Vadodara

RRR અભિયાનથી 4.7 મેટ્રિક ટન કપડાં, 652 ઈલે. ઉપકરણો અને 750 રમકડાં રિસાયકલ કરાશે

વડોદરાના ભાયલી-સમા વિસ્તારોમાં નવા RRR સેન્ટરોની શરૂઆત કરાઈ

Reduce, Reuse, Recycle સેન્ટરો દ્વારા વડોદરાને “ઝીરો વેસ્ટ સિટી” બનાવવાની દિશામાં પહેલ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભાયલી અને સમા વિસ્તારોમાં બે નવા RRR (Reduce, Reuse, Recycle) સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. હાલ પ્રતાપનગર ખાતે એક RRR સેન્ટર કાર્યરત છે અને સાથે જ શહેરમાં ચાર મોબાઈલ વાન પણ નિયમિત રીતે ફરતી હોય છે. આ મોબાઈલ વાન શહેરના રહેણાંક વિસ્તારોમાં જઈને નાગરિકો પાસેથી બિનઉપયોગી વસ્તુઓ જેવી કે જૂના કપડાં, પુસ્તકો, રમકડાં, પ્લાસ્ટિક સામાન, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઘરગથ્થુ સામાન એકત્રિત કરે છે. આ સામગ્રીને યોગ્ય રીતે અલગ કરી ફરી ઉપયોગમાં લેવા તૈયાર કરવામાં આવે છે અથવા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે. ઓક્ટોબર માસ દરમિયાન આજવા રોડ વિસ્તારમાં યોગીનગર સોસાયટી, કલ્યાણનગર બાલભવન રોડ, અમરદીપ હોમ્સ, ગણેશનગર, રામપાર્ક સોસાયટી, ગુરુ આધાર સોસાયટી (કિશનવાડી) અને વિદ્યાનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં RRR ડ્રાઈવ યોજાઈ હતી.

સુભાનપુરા વિસ્તારમાં શ્રીનાથ સાનિધ્ય બંગલો, ઈશાન ડુપ્લેક્સ, તિલકનગર, ઋતુ વિલા રેસિડન્સી, જય અંબે સોસાયટી, ઓમનગર અને દિવાળીપુરા વિસ્તારોમાં પણ ડ્રાઈવ યોજાઈ હતી. તે ઉપરાંત દીપ દર્શન સોસાયટી, આશાપુરી, કાલિંદી, પાર્શ્વનાથ, ચાણક્ય પાર્ક, ગોખલે કોલોની, પ્રથમ રીવરા, રોઝડેલ વાટિકા, વેદાંત સનસાઈન, નિલકંઠ રેસિડેન્સી, સહજાનંદ એપાર્ટમેન્ટ અને માધવનગર જેવી સોસાયટીઓમાં પણ RRR ડ્રાઈવ યોજાઈ હતી. ઉત્તર ઝોન વિસ્તારમાં ગાંધીનગર સોસાયટી, મેઘદૂત અને સ્ટેટ બેંક સોસાયટીમાં પણ આ અભિયાન થયું હતું. ગાજરાવાડી વિસ્તારમાં તા. 28 ઑક્ટોબર, 2025ના રોજ વલ્લભ પાર્ક, ચીમનલાલ પાર્ક, કેન્દ્રનગર અને ઉદ્યોગનગર સોસાયટીઓમાં RRR વાન ફરાવવામાં આવી હતી. હાજરી સેન્ટર હેઠળ આવતી સોસાયટીઓમાં દર સોમવારે નિયમિત રૂટ મુજબ RRR ડ્રાઈવ યોજાય છે. અત્યાર સુધીમાં RRR સેન્ટર મારફતે અંદાજે 4.7 મેટ્રિક ટન જૂના કપડાં, 450 પુસ્તકો, 750 રમકડાં, 1.15 મેટ્રિક ટન પ્લાસ્ટિક સામાન, 717 જોડી બુટ-ચંપલ અને 652 ઈલેક્ટ્રોનિક ઉપકરણો એકત્રિત કરવામાં આવ્યા છે. આ સામગ્રી આગામી સમયમાં સફાઈ સેવકો, ડોર-ટુ-ડોર કલેક્શન કર્મચારીઓ અને અન્ય જરૂરિયાતમંદ નાગરિકોને વિતરણ કરવામાં આવશે.

Most Popular

To Top