સુરત: સચિનના વાંઝ ગામમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રની (BOM) શાખામાં ધોળા દિવસે લૂંટને (Robbery) અંજામ આપી લૂંટારુઓએ ભાગી છૂટવામાં વપરાયેલી બાઇક (Bike) બિનવારસી હાલતમાં મળી આવી છે. પાંચ જેટલા લૂંટારૂઓએ બંદૂકના નાળચે 13.26 લાખની લૂંટ ચલાવી બાઇક પર ભાગી ગયા હતા. પોલીસે એલર્ટ જાહેર કરીને તપાસ હાથ ધરી હતી. વિવિધ ટીમોની મદદથી તપાસ કરતી પોલીસને સફળતા મળી છે. જેમાં લૂંટારૂ લૂંટને અંજામ આપીને રિક્ષામાં નાસી જતાં દેખાયા છે. જ્યારે લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી બાઈક પણ બિનવારસી હાલતમાં મળી આવી છે.
- પોલીસનું ધ્યાન ભટકાવવા લૂંટારુઓ એ રસ્તામાં કપડા પણ બદલ્યા
- પોલીસને લૂંટની તપાસમાં મોટી સફળતા મળી, થોડા સમયમાં આરોપીઓ પણ પકડાઈ જાય તેવી શક્યતા
- બેંક લૂંટમાં અંદરના કર્મચારીઓ જ ટીપ આપી હોય તેવી શક્યતાઓ સામે પણ તપાસ ચાલી રહી છે
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લૂંટારૂઓ દ્વારા બેંક લૂંટમાં ચોરીની બાઈકનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા હાલ અલગ અલગ ટીમો બનાવીને લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હતા. તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે લૂંટારૂઓને ચોરીની બાઈક ક્યાંથી ચોરી એ પણ તપાસમાં આવી રહ્યું છે.
લૂંટારૂઓ લૂંટને અંજામ આપી રિક્ષામાં ભાગી ગયા હોવાનું હાલ સામે આવ્યું છે. એટલું જ નહીં પણ ઉન પાટીયા પાસે બાઈક મૂકી લૂંટારૂઓ રિક્ષામાં બેઠા હોવાના કેટલાક પુરાવાઓ પણ મળ્યા છે. રસ્તામાં આરોપીઓએ પોલીસનું ધ્યાન ભટકાવવા માટે કપડા પણ બદલી નાખ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, હાલ પોલીસને લૂંટની તપાસમાં મોટી સફળતા મળી છે. થોડા સમયમાં આરોપીઓ પણ પકડાઈ જાય તેવી શક્યતા દેખાય રહી છે. બેંક લૂંટમાં અંદરના કર્મચારીઓ જ ટીપ આપી હોય તેવી શક્યતાઓ સામે પણ તપાસ ચાલી રહી છે.