સુરત: છેલ્લાં 10 વર્ષથી ભાજપશાસકો શહેરમાં સાતેય દિવસ 24 કલાક પાણી યોજના (24 HOURS WATER SCHEME) લાગુ કરવાનું વચન સુરતવાસીઓને આપી રહ્યા છે. પાંચ વર્ષથી આ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ ન્યૂ નોર્થ ઝોન એટલે કે અમરોલી, કોસાડ, ઉત્રાણ, મોટા વરાછામાં લાગુ કરી દેવાયો છે. પરંતુ મીટર (WATER METER) લગાવી મોટાં પાણી બિલો આપવા છતાં હજુ ત્યાં 24 કલાક પાણી મળતું નથી. ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં હજુ માત્ર સામાન્ય પાણી બિલ (WATER BILL) સામે જ્યાં મીટર લાગ્યાં છે, તે વિસ્તારોમાં આકરાં પાણી બિલ મળતાં હોવાથી લોકોમાં રોષની લાગણી છે. તેમજ જ્યાં આ પ્રોજેક્ટ (PROJECT) લાગુ કરાયો છે, તે મોટા વરાછા, અમરોલીના બંને વોર્ડમાં ભાજપ બે ટર્મથી કારમી હારનો સામનો કરી રહ્યું છે.
ગત ટર્મના ભાજપ શાસકોએ પણ આ વિસ્તારના લોકોની રજૂઆતો નજરઅંદાજ કરતાં આ વખતે પણ ત્યાં ભાજપનો સફાયો થઇ ગયો છે. અને હવે તો મફત પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણના દિલ્હી મોડેલ પર ચૂંટણી લડેલી આમ આદમી પાર્ટી મજબૂત વિરોધ પક્ષ તરીકે પ્રસ્થાપિત થઈ છે. વળી, વિપક્ષે પ્રથમ દિવસે જ અન્યાયી પાણી મીટરની યોજના બાબતે શાસકો સામે બાંયો ચડાવી આંદોલનની ચીમકી આપી છે. ત્યારે વિપક્ષે દુ:ખતી નસ દબાવતાં જ નવા ચુંટાયેલા શાસકોએ આ મુદ્દો હાથ પર લીધો છે. તેમજ પાંચ વર્ષથી કાચબા ગતિથી ચાલી રહેલી આ યોજના બાબતે અધિકારીઓનો રીતસર ઉધડો લીધો હતો.
મેયર સહિતના પદાધિકારીઓએ અધિકારીઓ સાથેની મીટિંગમાં આ યોજના બાબતે જવાબ માંગ્યા હતા. જેમાં એવું બહાર આવ્યું હતું કે, શહેરમાં સાડા ચાર લાખ જેટલાં પાણી કનેક્શન છે, તેમાંથી પાંચ વર્ષમાં માત્ર 24 હજાર કનેક્શનને મીટર લાગ્યાં છે. તેથી નારાજ થયેલા શાસક પક્ષ નેતા અમિત રાજપૂતે અધિકારીઓને સણસણતો સવાલ કર્યો હતો કે તો શું બધા કનેક્શનોમાં 30 વર્ષમાં મીટર લાગી જશે ? એક અધિકારીએ અજાણતા જ ‘હા જી સર…’ કહી દેતાં શાસકો લાલચોળ થઇ ગયા હતા. તેમજ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ આ યોજના અન્ય કયાં શહેરોમાં સફળ રહી છે, ત્યાં કેવી પેટર્નથી કામ થયું છે તે અંગે અભ્યાસ કરી તે પેટર્ન ઉપર આગળ વધવા સૂચન કર્યું હતું. તેમજ લોકોને મીટર મુદ્દે અને વોટર ચાર્જ તેમજ મીટરથી બિલ અને બે-બે બિલના કારણે જે અન્યાયની લાગણી છે તે દૂર કરવા શું કરી શકાય તેની સમીક્ષા કરવા આદેશ અપાયો હતો.
પાણીનાં મીટર મુદ્દે નારાજ પ્રજાએ સતત બે ટર્મ કારમી હાર આપ્યા બાદ શાસકોને સાન આવી
જ્યાં 24 કલાક પાણી યોજના અને પાણી મીટરનો પાઇલટ પ્રોજેક્ટ લાગુ કરાયો તે અમરોલી, કોસાડ, ઉત્રાણ, મોટા વરાછામાં ભાજપ સામે પ્રજામાં રોષ છે. એક તો મીટર વધુ ફરતા હોવાની બૂમ અને મસમોટાં પાણી બિલ જોઇને પ્રજાના હોશ ઊડી રહ્યા છે. શહેરના અન્ય વિસ્તારમાં જ્યાં આખી મિલકતનો વેરો વોટર ચાર્જ સાથે ચાર-પાંચ હજાર આવે છે. ત્યારે આ વિસ્તારમાં માત્ર પાણી બિલ જ ઓછામાં ઓછું દર મહિને સાતસો આઠસો રૂપિયા આવે છે. એટલે કે, વરસે 10 હજાર તો માત્ર પાણી બિલના જ થઇ જાય છે. આ મુદ્દે છેલ્લાં છ વર્ષથી જે-તે વિસ્તારના લોકો રજૂઆત કરી રહ્યા હતા તેને ભાજપ શાસકોએ ગણકાર્યા જ નહીં અને વર્ષ-2015ની ચૂંટણીમાં એ વિસ્તારમાં પ્રજાનો રોષ ભાજપના પરાજયરૂપે દેખાયો. પછીના ચુંટાયેલા શાસકોએ પણ આ ફરિયાદને કાને નહીં ધરતાં વર્ષ-2021ની ચૂંટણીમાં પણ આ પ્રજાએ પરચો દેખાડી ભાજપનો સફાયો કર્યો અને વિપક્ષ ‘આપ’ના કોર્પોરેટરોએ પ્રથમ દિવસથી જ પ્રજાની આ વેદનાને વાચા આપી 24 કલાક પાણી યોજનાની વિસંગત અન્યાયી નીતિ સામે બાંયો ચડાવતાં જ જાણે નવા શાસકોને સાન આવી ગઇ હોય તેમ આ યોજનાની ત્રુટીઓ, પ્રજાને ન્યાય અપાવવા માટેના રસ્તા શોધવા વગેરે કામે લાગી ગયા છે.