કિવ: યુક્રેન(Ukraine) અને રશિયા(Russia) વચ્ચેના યુદ્ધ(war)નો આજે 34મો દિવસ છે. એક મહિના(month)થી વધુ સમય પછી પણ યુક્રેનમાં તબાહીનું દ્રશ્ય ચાલુ છે. યુક્રેનનો દાવો- રશિયાના 17 હજારથી વધુ સૈનિકો માર્યા ગયા છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે તુર્કીના ઈસ્તાંબુલમાં બેઠક શરૂ થઇ ગઈ છે. આ બેઠક પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી દ્વારા શાંતિ કરારની ઓફર કરવામાં આવી છે. ઝેલેન્સકીએ પુતિન સાથે સીધી વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે, હજુ સુધી ક્રેમલિન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
રશિયા અને યુક્રેન વચ્ચે ઈસ્તાંબુલમાં મંત્રણા શરૂ થઈ રહી છે
યુદ્ધ વચ્ચે ઈસ્તાંબુલ(Istanbul)માં રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીતનો નવો રાઉન્ડ શરૂ થયો છે. આ વાટાઘાટો માટે બંને દેશોના પ્રતિનિધિમંડળ પહોંચી ગયા છે. મંત્રણા પહેલા, ઝેલેન્સકીનું વલણ ઢીલું પડી ગયું છે, તેથી રાષ્ટ્રપતિ પુતિને પીછેહઠ ન કરવાનો સંકેત આપ્યો છે. તે જ સમયે, યુક્રેનના વિદેશ પ્રધાને કહ્યું છે કે તેઓ તેમની જમીન નહીં છોડે. પુતિને કહ્યું કે, ઝેલેન્સકીને કહી દો કે, હું તેને કચડી નાંખીશ. મારી શરત માન્યા બાદ જ મુલાકાત થઇ શકશે.
આજે ત્રણ માનવ કોરિડોર ખોલવામાં આવશે
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનના નાયબ વડા પ્રધાને(Deputy PM) કહ્યું કે ત્રણ માનવતાવાદી કોરિડોર ખોલવા પર સહમતિ બની છે. પ્રથમ ઝાપોરિઝિયા ઓબ્લાસ્ટમાં છે, બીજો એનર્હોદર શહેર છે અને ત્રીજો માલિટુપોલથી ઝાપોરિઝિયા સુધીનો માનવતાવાદી કોરિડોર છે. તે જ સમયે, મારીયુપોલથી ઝાપોરિઝિયા સુધી ફક્ત ખાનગી કારને જ મંજૂરી આપવામાં આવી છે. રશિયન સેનાએ યુક્રેનના મિકોલાઈવ શહેરની વહીવટી ઇમારત પર મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલા બાદ ઈમારતને ઘણું નુકસાન થયું છે. પ્રાદેશિક વહીવટી વડા વિતાલી કિમે જણાવ્યું હતું કે કાટમાળ નીચે આઠ નાગરિકો અને ત્રણ સૈન્ય કર્મચારીઓ દટાયા છે. સાથે જ મોટાભાગના કર્મચારીઓ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
રશિયા પરમાણુ હુમલો નહીં કરે – ક્રેમલિનના પ્રવક્તા
મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ક્રેમલિનના પ્રવક્તાએ પરમાણુ હુમલાના સવાલ પર પડદો પાડી દીધો છે. તેમણે કહ્યું કે યુક્રેન પર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. રશિયા આ હથિયારોનો ઉપયોગ ત્યારે જ કરશે જ્યારે રશિયાના અસ્તિત્વ પર ખતરો હશે. યુક્રેને દાવો કર્યો છે કે તેણે ડોનેત્સ્ક અને લુહાન્સ્કમાં છેલ્લા 24 કલાકમાં સાત રશિયન મિસાઈલ હુમલાઓને રોક્યા છે. તેમની મિસાઈલોનો નાશ કરવામાં આવ્યો છે. આ સિવાય 12 ટેન્ક અને 10 બખ્તરબંધ વાહનોને પણ નુકસાન થયું છે.
કંપનીઓએ પુતિનની માંગ ન સાંભળવી જોઈએ – જાપાન
જાપાન સરકાર દ્વારા જાપાનની કંપનીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ પુતિનની માંગને બિલકુલ સ્વીકારે નહીં. ખરેખર, પુટિને ગેસ નિકાસ માટે રૂબલમાં ચૂકવણી કરવાનો આદેશ જારી કર્યો છે. જાપાને 5 એપ્રિલથી રશિયામાં લક્ઝરી કાર, કિંમતી પથ્થરો અને અન્ય સામાનની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
રશિયન-યુક્રેનના અધિકારીઓને ઝેર આપવામાં આવ્યું હતું
વોલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટ અનુસાર, રશિયન અબજોપતિ રોમન અબ્રામોવિચ અને યુક્રેનિયન શાંતિ વાટાઘાટકારોને ઝેર આપવાનો મામલો સામે આવ્યો છે. આ ઝેર રશિયા વતી યુદ્ધ સમર્થકો દ્વારા આપવામાં આવ્યું હતું, જેથી મંત્રણા શાંતિ સમજૂતી તરફ આગળ ન વધી શકે. તેઓ યુક્રેન-રશિયા વચ્ચે ચાલતા યુદ્ધમાં એક પીસમેકર તરીકે કામ કરી રહ્યા છે.યુક્રેનની ટીમના બે સિનિયર સભ્યો પણ આનો ભોગ બન્યા હતા. જોકે એવું પણ કહેવામાં આવે છે કે ઝેર આપવાનો ઉદ્દેશ કોઈનો જીવ લેવા માટે નહોતો ,પરંતુ તેમને ચેતવણી આપવાનો હતો.
હકીકતમાં એક પ્રતિનિધિમંડળ યુક્રેન પર રશિયાના હુમલાનો અંત લાવવા માટે માર્ચ મહિનાની શરૂઆતમાં કિવ પહોંચ્યા હતા. આ પ્રતિનિધિમંડળમાં રશિયન અબજપતિ રોમન અબ્રામોવિચ અને યુક્રેની સાંસદ ઉમેરોવ સહિત બે અન્ય અધિકારી સામેલ થયા હતા. અહીં થયેલી બેઠક પછી આ લોકોમાં કંઈક વિચિત્ર લક્ષણો જોવા મળ્યાં હતાં. માનવામાં આવે છે આ બેઠકમાં સામેલ બંને પક્ષના અધિકારીઓને ઝેર આપવામાં આવ્યું હતું. જોકે ક્રેમલિન તરફથી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.