રશિયાના રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેવ ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે ભારત અને રશિયા વચ્ચેની મૈત્રી ભારતની આઝાદી જેટલી જ જૂની છે. એ સમયે રશિયા સોવિયેટ સંઘના નામથી ઓળખાતું હતું. એ સમયે રશિયાએ ભારતને કરેલી સહાયને યાદ કરતા 70ના દાયકામાં ફ્લેશ બેકમાં જવું પડશે. વર્ષ 1971માં પાકિસ્તાનના બે ભાગો હતા પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. આજે બાંગ્લાદેશ નામે ઓળખાતો દેશ તે સમયે પૂર્વ પાકિસ્તાન હતો. જ્યાં પશ્ચિમ પાકિસ્તાનની સૈન્ય અને જનરલ ટિક્કા ખાન દ્વારા અત્યાચાર ગુજારવામાં આવતો હતો. જેના પગલે હજારોની સંખ્યામાં બાંગ્લા શરણાર્થીઓના ધાડા ભારતમાં પ્રવેશી રહ્યાં હતા. જે ભારત માટે સમસ્યારૂપ હતા. મહિનાઓના તણાવ પછી 3 ડિસેમ્બરે પાકિસ્તાને ભારત સામે યુદ્ધ જાહેર કરી દીધું. (યુદ્ધ કેવી રીતે શરુ થયું અને તેના કેટલાક ઐતિહાસિક પ્રકરણો અમે અગાઉ જ તમારા સુધી પહોંચાડી ચૂક્યાં છીએ.)
એ સમયે ઈન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા અને રિચાર્ડ નિક્સન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. રિચાર્ડને ઈન્દિરા ગાંધી પ્રત્યે ભારોભાર રોષ હતો અને તેઓ ઈન્દિરાને ગાળો પણ ભાંડતા હતા. રિચાર્ડના સલાહકાર હેન્રી કિસિંજર હતા. (અમેરિકા દ્વારા જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવેલા ગુપ્ત દસ્તાવેજોમાં આ વાત બહાર આવી હતી.) જેમને પણ પાકિસ્તાન પ્રત્યે ભારોભાર પ્રેમ હતો અને ભારત પ્રત્યે દ્વેષ હતો. ભારતના હિતો જોખમાય અને પાકિસ્તાનને સંરક્ષણ મળે તે માટે તેમણે સંયુક્ત રાષ્ટ્રોમાં ધા નાખી. યુદ્ધ ફાટી નિકળ્યું તેના બીજા દિવસે સંયુક્ત રાષ્ટ્રો ખાતે અમેરિકાના રાજદુત જ્યોર્જ ડબલ્યુ બુશ દ્વારા સીઝફાયર અને બંને દેશો સેનાઓ પાછી ખેંચે તેવા મતલબનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં મુકવામાં આવ્યો હતો જે ભારે બહુમતિથી પસાર થઈ ગયો હતો. પરંતુ આ સમયે રશિયા ભારતની મદદે આવ્યું હતું અને વીટો વાપર્યો હતો. જેના કારણે પ્રસ્તાવ ઉડી ગયો હતો.
એ સમયે સોવિયેટ સંઘ અને અમેરિકા વચ્ચે શીત યુદ્ધ ચરમ પર હતું. આથી નિક્સન અને કિસિંજર સમસમીને બેસી રહ્યાં હતા. (અત્રે ઉલ્લેખનીય છેકે, સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં પાંચ સભ્યો અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને બ્રિટન છે. તેમની પાસે વીટો અધિકાર રહેલા છે. જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવને ઉડાવી દેવા માટે સત્તા આપે છે. ભારત પણ આ પરિષદમાં સભ્યપદ મેળવવા માટે પ્રયાસરત છે.) વર્ષ 1971માં સંયુક્ત રાષ્ટ્રો ખાતે જ્યોર્જ ડબલ્યુ બુશ પ્રતિનિધિ હતા. જેમણે 4 ડિસેમ્બરના દિવસે પાકિસ્તાનને સહાય થાય તેવા મતલબનો યુદ્ધ વિરામ અને સેના પાછી ખેંચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આ રાજદુતે આગળ જતા રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને અમેરિકાના રાષ્ટ્રપતિ પણ બન્યા હતા. તેમણે રાષ્ટ્રપતિપદના કાર્યકાળ દરમિયાન નાટો રાષ્ટ્રો અને આરબ સંઘ સાથે મળીને ઈરાક ઉપર હુમલો કરાવ્યો હતો અને ઈરાકને ખેદાનમેદાન કરી નાખ્યું હતું. જોકે, કેટલીક આંતરરાષ્ટ્રીય મર્યાદાઓના કારણે, ઈરાક પરથી સદ્દામ હુસૈનને પદભ્રષ્ટ ન્હોતા કરી શકાયા. યુદ્ધખોર જ્યોર્જ બુશની ઈચ્છા તેમના પુત્ર જ્યોર્જ બુશએ પૂરી કરી હતી. જેઓ પણ અમેરિકાના રાષ્ટ્રપતિપદ સુધી પહોંચ્યા હતા અને આ હોદ્દા ઉપર બે વખત ચૂંટાઈ આવ્યા હતા.
તેમણે ઈરાક પાસે સામુહિક નરસંહારના હથિયારો છે એવો આરોપ મુક્યો. વર્ષ 2003માં ત્યાં નાટો રાષ્ટ્રો સાથે મળી અને હુમલો કર્યો. ઈરાકમાંથી સદ્દામને પદભ્રષ્ટ કરી નાખ્યા. સદ્દામ ઉપર કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો અને તેમને ફાંસી સજા અપાવી યમધામ પણ પહોંચાડી દીધા. આ પહેલા વર્ષ 2001માં જ્યોર્જ બુશ અફઘાનિસ્તાન પર હુમલો કરી ચૂક્યાં હતા. અલ-કાયદાનો નેતા ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનમાં છુપાયો છે તેવો આરોપ મુકીને અફઘાનિસ્તાનમાંથી તાલિબાનોને હાંકી કાઢ્યા. જોકે, તેમાં અનેક નિર્દોષ નાગરિકોના મોત થયા હોવાના સમાચારો પણ આવતા રહે છે.
પૂર્વ પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી અને પાડોશી દેશની દાદાગીરીથી ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ત્રાસી ગયા હતા. તેમને અંદાજ હતોકે પાકિસ્તાન એ અમેરિકાનું બગલબચ્ચું છે (હતું અને આજે પણ છે.) વર્ષ 1962માં ‘હિન્દી ચીની ભાઈ-ભાઈ’ના સૂત્રો પોકારતા ભારતની પીઠ પર ચીન ખંજર ભોંકી શકે તેમ હતું. પિતા નેહરુએ જે ભૂલ કરી હતી તે પુત્રી ઈન્દિરા ગાંધીએ કરી ન હતી. વર્ષ 1971માં જ ભારત અને તત્કાલીન સોવિયેટ સંઘ વચ્ચેના મૈત્રી કરાર સમાપ્ત થઈ રહ્યાં હતા. જેને વર્ષ 1971માં વીસ વર્ષ માટે વધારાવી દીધા. જે આગળ જતા રાજકીય અને સૈન્ય વ્યૂહબાજીમાં ઉપયોગી સાબિત થયા હતા.
અમેરિકાનો સાતમો નૌકાકાફલો વિયેટનામમાં તૈનાત હતો. (એ સમયે વિયેટનામમાં પણ ગૃહ યુદ્ધ ચાલી રહ્યું હતું અને એક જૂથને અમેરિકાનો ટેકો પ્રાપ્ત હતો તો સામ્યવાદી બળોને રશિયાનું સમર્થન હાંસલ હતું.) આથી, સાતમો નૌકાકાફલો વિયેટનામમાં તૈનાત હતો. વર્ષ 1971માં ભારતનું પાસું મજબુત જણાતા અમેરિકા દ્વારા સાતમા નૌકાકાફલાને બંગાળની ખાડી તરફ હંકારી જવાનો આદેશ આપવામાં આવ્યો. જેની સામે રશિયાએ પણ તેની સબમરીન મોકલી દીધી. જેના સમાચાર અમેરિકાની ગુપ્તચર સંસ્થાને જાણી-જોઈને મોકલવામાં આવ્યા. અમેરિકા ભારત સામે યુદ્ધમાં ઝંપલાવી રહ્યું છે તેવા સમાચારો ભારતની એમ્બેસીએ અમેરિકાના અખબારોમાં ફેલાવી દીધા. વિયેટનામ યુદ્ધમાં ભારે ખુંવારી વેઠી રહેલા અમેરિકનો ભડકી ગયા.