Business

રૂપિયો ઐતિહાસિક તળિયે: ડોલર સામે 94.85 સુધી પટકાયો

વૈશ્વિક સ્તરે વધી રહેલી અનિશ્ચિતતાઓ અને ઈરાન સાથેના યુદ્ધ જેવા તણાવના માહોલ વચ્ચે ભારતીય અર્થતંત્ર પર સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને કરન્સી માર્કેટમાં આજે રૂપિયો ભારે દબાણ હેઠળ રહ્યો હતો. ડોલર સામે રૂપિયો ઇન્ટ્રા-ડે દરમિયાન 94.85ના ઐતિહાસિક તળિયે પટકાયો હતો, જોકે અંતે થોડો સુધારો આવી 94.77 પર બંધ રહ્યો. સવારે 94.15 પર ખુલેલા રૂપિયાએ દિવસ દરમિયાન સતત નબળાઈ દર્શાવી હતી. ડોલરની મજબૂતી અને વૈશ્વિક બજારમાં “સેફ હેવન” તરીકે ડોલરની માંગ વધતા રૂપિયો વધુ ગબડ્યો હતો. ડોલર ઈન્ડેક્સ 100ને પાર જતાં આ દબાણ વધુ વધ્યું. ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ પણ તેજી સાથે વધીને બેરલના 110થી 111 ડોલર સુધી પહોંચી ગયા હતા, જેના કારણે આયાત ખર્ચમાં વધારો થવાનો અંદાજ છે. રૂપિયો નબળો પડતા ભારત માટે આયાત થતી વસ્તુઓ જેમ કે ક્રૂડ ઓઇલ, સોનું, ચાંદી, કઠોળ અને ખાદ્ય તેલ મોંઘા બનવાની શક્યતા છે. સાથે જ વિદેશ પ્રવાસ અને વિદેશમાં અભ્યાસ પણ વધુ ખર્ચાળ બનશે. જોકે, નિકાસકારો માટે આ પરિસ્થિતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

શેરબજારમાં પણ આજે ભારે ગભરાટ જોવા મળ્યો હતો. પ્રારંભથી જ વેચવાલીનું દબાણ વધતા સેન્સેક્સમાં 1690 પોઇન્ટનો કડાકો નોંધાયો અને તે 73,583ની સપાટીએ બંધ રહ્યો. નિફ્ટી પણ 487 પોઇન્ટ તૂટીને 22,819 પર આવી ગયો. આ ઘટાડાના કારણે રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 8.86 લાખ કરોડનું ધોવાણ થયું હતું. વિશ્વ બજારમાં અન્ય કરન્સીઓની સામે પણ રૂપિયા નબળો રહ્યો હતો. બ્રિટિશ પાઉન્ડ, યુરો, જાપાની યેન અને ચીની યુઆન સામે પણ રૂપિયામાં ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે અત્યાર સુધી રૂપિયો આશરે 5 ટકા તૂટ્યો છે, જ્યારે ઈરાન યુદ્ધ શરૂ થયા પછીના સમયગાળામાં 4 ટકા ઘટાડો થયો છે. જાણકારોના મુજબ, જો ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ચાલુ રહેશે તો રૂપિયા વધુ નબળો થઈ 95થી 96 સુધી જઈ શકે છે, અને કેટલાક અંદાજો મુજબ 100 સુધી પણ પહોંચવાની શક્યતા નકારી શકાય નહીં.

આ દરમિયાન, અમેરિકી શેરબજારમાં પણ નકારાત્મક અસર જોવા મળી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર સંભવિત હુમલાની સમયમર્યાદા વધારવા છતાં બજારમાં વિશ્વાસ ઉભો થયો નહીં. પરિણામે ડાઉ જોન્સમાં 465 પોઇન્ટ અને નાસ્ડેકમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. આ તમામ પરિસ્થિતિઓને જોતા વૈશ્વિક અર્થતંત્રમાં અસ્થિરતા વધતી દેખાઈ રહી છે, અને તેની અસર આગળ પણ બજારોમાં ચાલુ રહેવાની શક્યતા છે.

Most Popular

To Top