સુરત: કોરોનાની પ્રથમ અને બીજી લહેર (Corona second wave) પછી ડાયમંડ (Diamond) માઇનિંગ કંપનીઓએ પ્રથમવાર રફ ડાયમંડ (ruff diamond)ના ભાવ સીધા 7 ટકા વધારી દીધા છે. વર્ષ 2020ના અંત પછી જાન્યુઆરીથી જૂલાઈ સુધી યુરોપના દેશો, મીડલ ઇસ્ટ અને એશિયામાં ચીન, સિંગાપોર, જાપાન, બેહરીન અને લાઓસ સહિતના ફાર ઇસ્ટના દેશો (Far east countries)માં ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી (Gold jewelry)ની ડિમાન્ડ નીકળતા રફના ભાવો વધ્યો હોવાનું હીરા ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.
ડી-બિયર્સે ફેબ્રુઆરી 2021 પછી રફ ડાયમંડના ભાવમાં સૌથી વધુ 7 ટકાનો વધારો કર્યો છે. તેને લીધે સુરતના હીરા બજારમાં 7 ટકાના ભાવવધારા ઉપરાંત 2 ટકા પ્રિમિયમના દરો રફમાં ઉચકાયા છે. કોરોનાની બીજી લહેર પછી પશ્ચિમી અને ચીની બજારોમાં દાગીનાની ખૂબ માંગ રહી હતી. બીજી તરફ કોરોના અને લોકડાઉનના અંકુશોના લીધે પાછલા એક વર્ષથી મુખ્ય ખાણ ઉત્પાદક કંપનીઓ દ્વારા રફના ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો. બીજી બાજુ પોલિશ્ડની વધતી માંગને પહોંચી વળવા ભારતીય હીરા ઉત્પાદકોએ રફની ખરીદી વધારી દીધી હતી, જેના પગલે મુખ્ય ખાણ કંપની ડી બિયર્સ દ્વારા જાન્યુઆરીથી જુલાઈ 2021 સુધીના સાત મહિનામાં 3.04 અબજ ડોલરના રફનું વેચાણ કરાયું હતું. ગયા વર્ષે આ સમયગાળામાં 1.09 બિલીયન ડોલરની જ રફ વેચાઈ હતી.
પરિસ્થિતિઓને જોઇ અલરોઝાએ પણ 7 ટકા ભાવ વધારો કર્યો હતો. આ સાથે જ છેલ્લાં બે મહિનામાં રફ હીરાની વિવિધ કેટેગરીમાં 20થી 25 ટકાનો સરેરાશ ભાવવધારો થયો હતો. પતલા હીરાની કેટલીક જાતોમાં 30 ટકા સુધી પણ કિંમતો વધી હોવાનું નોંધાયું હતું. જેના પગલે રફને ઘસી પોલિશ્ડ બનાવનારા સુરતના હીરા કારખાનેદારોના મનમાં નફામાં ઘટાડો થવાનો ભય છે. જો આગામી દિવસોમાં રફની કિંમતો સતત વધતી રહે અને પોલિશ્ડ બજારમાં ઊંચા ભાવ નહીં મળે તો મુશ્કેલીમાં મુકાઈ જવાનો વારો આવશે તે ભયના પગલે સુરતના હીરાના કારખાનેદારોએ હાલ રફની ખરીદી ઘટાડવા સાથે ઉત્પાદન પર બ્રેક લગાડવાનું વિચારી રહ્યા છે.
કારખાનેદારો રફની ખરીદી અને પોલિશ્ડ હીરાના ઉત્પાદન પર કાપ મુક્યો
હીરા ઉદ્યોગના જાણકારોનું કહેવુ છે કે જાન્યુઆરીથી જુલાઈ 2021 દરમિયાન શહેરના હીરાના કારખાનાઓમાં કારીગરો પાસે સતત કામ લેવાતું હતું. ઓવરટાઈમ કરાવાતું હતું. રવિવારની રજામાં પણ અડધો દિવસ રત્નકલાકારો પાસે હીરા ઘસાવવામાં આવતા હતા. ખૂબ જ તેજી હોવાનું વાતાવરણ ઉભું થતાં ખાણ કંપનીઓએ રફની કિંમત વધારી દીધી અને રત્નકલાકારોએ પણ પગાર અને મજૂરીમાં વધારો માંગવા માંડ્યો હતો, જેના પગલે હીરાના કારખાનેદારોને નફો ઘસાઈ જવાનો ડર ઉભો થયો છે.
અત્યારે 25 ટકા ઊંચા ભાવે રફ ખરીદે અને તે પોલિશ્ડ થઈને બજારમાં આવે ત્યારે જો પૂરતો ભાવ નહીં મળે તો નફો ઘસાવાની સાથે ખોટ ખાઈને પણ પોલિશ્ડ વેચવાની નોબત આવે તેવા સંકેત મળતા કેટલાંક કારખાનેદારોએ ઉત્પાદન અને રફની ખરીદી ઓછી કરી રહ્યા છે.