World

રશિયાએ વિશ્વની પહેલી પરમાણુ ઉર્જાથી ચાલતી મિસાઇલનું સફર પરીક્ષણ કર્યું

રશિયાએ વિશ્વની પહેલી પરમાણુ ઉર્જાથી ચાલતી “બુરેવેસ્ટનિક ક્રુઝ મિસાઇલ”નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ હથિયારને “અનોખું” ગણાવ્યું છે અને જણાવ્યું છે કે તે કોઈપણ સંરક્ષણ પ્રણાલીથી બચી શકે છે. પુતિને ગત રોજ તા.26 ઓક્ટોબર રવિવારે એક વિડીયો કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે તમામ પરીક્ષણો પૂર્ણ થઈ ગયા છે. રશિયા હવે આ મિસાઇલને તૈનાત કરવાની તૈયારીમાં છે.

ક્રેમલિન દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ પરીક્ષણ દરમિયાન આ મિસાઇલે આશરે 14,000 કિલોમીટરનું અંતર કાપ્યું અને 15 કલાક સુધી હવામાં રહી હતી. પુતિને કહ્યું કે “દુનિયામાં બીજા કોઈ દેશ પાસે આવું હથિયાર નથી. આ રશિયાની રક્ષણક્ષમતામાં ઐતિહાસિક પ્રગતિ છે.”

આ મિસાઇલને રશિયાએ તેના યુએસ અને નાટો મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓને બાયપાસ કરવા માટે ડિઝાઇન કરી છે. તે લાંબા અંતર સુધી સતત ઉડાન ભરવામાં સક્ષમ છે અને કોઈપણ દિશામાં હુમલો કરી શકે છે. આ પરીક્ષણને રશિયાની પરમાણુ કવાયત (Nuclear drill)નો ભાગ ગણવામાં આવી રહ્યો છે. જે યુક્રેન યુદ્ધ દરમિયાન પશ્ચિમી દબાણ સામે મોસ્કોની દૃઢતા દર્શાવે છે.

બુરેવેસ્ટનિક ક્રુઝ મિસાઇલ શું છે?
આ મિસાઇલનું સત્તાવાર નામ 9M730 બુરેવેસ્ટનિક (Storm Petrel) છે. જેને નાટોએ SSC-X-9 સ્કાયફોલ નામ આપ્યું છે. આ પરમાણુ સંચાલિત અને પરમાણુ હથિયાર વહન કરવાની ક્ષમતા ધરાવતી ક્રુઝ મિસાઇલ છે.

રશિયાનું કહેવું છે કે આ મિસાઇલની રેન્જ અમર્યાદિત છે અને તેનું ઉડાન પેટર્ન અણધાર્યું હોવાથી તેને રોકવી અત્યંત મુશ્કેલ છે. આ મિસાઇલને મોસ્કોના યુએસ મિસાઇલ ડિફેન્સ પ્રોગ્રામના જવાબ તરીકે તૈયાર કરવામાં આવી છે.

આ હથિયારના સફળ પરીક્ષણથી રશિયાએ વિશ્વને બતાવ્યું છે કે તે હજી પણ પરમાણુ ટેકનોલોજીમાં અગ્રેસર છે. વિશ્લેષકો માને છે કે બુરેવેસ્ટનિક મિસાઇલ વિશ્વની શક્તિ સમીકરણમાં નવી દિશા આપી શકે છે અને વૈશ્વિક રક્ષણ નીતિઓ પર તેનો નોંધપાત્ર પ્રભાવ પડશે.

Most Popular

To Top