મોક્સો: રશિયાએ યુક્રેન સામે યુદ્ધ શરુ કર્યું છે. છેલ્લા 5 દિવસથી રશિયા અને યુકેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં માત્ર યુક્રેનને જ નહી પરંતુ રશિયાને પણ મોટું નુકશાન થઈ રહ્યું છે. આ યુદ્ધનાં પગલે ભલે મોટા પાયે નુકશાન યુક્રેનમાં થયું હોય પરંતુ રશિયા નુકશાન માંથી બાકાત નથી રહ્યું રશિયાને પણ કરોડોનું નુકશાન થઇ રહ્યું છે.
- યુદ્ધમાં રશિયાને મોટું નુકશાન
- યુદ્ધમાં દરરોજ 1.12 લાખ કરોડનો ખર્ચ
- યુદ્ધનાં 4 જ દિવસમાં 5 લાખ કરોડનો ખર્ચ
- રશિયાનાં ચલન રુબેલમાં ૧૦ ટકાનો ઘટાડો
- રશિયાનું શેરબજાર 40 ટકા સુધી ઘટ્યું, લોકોના કરોડો રૂપિયા ડૂબ્યા
- પશ્ચિમી દેશોનો રશિયા સાથે ડોલર-યુરો-પાઉન્ડના વેપાર પર પ્રતિબંધ
- આર્થિક પ્રતિબંધોના પગલે રશિયાના અર્થતંત્રણે મોટું નુકશાન
માત્ર એક દિવસની વાત કરવામાં આવે તો રશિયાને આ યુદ્ધ પાછળ એક દિવસમાં 1.12 લાખ કરોડનો ખર્ચ પહોચી રહ્યો છે. 4 દિવસ ચાલેલા યુદ્ધમાં રશિયાના 5 લાખ કરોડ રૂપિયા ખર્ચ થઇ ગયા છે. યુદ્ધની શરૂઆતના ત્રણ અઠવાડિયા પહેલાથી જ, રશિયન કંપનીઓને નુકસાન થવાનું શરૂ થઈ ગયું હતું. ત્યાંના શેરબજારમાં 10 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 40 ટકાનો ઘટાડો થયો છે. આનાથી રશિયાની લિસ્ટેડ કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. એક ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર રશિયા હવે યુક્રેન બાદ અન્ય પડોશી દેશો ફિનલેન્ડ અને સ્વીડન પર પણ હુમલો કરી શકે છે, જે નાટોમાં જોડાવાનું વિચારી રહ્યા છે.
રશિયા પર આર્થિક પ્રતિબંધોને લઈ અર્થતંત્રને ભારે નુકશાન
યુદ્ધનાં પગલે રશિયા સામે વિશ્વના અન્ય દેશો રોષે ભરાયા હતા અને રશિયા સામે આર્થિક પ્રતિબંધો લગાવી દીધા હતા. યુરોપ અને અમેરિકા દ્વારા અલગ-અલગ આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ દેશોએ ડોલર-યુરો-પાઉન્ડના વેપાર પર પ્રતિબંધ મુક્યો છે. જેથી રશિયાના અર્થતંત્રને ભારે નુકસાન થવા લાગ્યું છે. રશિયન હુમલાનો હેતુ માત્ર યુક્રેનને NATOમાં જતા અટકાવવાનો હતો, પરંતુ જો આ યુદ્ધ લાંબો સમય ચાલશે રશિયાને ભારે પડી શકે છે. એસ્ટોનિયાના પૂર્વ સંરક્ષણ પ્રધાન રિહો ટેરાસ દાવો કરે છે કે જો આ યુદ્ધ ૧૦ દિવસ સુધી ચાલુ રહ્યું તો રશિયાને ગરીબીની કગાર પર પહોંચતા કોઈ રોકી શકે તેમ નથી.
રૂબેલનાં ભાવ ઘટતા વ્યાજદરો બમણા કર્યા
યુએસ ડોલર સામે રૂબલના ભાવમાં 30%નો ઘટાડો થયા બાદ રશિયાએ તેના મુખ્ય વ્યાજ દર બમણા કરતાં વધુ કર્યા છે. બેંક ઓફ રશિયાએ જણાવ્યું હતું કે તેણે રૂબલની સ્લાઈડની કિંમતો પરની અસરને ઘટાડવામાં મદદ કરવા માટે દર 9.5% થી વધારીને 20% કર્યો છે. જ્યારે બીજી તરફ પશ્ચિમી દેશોએ પણ રશિયા સાથે ડોલર-યુરો-પાઉન્ડના વેપાર પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં રુબલ વધુ ઘટી શકે છે.
યુક્રેનની મદદે યુરોપના કેટલાક
સંરક્ષણ નિષ્ણાતો માને છે કે યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયા લાંબા સમય સુધી ટકી શકે તેમ નથી. જો યુદ્ધ એક મહિના સુધી પણ ચાલશે તો રશિયાનો ફાયદો ઓછો અને નુકસાન વધારે થશે. કારણ કે યુદ્ધમાં યુરોપના કેટલાક દેશો યુક્રેનની મદદે આવ્યા છે. તેઓએ હથિયારોની સપ્લાય શરૂ કરી દીધી છે. જેથી હવે યુક્રેન રશિયાને યુદ્ધમાં મશગૂલ રાખીને યુદ્ધને લાંબા સમય સુધી ચલાવશે.
યુક્રેનની મદદ માટે ચાર દિવસમાં 1 અબજ રૂપિયાથી વધુનું દાન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુરોપિયન દેશો તો મદદે આવ્યા છે. પરંતુ ત્યાની સરકારની સાથે સાથે સામાન્ય લોકો પણ યુક્રેનની મદદ કરવામાં માટે આવ્યા છે. યુક્રેનની બેંક ‘નેશનલ બેંક ઓફ યુક્રેન’ (NBU)એ મદદ માટે 4 દિવસ પહેલા વિશેષ એકાઉન્ટ ખોલ્યું હતું. NBUના મલ્ટીકરન્સી એકાઉન્ટમાં માત્ર ચાર દિવસમાં 1 અબજ રૂપિયાથી વધુ રકમ જમા થઈ છે. હવે સેના તેનાથી દારૂગોળો, સંદેશાવ્યવહાર, તકેદારી માટેની વસ્તુઓ અને યુનિફોર્મ ખરીદશે. યુક્રેન માટે જે મદદ કરવામાં આવી રહી છે તે યુક્રેનની સેનાને તેના દૂતાવાસ દ્વારા મોકલવામાં આવી રહી છે. ચેક રિપબ્લિકમાં બે સ્થળોએ આ સામગ્રી એકત્ર કરવામાં આવી રહી છે. જ્યાં લોકો જરૂરી વસ્તુઓ આપી રહ્યા છે.