
ભારતમાં માર્ગ અકસ્માતો એક મહત્વની જાહેર ચિંતાનો વિષય છે, 2022 માં 150,000 થી વધુ મૃત્યુ માટે 450,000 થી વધુ નોંધાયેલા અકસ્માતો જવાબદાર હતા. જો કે, એવી શક્યતા છે કે સત્તાવાર આંકડા માર્ગ અકસ્માતોથી થતા મૃત્યુનું સંપૂર્ણ પ્રમાણ ચૂકી ગયા હોય એટલે કે આ અંદાજ હજી નીચો હોઇ શકે છે. ૨૦૨૨ના આંકડા ઉપલબ્ધ છે, જે પછીના વર્ષોમાં આ આંકડો કદાચ મોટો થયો હશે. અને આમાં મહત્વની વાત હાલમાં એ બહાર આવી છે, જે ખુદ પરિવહન મંત્રીએ જણાવી છે અને તે એ કે મોટા ભાગના માર્ગ અકસ્માતો લોકોની બેદરકારી અને અયોગ્ય વર્તનના કારણે થતા હોય છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ હાલ પુરા થયેલા સંસદના શિયાળુ સત્રમાં બોલતા જણાવ્યું હતું કે મોટાભાગના માર્ગ અકસ્માતો લોકોના વર્તન સાથે જોડાયેલા હોય છે, જેઓ ઘણીવાર સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરે છે. તેમણે લોકસભા સાંસદોને તેમના મતવિસ્તારમાં માર્ગ સલામતી ઝુંબેશ હાથ ધરવા કહ્યું હતું.
દર વર્ષે ૫ લાખ માર્ગ અકસ્માતો થાય છે અને ૧.૮૦ લાખ લોકો જીવ ગુમાવે છે, જેમાં મોટાભાગે યુવાનોનો સમાવેશ થાય છે, તે અંગે દુઃખ વ્યક્ત કરતાં ગડકરીએ સ્પીકર ઓમ બિરલાને આ સમસ્યાનો સામનો કરવા માટે સાંસદો પાસેથી સૂચનો મેળવવા માટે માર્ગ સલામતીના પગલાં પર અલગ ચર્ચા યોજવા વિનંતી કરી હતી. તેમની વાત બરાબર છે. સંસદમાં ખરેખર તો આવી બાબતોની ચર્ચા થવી જોઇએ.
મારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે માર્ગ અકસ્માતો માનવ વર્તન સાથે જોડાયેલા છે. માર્ગ સલામતીના નિયમોનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી. દર વર્ષે માર્ગ અકસ્માતોમાં લગભગ ૧.૮૦ લાખ જીવ ગુમાવે છે જે કોઈપણ યુદ્ધ અથવા કોવિડ રોગચાળામાં ગુમાવેલા જીવ કરતાં વધુ છે. યુવાનો જીવ ગુમાવી રહ્યા છે, ” એમ મંત્રીએ સંસદના નીચલા ગૃહ લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક સાંસદના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. ગડકરીએ કહ્યું કે માર્ગ અકસ્માતમાં મૃત્યુના ૬૬ ટકા ૧૮-૩૪ વર્ષની વય જૂથના લોકોનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે ભલે મંત્રાલય લોકોને માર્ગ સલામતીના ધોરણો વિશે શિક્ષિત અને સંવેદનશીલ બનાવવા માટે ઝુંબેશ ચલાવી રહ્યું છે, પરંતુ તેમાં કોઈ ખાસ સુધારો જોવા મળી રહ્યો નથી. ગડકરીએ ગૃહમાં સાંસદોને તેમના મતવિસ્તારમાં લોકોને સંવેદનશીલ બનાવવા માટે માર્ગ સલામતી કાર્યક્રમો હાથ ધરવા કહ્યું. તેમણે સ્પીકરને આ મુદ્દા પર ગૃહમાં અલગ ચર્ચા યોજવા પણ કહ્યું. આ અંગે, બિરલાએ સભ્યોને તેમના સંબંધિત મતવિસ્તારમાં માર્ગ સલામતી માટે લક્ષિત ઝુંબેશ હાથ ધરવા પણ ટકોર કરી હતી. મંત્રીએ કહ્યું કે સરકારે એક યોજના શરૂ કરી છે, જેના હેઠળ જે વ્યક્તિ કોઈપણ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જશે તેને 25,000 રૂપિયા આપવામાં આવશે અને તેને ‘રાહ-વીર’ કહેવામાં આવશે.
આ એક સારી યોજના છે, કારણ કે ઘણી વખત લોકો અકસ્માતમાં ભોગ બનેલાને મદદ કરવાનું ટાળે છે અને ભોગ બનેલ વ્યક્તિ રસ્તા પર જ મરી જાય છે. ગડકરીએ જણાવ્યું હતું કે સરકારે 7,000 બ્લેકસ્પોટ્સ નક્કી કર્યા છે અને તેના માટે રૂ. 40,000 કરોડ ફાળવ્યા છે. સરકાર દ્વારા બ્લેકસ્પોટ્સ તેને ગણાવવામાં આવે છે જે સ્થળોએ વારંવાર મૃત્યુ અને ગંભીર ઇજાઓ સાથેના અકસ્માતો થાય છે જે સંબંધિત રાજ્ય સરકારો પાસેથી પ્રાપ્ત થયેલા અકસ્માત અહેવાલોના આધારે કરવામાં આવે છે.
સત્તાવાર રીતે નોંધાયેલા આંકડાઓ દ્વારા પણ, ભારતમાં વિશ્વના કોઈપણ દેશ કરતાં માર્ગ અકસ્માતમાં મૃત્યુની સંખ્યા સૌથી વધુ છે અને વિશ્વના માર્ગ અકસ્માતોમાં તેનો હિસ્સો 11% છે. જો કે, તેની વસ્તીના પ્રમાણમાં, ભારતમાં માર્ગ અકસ્માતથી મૃત્યુ દર વૈશ્વિક સરેરાશ કરતા ઓછો છે. પરંતુ તે પાકિસ્તાન અને શ્રીલંકા જેવા પડોશી દેશો કરતા વધુ છે. લોકોની બેદરકારીઓ એક મહત્વનું કારણ આ માટે જણાઇ છે. હાલની ઝુંબેશોની ઓછી અસર જોતા માર્ગ અકસ્માતો અંગે લોકજાગૃતિ ઝુંબેશ વધુ સઘન બનાવવાની જરૂર છે જ પરંતુ રફ ડ્રાઇવિંગ જેવા ગુનાઓ માટે કાયદાઓ પણ સખત બનાવવાની જરૂર છે.