બારડોલી: વાંસકુઈમાં રોડ ક્રોસ (Road Cross) કરતા ત્રણ જણાને બાઈકે (Bike) અડફટે લીધા હતા. જેમાં મહિલા અને 11 વર્ષની બાળકી બચી ગઈ હતી. જ્યારે તેની 9 વર્ષની નાની બહેનનું ગંભીર ઈજાને કારણે મોત (Death) થયું હતું. બારડોલી (Bardoli) તાલુકાના વાંસકુઈ ગામે વચલું ફળીયામાં રહેતી સંગીતાબેન જીતુભાઇ ગામીત (ઉ.વર્ષ 38) શનિવારે સાંજે ફળીયામાં જ રહેતી શ્વેતલ સતીશ ચૌધરી (ઉ.વર્ષ 11) અને તેની નાની બહેન તરુલતા સતીશ ચૌધરી (ઉ.વર્ષ 9) સાથે વાંસકુઈ ચાર રસ્તા નજીક મઢીથી માંડવી માર્ગ પર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે સમયે પુરઝડપે આવતી એક મોટર સાયકલ નંબર જીજે 26 જે 6580ના ચાલકે ત્રણેયને અડફેટમાં લીધા હતા. અકસ્માતમાં ત્રણેયને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તરુલતાને ગંભીર ઇજા હોય નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પોલીસે મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઉચ્છલના ટાવલી ગામે બાઈક ઝાડ સાથે અથડાતાં બે યુવકોના મોત
વ્યારા: ઉચ્છલના ટાવલી ગામે ઝાડ સાથે બાઇક અથડાતા બે યુવકોના મોત નિપજ્યા છે. નંદુરબારના અકક્લકુવાના વેળખેડીના પાટીલ ફળીયુંમાં રહેતો 22 વર્ષના અશોકભાઇ કાલુસિંગભાઇ વળવી સાંભર ગામના પાટીલ ફળીયું રહેતા રહેતા 24 વર્ષના રૂપસિંગ આરશીભાઇ વળવી સાથે તા.૧૨મી માર્ચે સાંજે ૪:૧૫ વાગ્યાના અરસામાં હીરો એચ.એફ. ડીલક્ષ મો.સા.નં.MH 39 AF 5472 લઈને ટાવલી ગામ પાસે નિઝર ઉચ્છલ સ્ટેટ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અશોકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક રોડની સાઇડમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજા થતાં બંનેના મોત નિપજ્યા હતા. ભાવસિંગ રમણીયાભાઇ વળવીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.