અમદાવાદ: આરટીઇ (RTE) હેઠળ શાળામાં પ્રવેશ (School Admission) મેળવવા માટે ફોર્મ (Form) ભરવાની મુદતમાં વધારો કરવા માટે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ (Congress) દ્વારા માંગણી કરી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
વિદ્યાર્થી અગ્રણી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, આરટીઇ હેઠળની પ્રવેશ પ્રક્રિયા આ વર્ષે ખૂબ જ મોડી શરૂ કરવામાં આવી છે. જેને કારણે પ્રવેશ મેળવવા માટેના દસ્તાવેજો એકત્ર કરવામાં વાલીઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેમજ તેમાં ઘણો વધારે સમય લાગતો હોય છે. જેથી ઘણા આર્થિક રીતે નબળા અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે. તેથી આરટીઇની ફોર્મ ભરવાની મુદત વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં વધારવામાં આવે, તેવી વિનંતી છે.
ગૌરાંગ મકવાણાએ વધુમાં કહ્યું હતું કે આર્થિક રીતે નબળા અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓના વાલીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે. જેથી કેટલાક એજન્ટો સક્રિય થઈ વાલીઓને ગેરમાર્ગે દોરી છેતરી રહ્યાં છે. આવી પરિસ્થિતિ વચ્ચે દરેક ઝોન પ્રમાણે હેલ્પ સેન્ટર ઉભા કરવામાં આવે, તો વાલીઓને પૂરતું માર્ગદર્શન મળી રહે, અને વાલીઓ છેતરપિંડીનો ભોગ બનતા અટકી શકે.