Business

વ્હાઈટ LED સામે RTOની લાલ આંખ,સુરતમાં મોડિફાઈડ લાઈટ પર કડક કાર્યવાહી,

રોડ સેફ્ટી માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ,સુરત શહેરમાં રાત્રિના સમયે રસ્તાઓ પર વાહન ચલાવવું હવે વધુ સુરક્ષિત બનશે, કારણ કે આંખો અંજાવી દેતી અતિ તેજસ્વી વ્હાઈટ LED લાઈટ સામે RTO અને ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. દેખાવ અને વધુ પ્રકાશના નામે વાહનમાં કરાતી અનધિકૃત ફેરફારો સામે હવે કાયદાની લાલ આંખ જોવા મળી રહી છે.સુરતના વાય જંક્શન, રિંગ રોડ, વરાછા, અડાજણ, કતારગામ સહિતના વ્યસ્ત વિસ્તારોમાં RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દરમિયાન અનેક કાર અને બાઈક ચાલકોને રોકીને તેમની હેડ લાઈટની તપાસ કરવામાં આવી. કંપની ફિટિંગ સિવાય અનધિકૃત રીતે લગાવેલી વ્હાઈટ LED અને હાઈ ઇન્ટેન્સિટી લાઈટ ધરાવતા વાહનો સામે તરત જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે,

આ ડ્રાઈવમાં 1,000 રૂપિયાથી લઈને 6,000 રૂપિયાં સુધીનો દંડ વસૂલવામાં આવ્યો. મોટર વાહન અધિનિયમની કલમ 182 હેઠળ વાહનમાં અનધિકૃત ફેરફાર બદલ 5,000 રૂપિયાનો દંડ અને જાહેર માર્ગ પર જોખમ ઊભું કરવા બદલ વધારાના 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કેટલાક વાહનચાલકોને સ્થળ પર જ LED લાઈટ દૂર કરવાની પણ સૂચના આપવામાં આવી.RTO અધિકારીઓનું કહેવું છે કે ઘણા વાહનચાલકો માત્ર દેખાવ કે વધુ પ્રકાશ માટે હેડલાઈટમાં ફેરફાર કરે છે, પરંતુ આ તેજસ્વી સફેદ લાઈટ સામેથી આવતા વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થાય છે. રાત્રિના સમયે આવી લાઈટ આંખોમાં ઝબકારો મારતી હોવાથી અકસ્માતની શક્યતા અનેકગણી વધી જાય છે.અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે રોડ સેફ્ટી કોઈ વિકલ્પ નથી, પરંતુ આવશ્યકતા છે.

શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે આ પ્રકારની કાર્યવાહી જરૂરી બની છે. છેલ્લાં એક મહિનામાં 250થી વધુ વાહનો સામે કાર્યવાહી થઈ ચૂકી છે અને શહેરને હાઈવે સાથે જોડતા તમામ મુખ્ય ચેકપોઈન્ટ્સ પર 24 કલાક ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.RTO દ્વારા નાગરિકોને સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે અનધિકૃત અને મોડિફાઈડ LED લાઈટ તાત્કાલિક દૂર કરો. આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ કડક બનવાની ચેતવણી પણ આપવામાં આવી છે. દંડ ન ભરે અથવા નિયમનું ઉલ્લંઘન ચાલુ રાખે તો કાયદા મુજબ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.સુરત પોલીસ અને RTOનું આ સંયુક્ત ઓપરેશન શહેરના રસ્તાઓ પર સ્પષ્ટ સંદેશ આપે છે કે નિયમ તોડનાર સામે કોઈ ઢીલાશ નહીં. સુરક્ષિત રસ્તા, સુરક્ષિત મુસાફરી એ જ આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ છે..

Most Popular

To Top