પ્રયાગરાજ: ઓપરેશન ‘આહટ’ (Operation ‘Ahat’) હેઠળ રેલ્વે પ્રોટેક્શન ફોર્સે (Railway Protection Force) આજે 10 મેના રોજ એક મહત્વની કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત જવાનોએ ટ્રેનમાં (Train) અલગ-અલગ કોચમાંથી 93 સગીર બાળકોને રેસ્ક્યુ (Rescue) કર્યા હતા. આ બાલકો એકલા મુસાફરી કરી રહ્યા હતા. તેમના માતાપિતામાંથી કોઈ તેમની સાથે નહોતું.
ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર રેલવે પ્રોટેક્શન ફોર્સ પોસ્ટ પ્રયાગરાજ દ્વારા ઓપરેશન ‘આહટ’ હેઠળ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં ટ્રેન નં. 12487, પ્રયાગરાજ સ્ટેશન પર S-6, S-7 અને S-8 થી 93 સગીર બાળકો અને 09 વ્યક્તિઓ સાથે તેમને ઉતારવામાં આવ્યા હતા. આ નવ લોકો બાળકો પર નજર રાખી રહ્યા હતા. આરપીએફને સૂત્રો પાસેથી આ માહિતી મળતા જ તેમણે કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ બાળકોને રેસ્ક્યુ કર્યા હતા. હાલ બાળકોને બાળ કલ્યાણ સમિતિ/પ્રયાગરાજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં બાળકોની દેખરેખ અને કાઉન્સેલિંગ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સૂત્રો પાસેથી માહિતી મળતાં એસઆઈ નીતિન કુમારને પહેલાથી જ પંડિત દીન દયાલ ઉપાધ્યાય સ્ટેશન પર મોકલવામાં આવ્યા હતા અને વાહનમાં બાળકો અને તેમને લઈ જનાર વ્યક્તિઓનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ પોસ્ટ કમાન્ડર શિવ કુમાર સિંહે ડિટેક્ટીવ વિંગ/પ્રયાગરાજના સ્ટાફ, બચપન બચાવો આંદોલનના કર્મચારીઓ, ચાઈલ્ડ હેલ્પલાઈનના કર્મચારીઓ તેમજ રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કામ કરતા મહિલા દળના સભ્યો સાથે એક ટીમ બનાવી અને બાળકોને બચાવ્યા હતા. તેમજ બાળકો સાથે આવેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ વ્યક્તિઓ પાસે બાળકોને લઈ જવા માટેનું કોઈ માન્ય પ્રમાણપત્ર મળ્યું ન હતું, ન તો બાળકોના માતા-પિતા કે પરિવારના કોઈ સભ્ય આ બાળકો સાથે મુસાફરી કરતા જોવા મળ્યા હતા. ત્યારે રેલવે પ્રોટેક્શન ફોર્સ પોસ્ટ પ્રયાગરાજ ઘણા સમયથી આ પ્રકારના કાંડની માહિતી એકઠી કરી રહી હતી.
પ્રયાગરાજ જંક્શન પર તૈનાત રેલ્વે પોલીસ ફોર્સ (RPF) ઇન્સ્પેક્ટર શિવ કુમારે જણાવ્યું હતું કે ટ્રેનમાંથી ઉતાર્યા બાદ આ બાળકોને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની દેખરેખ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ હતું. આ બાળકો બિહારના અરરિયાના રહેવાસી છે અને આમાંથી કેટલાક બાળકોને દિલ્હી, કેટલાકને રાજસ્થાનના નાગૌર જિલ્લામાં અને કેટલાકને દેહરાદૂન લઈ જવામાં આવી રહ્યા છે.
અધિકારીએ જણાવ્યું કે આ તમામ બાળકો મુસ્લિમ સમુદાયના છે અને તેમની ઉંમર 9 વર્ષથી 12-13 વર્ષની વચ્ચે છે. બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ અખિલેશ મિશ્રાએ કહ્યું કે કાઉન્સેલિંગ રિપોર્ટ આવવાનો બાકી છે. પરંતુ પ્રાથમિક તપાસ દરમિયાન આ બાળકોને દેશના અલગ-અલગ મદરેસામાં લઈ જવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું.