નવી દિલ્હી: ઉત્તરાખંડમાં (Uttrakhand) આફ્રિકન સ્વાઈન ફીવરને (African swine fever) કારણે મોટી સંખ્યામાં ડુક્કરો મરી (Death) રહ્યા હોવાની જાણકારી મળી આવી છે. ઋષિકેશ શહેરમાં પણ ભૂંડોના મોત થયાની માહિતી મળી આવી છે. આ કારણસર દેહરાદૂન (Dehradun) જિલ્લા મેજિસ્ટ્રેટ આર રાજેશ કુમારે ઋષિકેશ વિસ્તારને આફ્રિકન સ્વાઈન ફીવરનો ચેપગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારના ડુક્કરની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તે જ સમયે જિલ્લા મેજિસ્ટ્રેટે આફ્રિકન સ્વાઈન ફીવરથી મૃત્યુ પામેલા ડુક્કરોનો યોગ્ય ઢબે નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો, જેથી ચેપ ન ફેલાય. પરંતુ ઋષિકેશ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ પર રોક લગાવી દીધી છે.
ઋષિકેશ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશનો અનાદર કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ હરિદ્વાર રોડ પરના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આફ્રિકન સ્વાઈન ફીવરથી મૃત્યુ પામેલા ડુક્કરોને બ્લીચિંગ પાવડર નાખીને ફેંકી દેવામાં આવે છે. આ ધટના અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભારે વરસાદના કારણે પાણી વધી જતાં ડુક્કરોના મૃતદેહો નીચે પાણીમાં ઉતરતા જોવા મળ્યા અને આ પાણી ફરી સીધુ ગંગામાં જઈ રહ્યું હતું. જેના કારણે અન્ય વિસ્તારોમાં પણ આ ચેપ ફેલાવાની આશંકા છે. ઋષિકેશ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેનિટરી ઈન્સ્પેક્ટર ધીરેન્દ્ર સેમવાલે જણાવ્યું કે ડુક્કરોના નિકાલ માટે 2 જગ્યાઓ છે, એક રેલવે લાઈનની નજીક અને બીજી ઋષિકેશની ટ્રેન્ચિંગ ગ્રાઉન્ડ.
ધીરેન્દ્ર સેમવાલે કહ્યું કે ભૂંડને ઉપાડી બીજા સ્થળે ખસેડવા મુશ્કેલ છે, તેથી જ મૃત ડુક્કરના શબ પર બ્લીચીંગ પાવડર નાંખવામાં આવી રહ્યો છે. ઋષિકેશ જૂના રેલ્વે સ્ટેશન પર સ્થિત કોલોનીની પાછળ ચેપગ્રસ્ત ડુક્કરોના મૃતદેહ ઘણા દિવસોથી પડ્યા છે. કોલોનીના રહેવાસી પ્રદીપ સૈનીએ જણાવ્યું કે અહીં ઘણા દિવસોથી ડુક્કરનો મૃતદેહ પડ્યો છે. ડુક્કરના સડી જવાના કારણે દુર્ગંધ પણ ઝડપથી ફેલાઈ રહી છે. આ અંગે મહાનગરપાલિકાને પણ માહિતી આપવામાં આવી છે, પરંતુ મૃતદેહ લેવા કોઈ આવ્યું નથી. ઋષિકેશમાં અત્યાર સુધીમાં 150 ડુક્કરોના મોત થયા છે, આ મામલામાં ઋષિકેશના સબ કલેક્ટર શૈલેન્દ્ર સિંહ નેગીએ કહ્યું કે મામલો ખૂબ જ ગંભીર છે. ચેપગ્રસ્ત ડુક્કરના મૃતદેહનો યોગ્ય ઢબે નિકાલ કરવામાં આવી રહ્યો છે, જો હજુ પણ ડુક્કરના મૃતદેહ ખુલ્લામાં પડેલા હશે તો કોર્પોરેશનના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.