રશિયાએ સમુદ્રની ઊંડાઈમાં હુમલો કરવા સક્ષમ સૌથી શક્તિશાળી પરમાણુ ટોરપીડોનું સફળ પરીક્ષણ કર્યું છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને આ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે આ હથિયાર વિશ્વમાં અનન્ય છે. જેની સામે કોઈ દેશ પાસે જવાબી શક્તિ નથી.
રશિયાએ તાજેતરમાં સમુદ્રમાંથી લોન્ચ થતી ન્યૂક્લીયર પાવર્ડ ટોરપીડોનું સફળ પરીક્ષણ કર્યું છે. જેને “પોસાઇડન (Poseidon)” તરીકે ઓળખવામાં આવે છે. આ એક અન્ડરવોટર ન્યૂક્લીયર ડ્રોન મિસાઇલ છે. જે સમુદ્રી સપાટી નીચે હજારો કિલોમીટર સુધી જઈ શકે છે અને દુશ્મન દેશોના તટીય શહેરો અને જહાજોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
પુતિને જણાવ્યું કે “આ વિશ્વનું સૌથી શક્તિશાળી ન્યૂક્લીયર હથિયાર છે. અમે પહેલીવાર સબમરીનથી લોન્ચ એન્જિન સક્રિય કરીને આ ટોરપીડોનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ રશિયાના રક્ષણક્ષેત્ર માટે ઐતિહાસિક સિદ્ધિ છે.”
પોસાઇડન ટોરપીડોની વિશેષતાઓ:
- આ ટોરપીડો લગભગ 20 મીટર લાંબી છે અને તેનો વજન આશરે 100 ટન છે.
- તે સમુદ્રની અંદર 10,000 કિલોમીટર સુધી મુસાફરી કરી શકે છે.
- પોસાઇડન પરમાણુ ઊર્જાથી સંચાલિત હોવાથી તેની રેન્જ અનંત ગણાય છે.
- તે દુશ્મન દેશોના સમુદ્રી તટ પર હુમલો કરીને રેડિયોએક્ટિવ લહેરો અને સુનામી પેદા કરી શકે છે.
સૈન્ય અને વૈશ્વિક અસર
રશિયાએ આ પરીક્ષણ એવા સમયે કર્યું છે જ્યારે તે યુક્રેન સાથેના યુદ્ધમાં વ્યસ્ત છે અને અમેરિકા તથા નાટો દેશો તરફથી સતત દબાણમાં છે. વિશ્લેષકોના મતે આ હથિયારનું પરીક્ષણ પશ્ચિમી દેશોને ચેતવણી સમાન છે કે રશિયા પાસે સમુદ્રી યુદ્ધ માટે અદ્વિતીય ક્ષમતા છે.
આ ટોરપીડો સારમત મિસાઇલ કરતાં પણ વધુ શક્તિશાળી ગણાય છે. તેની તાકાત એટલી છે કે તે અમેરિકાના ન્યૂયોર્ક, લોસ એન્જલ્સ, બ્રિટનના લંડન, જાપાનના ટોક્યો જેવા શહેરોને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે.
રશિયાનો આ તાજેતરનો પરમાણુ પરીક્ષણ વૈશ્વિક સ્તરે ચિંતા પેદા કરનાર છે. નિષ્ણાતો કહે છે કે આ હથિયાર ભવિષ્યના સમુદ્રી યુદ્ધનું ચહેરું બદલી શકે છે અને વિશ્વશાંતિ માટે નવો ખતરો બની શકે છે.