ધર્મશાળા : અત્યાર સુધીના પોતાના ઉતાર-ચઢાવભર્યા પ્રદર્શનને કારણે ટાઈટરોપ વોકમાં અટવાયેલા પંજાબ કિંગ્સ (PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR) આવતીકાલે શુક્રવારે આઇપીએલની (IPL) હાલની સિઝનમાં તેમની છેલ્લી લીગ મેચ રમશે ત્યારે બંને ટીમો પોતાને બીજા કરતા વધુ સારી સાબિત કરીને પ્લેઓફમાં જગ્યા બનાવવાની તેમની ધૂંધળી આશાઓને જીવંત રાખવાનો પ્રયાસ કરશે. આ બંને ટીમોના 13 મેચમાં સરખા 12 પોઈન્ટ છે પરંતુ સારા રન રેટના આધારે રાજસ્થાનની ટીમ પંજાબ કરતા આગળ છે. જો કે, આ મેચ જીતવા ઉપરાંત બંને ટીમોએ ટીમની બાકીની મેચોમાં પણ તેમના માટેના સાનુકૂળ પરિણામ માટે પ્રાર્થના કરવી પડશે.
2013 પછી પહેલીવાર આઇપીએલની મેચ બુધવારે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં 400થી વધુ રન બન્યા હતા. પંજાબ અને રાજસ્થાન વચ્ચેની મેચમાં ફરી એકવાર મોટો સ્કોર જોવા મળી શકે છે. જોકે શરૂઆતની ઓવરોમાં ઝડપી બોલરોને મદદ મળી શકે છે. ત્યારે બેટ્સમેનોએ સતર્ક રહેવાની જરૂર છે. પાવરપ્લે પછી બેટિંગ સરળ થવાની અપેક્ષા છે. પહાડો પર સ્થિત ધર્મશાલામાં હવામાન હવે સંપૂર્ણપણે સ્વચ્છ છે. શુક્રવારે મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની સંભાવના છે. જો કે મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે અને ત્યાં સુધીમાં તાપમાન 20 થી 22 ડિગ્રીની આસપાસ હશે. વરસાદ ન હોવાને કારણે ધર્મશાળાના ચાહકો સંપૂર્ણ મેચ જોવા મળશે.