રશિયા અને યુક્રેઇનની લડાઇમાંથી ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે?

છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેઇન વચ્ચે તનાવ ચાલી રહ્યો હતો અને હવે તે ચરમસીમાએ પહોંચ્યો છે. રોગચાળાને કારણે  વિશ્વની પ્રજાને અનેક હાલાકીઓનો સામનો કરવો પડ્યો છે ત્યારે દુનિયામાં અનેક સ્થળે વિવિધ દેશો, પ્રદેશો વચ્ચે તનાવ અને સંઘર્ષના તાપણા પણ સળગી રહ્યા છે. ભારત અને ચીન વચ્ચે લડાખમાં મહિનાઓથી તનાવ ચાલી રહ્યો છે ત્યારે હાલ રશિયા અને યુક્રેઇનની સરહદ પર ભારે વિસ્ફોટ થયો છે. સોવિયેટ યુનિયનનું ૧૯૯૧માં વિસર્જન થયું, તેમાંથી જે વિવિધ દેશો છૂટા પડ્યા તેમાંનું એક યુક્રેઇન છે. આ યુક્રેઇન સાથે ભૂતપૂર્વ સોવિયેટ યુનિયનના દેશ રશિયાને લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે અને હાલ આ બંને દેશો વચ્ચે તનાવ ખૂબ વધી ગયો છે અને આવા માહોલ વચ્ચે ત્રીજું વિશ્વ યુદ્ધ ભડકી ઉઠે તેવો ભય સેવાઇ રહ્યો છે અભત્કા અને યુરોપિયન દેશોનો ક્ઝોક યુક્રેઇન તરફી છે બીજી તરફ રશિયાની તરફ ચીન તથા ઉત્તર કોરિયા જેવા દેશો છે. વાત સ્પષ્ટ છે કે જો આ બંને છાવણીઓ એકબીજા સામે ઉભી થઇ જાય તો વિશ્વયુદ્ધ શરૂ થતા વાર નહીં લાગે.

શરૂઆતમાં તો રશિયા અને યુક્રેઇન વચ્ચે સારા સંબંધો હતા, પરંતુ તનાવ ઉભા કરે તેવા કારણો પણ ઘણા હતા. સોવિયેટ યુનિયન વખતના સંયુક્ત લશ્કરી કાફલાની વહેંચણીથી માંડીને ગેસની વહેંચણી અને ક્રિમિયા પ્રદેશનો વિવાદ – આવી અનેક બાબતો સંઘર્ષ જન્માવે તેવી હતી અને બંને દેશો વચ્ચે તનાવ સર્જાવા માંડ્યો અને વધવા માંડ્યો. યુક્રેઇન અમેરિકા અને તેના સાથી દેશોના નાટો સંગઠન તરફ ઢળવા માંડ્યુ અને તે સામે રશિયાને મોટો વાંધો છે. શીત યુદ્ધ સમયનું સામ્યવાદી દેશોનું વૉર્સો સંગઠન તો હવે મરી પરવાર્યું છે પણ મૂડીવાદી દેશોનું નાટો સંગઠન હજી સક્રિય છે. બીજી બાજુ નામના જ સામ્યવાદી રહી ગયેલા એવા રશિયા અને ચીન જેવા દેશો લશ્કરી દષ્ટિએ ખૂબ બળુકા બન્યા છે અને પશ્ચિમી દેશોને પડકારવા માંડ્યા છે. આમાં હવે યુક્રેઇનનો તનાવ ખૂબ વધ્યો છે અને રશિયા જો યુક્રેઇન પર હુમલો કરી દે અને નાટો સંગઠનના દેશો યુક્રેઇનની તરફેણમાં કૂદી પડી તો મોટો ભડકો થઇ જવાની શક્યતા નકારી શકાય નહીં. ત્રીજા વિશ્વયુદ્ધનો ભય પણ કેટલાક સેવે છે. જો કે હાલના સંજોગોમાં મોટા યુદ્ધો કોઇને પોસાય તેમ નથી અને તેથી જ યુરોપિયન દેશો અને અમેરિકાએ રશિયાને સમજાવવાના પ્રયાસ કર્યા, પણ રશિયા માન્યુ નહીં અને તેણે પોતાના દળો યુક્રેઇન સરહદની ખૂબ નજીક ખડકી દીધા એના પછી અમેરિકી પ્રમુખ જો બાઇડને ધમકી આપી કે જો રશિયા યુકર્ેઇન પર હુમલો કરશે તો તેના પરિણામો સારા નહીં આવે. આવા હોકારા પડકારામાંથી જ ક્યારેક મોટો ભડકો થઇ જતો હોય છે.

માણસ જાત અત્યંત વિચિત્ર છે. આ માણસે ઘડેલું રાજકારણ અને તેને પરિણામે ઉભા થતા સજોગો ક્યારેક ખૂબ ભયાવહ પુરવાર થાય છે. નાની નાની વાતોમાં ક્યારેક વિશ્વ નેતાઓના અહમ ઘવાઇ જાય છે અને તેમાંથી યુદ્ધો ફાટી નિકળે છે અને સામાનય માણસોએ પારાવાર ભોગવવું પડે છે. હાલના રશિયા અને યુક્રેઇનના સંઘર્ષની વાત કરીએ તો તેમાં સંઘર્ષ ટાળી શકાય તેવા પુરા સંજોગો છે પરંતુ રશિયાની આડોડાઇ આ સંઘર્ષને ટાળવાના પ્રયાસો નિષ્ફળ બનાવી રહેલી લાગે છે. બીજી બાજુ કેટલાક પશ્ચિમી નેતાઓ પણ રશિયાને પાંસરુ કરવા તલપાપડ થયા છે અને તેમાંથી તનાવ વધતો જાય  છે. આશા રાખીએ કે આ તનાવ બહુ વકરે નહીં. આ બંને દેશો વચ્ચેના સંઘર્ષને કારણે આખી દુનિયાએ યુદ્ધની વિભિષીકામાંથી પસાર થવું પડે તેવા સંજોગો સર્જાય નહીં તેવી પ્રાર્થના કરવા સિવાય આપણી પાસે કોઇ ઉપાય નથી.

Most Popular

To Top