૂર્ણ વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.