ભારતીય અર્થતંત્ર માટે આજે તા. 3 ડિસેમ્બર બુધવારનો દિવસ ચિંતાજનક રહ્યો. ભારતીય રૂપિયો ફરી એકવાર રેકોર્ડ તોડી 90.14ના સર્વકાલીન નીચલા સ્તરે સરકી ગયો. રૂપિયો પહેલીવાર 90ના સ્તરની નીચે ગયો છે. જેને કારણે બજારમાં અસુરક્ષા અને ભયનું વાતાવરણ વધી રહ્યું છે.
બજાર ખુલતા જ રૂપિયામાં ભારે દબાણ
બજાર ખુલતા જ રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. શરૂઆતમાં રૂ. 89.97 પર ટ્રેડ થઈ રહ્યો હતો પરંતુ થોડા જ સમયમાં તે 90ને પાર કરી ગયો. બપોર સુધીમાં તે ઐતિહાસિક રીતે તૂટી 90.14 સુધી પહોંચ્યો.
વિદેશી કરન્સી ડીલરોનું માનવું છે કે હાલ બજારમાં ડોલરની ભારે માંગ છે ખાસ કરીને આયાતકારો તરફથી. આ માંગ રૂપિયા પર વધારું દબાણ સર્જી રહી છે.
2025 રૂપિયા માટે મુશ્કેલ વર્ષ
2025ની શરૂઆતથી જ રૂપિયામાં અંદાજે 5% થી વધુનો ઘટાડો નોંધાયો છે. અમેરિકા સાથે વેપાર સોદામાં વિલંબ, વૈશ્વિક બજારોમાં વેચવાલી અને સ્થાનિક રાજકીય-આર્થિક અનિશ્ચિતતાએ રૂપિયા માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનાવી છે.
બજાર નિષ્ણાતો અગાઉથી રૂપિયા 90ના સ્તર સુધી પહોંચી શકે એવી ચેતવણી આપી ચૂક્યા હતા પરંતુ આટલો ઝડપી ઘટાડો આશ્ચર્યજનક છે.
શું અર્થતંત્ર માટે ચેતવણીનો સંકેત?
ભારત જેવા દેશમાં જ્યાં 80%થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરવામાં આવે છે. ત્યાં ચલણ નબળું પડવું સીધું ફુગાવા તરફ દોરી શકે છે. રૂપિયો નબળો થવાથી,
- પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે,
- પરિવહન અને લોજિસ્ટિક્સ ખર્ચ વધશે
- દૈનિક જરૂરીયાતના સામાનના ભાવ પર સીધી અસર પડશે.
જો રૂપિયામાં ઘટાડો રોકાયો નહીં તો આવનારા મહિનાઓમાં મોંઘવારી ફરી વધી શકે એવું આર્થિક નિષ્ણાતો માને છે.