ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદ મનપાના રૂ. 330 કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ, ઈ-લોકાર્પણ, ગણેશજીની મૂર્તિનું અનાવરણ તેમજ નવી વણઝર ગામના પુનર્વસિત રહેવાસીઓને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “હૃદયને આનંદ થાય એવો આ નાનકડો પરંતુ અત્યંત મહત્વનો કાર્યક્રમ છે. 1973ની સાબરમતી પૂર દુર્ઘટનામાં જેમનું સર્વસ્વ નષ્ટ થયું હતું, તેવા નાગરિકોને આજે 50 વર્ષ બાદ પ્લોટની માલિકીનો અધિકાર મળ્યો છે. આવડા મોટા અમદાવાદ શહેરમાં 173 લાભાર્થીઓ સંખ્યાત્મક રીતે ઓછા લાગી શકે, પરંતુ તેમના માટે આ ક્ષણ અત્યંત ઐતિહાસિક અને ભાવનાત્મક છે.” પાંચ દાયકાથી ચાલતી સમસ્યાનું આજે કાયમી નિરાકરણ આવ્યું છે, જે સંવેદનશીલ શાસનની પ્રતિતિ કરાવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના આશરે 15 લાખ નાગરિકો માટે અગાઉ ગટરના પાણીના નિકાલની કોઈ સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી. વર્ષ 2000 થી 2005 દરમિયાન શેલા થી ચાંદખેડા સુધીના વિસ્તારો ઝડપથી શહેરીકરણ પામ્યા, પરંતુ સંપૂર્ણ ડ્રેનેજ વ્યવસ્થા વિકસાવવા માટે વિશાળ બજેટ અને લાંબા સમયની જરૂર હતી. કેટલીક જગ્યાએ ગટર ઉભરાતી સ્થિતિ જોઈને સંસદ સભ્ય તરીકે તેમને વ્યથા થતી હોવાનું શાહે જણાવ્યું હતું. અમૃત યોજના સહિત શહેરી વિકાસ યોજનાઓનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. અંદાજે રૂ. 400 કરોડના ખર્ચે 1200 થી 1800 એમ.એમ. વ્યાસની વિશાળ આર.સી.સી. પાઈપલાઈનો નાખવામાં આવી છે. જેના કારણે ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ-ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેહવાડી, શાંતિપુરા અને સનાથલ સહિતના વિસ્તારોના અંદાજે 15 લાખ નાગરિકોને ડ્રેનેજ ઓવરફ્લો અને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે. જનતા માંગણી કરે કે ન કરે, તેમ છતાં તેમની સમસ્યાનો ઉકેલ લાવવાની કાર્યસંસ્કૃતિ પીએમ નરેનદ્ર મોદીએ ગુજરાતથી લઈને સમગ્ર દેશમાં વિકસાવી છે.”
દેશભરમાં હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના નવા વરાયેલા પદાધિકારીઓનો શપથવિધિ સમારંભમાં અમદાવાદ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શાહે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની શતાબ્દી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે દેશમાં હોલિસ્ટિક વ્યૂ સાથે હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં સ્વચ્છતા મિશન, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ખેલો ઇન્ડિયા, યોગ દિવસની ઉજવણી, આયુષ્યમાન ભારત યોજના, આભા અને ઇન્દ્રધનુષ અભિયાન, જેનરિક દવાઓને પ્રોત્સાહન, ઉપરાંત ટેલિમેડિસીન, વિડિયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન વગેરે પ્રયાસો હાથ ધરાયા છે. દેશમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે રૂ. 1,65,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. દેશનું આરોગ્ય બજેટ વર્ષ 2013-14માં રૂ. 37,000 કરોડથી વધારીને આજે રૂ. 1,28,000 કરાયું છે, જેનાથી આરોગ્ય ક્ષેત્રે અનેક સકારાત્મક પરિવર્તનો જોવા મળી રહ્યાં છે, એવું તેમણે ઉમેર્યું હતું.