બે દિવસમાં બીજી ચોંકાવનારી ઘટના
સુરત શહેરમાં બાળ તસ્કરીની અફવાઓએ ફરી એકવાર ગંભીર પરિસ્થિતિ ઊભી કરી છે. શનિવારે મોડીરાત્રે નવાપુરા વિસ્તારમાં ડીકેએમ પોલીસ ચોકી નજીક એક અજાણ્યા યુવકને બાળક ઉઠાવવા આવ્યો હોવાની શંકાએ ઉશ્કેરાયેલા ટોળાએ ઢોર માર માર્યો હતો. અફવા પળવારમાં વાયુવેગે પ્રસરી જતાં ગણતરીની મિનિટોમાં જ સેંકડો લોકો એકત્ર થઈ ગયા અને કોઈ પણ ખાતરી કર્યા વગર યુવક પર હુમલો કરી દીધો.સ્થાનિકોમાં “બાળક ચોર આવ્યો છે” એવી ચર્ચા ફેલાતાં વાતે ભયાનક વળાંક લીધો.
યુવકને માર મારી લોહીલુહાણ કરવામાં આવ્યો. બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઉશ્કેરાયેલા ટોળા વચ્ચે ફસાયેલા યુવકને પોલીસે મુશ્કેલીથી છોડાવ્યો હતો.જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં ખસેડવાનો પ્રયાસ થયો, ત્યારે ટોળાએ એમ્બ્યુલન્સનો રસ્તો રોકી દીધો અને યુવકને પોતાના હવાલે કરવા માગ કરી.પરિસ્થિતિ વધુ બેકાબૂ બનતા પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોળાને વિખેરવું પડ્યું. ત્યારબાદ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવક કોઈ બાળ તસ્કર નથી. સલાબતપુરા પોલીસના પ્રાથમિક તપાસ મુજબ યુવક ત્યાંનો જ રહેવાસી છે અને ફૂટપાથ પર રહે છે. બાળક ચોરી સાથે તેનો કોઈ સંબંધ ન હોવાનું બહાર આવતા પોલીસે જરૂરી કાર્યવાહી બાદ તેને જવા દીધો હતો.ઉલ્લેખનીય છે કે બે દિવસમાં આ બીજી આવી ઘટના બની છે. 13 ફેબ્રુઆરીએ ઉન જીલાની નગર વિસ્તારમાં પણ એક યુવતીને બાળ તસ્કરીની શંકાએ ટોળાએ ઘેરી મારી હતી. અફવાઓના કારણે નિર્દોષ લોકોને નિશાન બનાવવાની ઘટનાઓ ચિંતાજનક બની રહી છે.પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ બાબતની માહિતી સીધી પોલીસને આપવા અપીલ કરી છે. શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે સતર્કતા અને સમજદારી જ એકમાત્ર રસ્તો છે.