વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળે એક ઐતિહાસિક નિર્ણય લેતા 2027ની રાષ્ટ્રીય વસ્તી ગણતરી ડિજિટલ માધ્યમથી કરવા માટે રૂ. 11,718 કરોડની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ સેન્સસ ભારતના ઇતિહાસમાં પહેલી વાર કાગળ વગર, સંપૂર્ણ રીતે મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા હાથ ધરવામાં આવશે.
બે તબક્કામાં થશે વસ્તી ગણતરી
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ‘2027ની વસતી ગણતરી પ્રથમ ડિજિટલ વસતી ગણતરી હશે. વસતી ગણતરીની ડિજિટલ ડિઝાઇન ડેટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.આમાં બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો 1 એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ હશે. તેમજ બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં વસતી ગણતરી હશે.
આ સમગ્ર પ્રક્રિયા માટે એક વિશેષ ડિજિટલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે જે ડેટા સુરક્ષાને કેન્દ્રમાં રાખીને વિકસાવવામાં આવી છે.
મોબાઇલ એપ અને પોર્ટલથી ડેટા કલેક્શન
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું કે ફિલ્ડ અધિકારીઓ મોબાઇલ એપનો ઉપયોગ કરીને ડેટા એકત્રિત કરશે. જોકે નાગરિકો ઇચ્છે તો તેઓ તેમની માહિતી પોતે પણ ઓનલાઇન ભરી શકશે. આ એપ હિન્દી, અંગ્રેજી ઉપરાંત વિવિધ ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે.
કેન્દ્ર સરકાર એક નેશનલ ડિજિટલ સેન્સસ પોર્ટલ બનાવે છે. જ્યાંથી સમગ્ર દેશની સેન્સસ પ્રક્રિયાનું મોનિટરિંગ થશે.
કઈ માહિતી લેવામાં આવશે?
વસ્તી ગણતરી દરમ્યાન નીચેની વિગતો લેવામાં આવશે,
- વ્યક્તિ ગણતરી સમયે જ્યાં હાજર હોય તે સ્થળની નોંધ
- જન્મસ્થળ
- છેલ્લું નિવાસસ્થાન
- વર્તમાન સ્થળે રહેવાનો સમયગાળો
- સ્થળાંતરનું કારણ
- પ્રવાસન સંબંધિત વિગતો
ડિજિટલ સેન્સસ શા માટે?
- ડેટા પ્રોસેસિંગ ઝડપી થશે
- ભૂલોમાં ઘટાડો થશે
- અંતિમ રિપોર્ટ વધુ સચોટ મળશે
- નીતિ નિર્માણ અને શહેરી આયોજન વધુ અસરકારક બનશે
નિષ્ણાતોના મતે ડિજિટલ સેન્સસ સ્થળાંતર, જનસાંખ્યિક વલણો અને સામાજિક-આર્થિક વિશ્લેષણને નવી દિશા આપશે.
છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી
ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી. 2021ની સેન્સસ કોવિડ-19ને કારણે અટકાવવામાં આવી હતી. આ પરિસ્થિતિમાં 2027ની ડિજિટલ વસ્તી ગણતરીને દેશ માટે એક મોટી ટેકનોલોજીકલ છલાંગ તરીકે જોવામાં આવી રહી છે.