નવી દિલ્હી: આ વર્ષે ભારત G-20ની યજમાની કરી રહ્યું છે. ભારત (India) માટે આ ખૂબ જ ગર્વની વાત છે. ત્યારે રશિયા (Russia) તરફથી એવા સમાચાર મળી આવ્યા છે કે બે વર્ષ પછી આ વર્ષે ભારતની G-20ની બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત આવી શકે છે. જો કે આ અંગે પુષ્ટિ થઈ નથી.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આ વર્ષે ભારત G-20ની બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે. જણાવી દઈએ કે આ વર્ષે ભારત G-20ની યજમાની કરી રહ્યું છે. ભારતની રાજધાની નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરનાં રોજ G-20ની બેઠક યોજવામાં આવી છે. પુતિન છેલ્લાં બે વર્ષથી G-20 બેઠરમાં ભાગ નથી લઈ રહ્યાં ત્યારે આ વર્ષે લગભગ તેઓ ભારત બેઠકમાં ભાગ લેવા આવી શકે છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે રશિયાના વ્લાદિવોસ્તોકમાં દર વર્ષે યોજાતા ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની તારીખ લંબાવવામાં આવી છે, જે દર્શાવે છે કે પુતિન જી-20માં ભાગ લઈ શકે છે.પુતિનના સલાહકાર અને EEF આયોજક સમિતિના એક્ઝિક્યુટિવ સેક્રેટરી એન્ટોન કોબ્યાકોવે EEF તારીખોમાં ફેરફારની પુષ્ટિ કરતું નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું છે કે EEFના વરિષ્ઠ અધિકારીઓની બેઠક 12-15 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે. તેમણે કહ્યું, ‘ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની તારીખો બદલવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ સાથે જોડાયેલો છે. અમે વિદેશી નેતાઓ અને ઉચ્ચ સ્તરીય મહેમાનોની ભાગીદારીની અપેક્ષા રાખીએ છીએ.
શા માટે પુતિન છેલ્લાં બે વર્ષથી G-20 સમિટમાં ભાગ નથી લઈ રહ્યાં
24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના આક્રમણ પછી ગયા વર્ષની સમિટ G-20 નેતાઓની પ્રથમ બેઠક હતી. પુતિને ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત સમિટમાં ભાગ લીધો ન હતો. આ કોન્ફરન્સમાં યુક્રેન પર રશિયન આક્રમણ સૌથી મોટો મુદ્દો હતો. બેઠક બાદ જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના દેશોએ યુક્રેન પર રશિયન હુમલાની આકરી ટીકા કરી છે. બેઠકમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ વગેરે જેવા પશ્ચિમી દેશોએ રશિયાની આકરી નિંદા કરી હતી. વર્ષ 2021માં પણ પુતિન રોમમાં આયોજિત G-20 સંમેલનમાં ભાગ લીધો ન હતો. કોવિડને ધ્યાનમાં રાખીને, તેઓ કોન્ફરન્સમાં વીડિયો લિંક દ્વારા જોડાયેલા હતા.