World

રશિયાનો કિવ પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો, 2ના મોત અને 10થી વધુ ઘાયલ

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત વધુ ખતરનાક બની રહ્યું છે. તાજેતરમાં રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ડ્રોન અને મિસાઇલોથી મોટો હુમલો કર્યો. આ હુમલામાં બે લોકોના મોત થયા છે. જેમાં એક વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. બાળકનો મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઉપરાંત આ હુમલામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ હુમલા બાદ કિવના કેબિનેટ બિલ્ડિંગની છત પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં થયેલા વિસ્ફોટના કારણે લોકોમાં ડર અને ગભરાટ ફેલાયો હતો. હજી સુધી આ સ્પષ્ટ થયું નથી કે બિલ્ડિંગમાંથી નીકળતો ધુમાડો સીધો હુમલાના કારણે હતો કે પછી કોઈ બીજા કારણસર. પરંતુ આ ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા છે.

કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે રશિયા દ્વારા છોડવામાં આવેલા ડ્રોનનો કાટમાળ સ્વિયાટોશિંસ્કી જિલ્લામાં આવેલી એક રહેણાંક ઇમારત પર પડ્યો હતો. આ સિવાય કિવના ડાર્નિત્સકી જિલ્લામાં આવેલી બીજી ઇમારતને પણ ભારે નુકસાન થયું છે. તેમજ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમોએ ભારે પ્રયાસો કર્યા છે.

કિવ શહેર વહીવટીતંત્રના વડા તૈમૂર તાકાચેન્કોએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. કારણ કે કેટલાક લોકોની હાલત ગંભીર છે. હુમલા બાદ સ્થાનિક હોસ્પિટલો અને ઇમરજન્સી ટીમોને તાત્કાલિક સાવચેત કરવામાં આવી હતી.

આ હુમલા પછી ફરી એકવાર સ્પષ્ટ થઈ રહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે વધારે ઉગ્ર બની રહ્યું છે. સામાન્ય નાગરિકો માટે સ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. ઘણા પરિવારો પોતાના ઘર છોડીને સલામત સ્થળોની શોધમાં નીકળી રહ્યા છે. સતત થતા આવા હુમલાઓને કારણે યુક્રેનના નાગરિકોમાં ભયનો માહોલ છે અને લોકો પોતાના જીવન માટે લડી રહ્યા છે.

યુદ્ધની આ પરિસ્થિતિ માનવતાને હચમચાવી નાખે તેવી છે. નિર્દોષ નાગરિકો અને બાળકોના મોતથી વિશ્વભરમાં ચિંતા વધી રહી છે.

Most Popular

To Top