અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની ગુજરાત મુલાકાત દરમિયાન જ અમદાવાદ શહેર ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. શહેર લઘુમતી મોરચાના પ્રમુખ પદ પર થયેલી નિમણૂકને લઈ પૂર્વ મહામંત્રી અહેમદ પટેલે ગંભીર આક્ષેપો કર્યા છે અને સીધી રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી લેખિત ફરિયાદ કરી દીધી છે.
અહેમદ પટેલે આક્ષેપ કર્યો છે કે કર્ણાવતી મહાનગર લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરાયેલા રઉફ શેખને ગુજરાતી ભાષા વાંચતા-લખતા આવડતી નથી અને સંગઠનની પેજ સમિતિ, બુથ સમિતિ જેવી મૂળભૂત રચનાની સમજ પણ નથી. વર્ષોથી ભાજપની વિચારધારાથી જોડાયેલા કાર્યકર્તાઓની અવગણના કરી આવી નિમણૂક કરાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષને ઈ-મેઈલ દ્વારા નિમણૂક રદ કરવાની માંગ કરી છે અને શહેર અધ્યક્ષ પ્રેરક શાહને લેખિત તેમજ ટેલિફોનિક રજૂઆત પણ કરી હોવાનું પણ જણાવ્યું હતું.
શિસ્તબદ્ધ ગણાતી ભાજપામાં હોદેદારો હવે ખુલ્લેઆમ અને સામાજિક માધ્યમો પર અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે, જે સંગઠન માટે ચિંતાજનક સંકેત માનવામાં આવે છે. અહેમદ પટેલે સ્પષ્ટ કર્યું કે તેમને કોઈ પદની માંગ નથી, પરંતુ પાયાના કાર્યકર્તાઓને અવગણીને બહારથી લાવવામાં આવેલા વ્યક્તિને જવાબદારી સોંપવી સંગઠન માટે યોગ્ય નથી. અહેમદ પટેલે ચેતવણી આપી છે કે જો નિમણૂક રદ નહીં કરવામાં આવે તો તેઓ લોકશાહી ઢબે આગળ સુધી રજૂઆત કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષની મુલાકાત વચ્ચે ઊભો થયેલો આ વિવાદ અમદાવાદ ભાજપ માટે આંતરિક એકતા અને સંગઠનશક્તિ અંગે સવાલો ઊભા કરે છે. હવે પક્ષનું ઉચ્ચ નેતૃત્વ આ મામલે શું નિર્ણય લે છે તેના તરફ રાજકીય વર્તુળોની નજર છે.