National

RJDનો ‘પરિવર્તન પત્ર’ જાહેર, તેજસ્વીએ 2024 માટે આપ્યા 24 વચનો

નવી દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના છ દિવસ પહેલા લાલુ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ પોતાનો ચૂંટણી મેનીફેસ્ટો (Election Manifesto) બહાર પાડ્યો હતો. જેને ‘પરિવર્તન પત્ર’ નામ આપવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટોને તારીખ 13 એપ્રિલના રોજ બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને લાલુ યાદવના (Lalu Yadav) નાના પુત્ર તેજસ્વી યાદવે (Tejashwi Yadav) લોન્ચ કર્યું હતું.

રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ લોકસભા ચૂંટણી માટે પરિવર્તન પત્ર નામનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. તેજસ્વી યાદવ આ મેનિફેસ્ટોમાં લોકસભા ચૂંટણી 2024 માટે 24 જાહેર વચનો લઈને આવ્યા છે. તેજસ્વીના જણાવ્યા મુજબ જો કેન્દ્રમાં ભારત ગઠબંધનની સરકાર બનશે તો તેઓ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા સાથે અન્ય કાર્યો પણ કરશે. જેના માટે વિશેષ પેકેજ અલગથી આપવામાં આવશે.

એક કરોડ નોકરીનું વચન
તેજસ્વી યાદવે કહ્યું કે 15 ઓગસ્ટથી દેશના યુવાનોને બેરોજગારીમાંથી મુક્તિ મળશે. સરકારની રચના બાદ 30 લાખ ખાલી જગ્યાઓ માટે 15 ઓગસ્ટથી ભરતી પ્રક્રિયા શરૂ થશે. 70 લાખ નવી પોસ્ટ બનાવવામાં આવશે. એટલે કે કુલ એક કરોડ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે. બેરોજગારી સૌથી મોટો દુશ્મન છે. બીજેપીના લોકોએ આ મુદ્દે વાત નથી કરી કે અગાવ તેઓએ 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું. પરંતુ તે પૂર્ણ કર્યુ નથી.

જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન
આરજેડી નેતા તેજસ્વીએ કહ્યું કે કેન્દ્રમાં સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. હાલ ઘણા રાજ્યોમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે લાંબા સમયથી માંગ કરી રહ્યા છે.

મહિલાઓને એક લાખ રૂપિયા આપવાનું વચન
આરજેડીનો મેનિફેસ્ટો બહાર પાડતા તેજસ્વીએ કહ્યું કે તેમની સરકાર રક્ષાબંધન પર ગરીબ બહેનોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે. ગરીબ પરિવારની બહેનોને દર વર્ષે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપીશું.

બિહારમાં 5 નવા એરપોર્ટ બનાવવામાં આવશે – તેજસ્વી
તેજસ્વી યાદવે કહ્યું કે બિહારમાં વધુ સારી કનેક્ટિવિટી માટે અમે રાજ્યમાં પૂર્ણિયા, ભાગલપુર, મુઝફ્ફરપુર, ગોપાલગંજ અને રક્સૌલમાં 5 નવા એરપોર્ટ બનાવીશું.

મફત વીજળી અને MSPનું વચન
આરજેડીએ તેના મેનિફેસ્ટોમાં લોકોને દર મહિને 200 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું છે. તેજસ્વીએ કહ્યું કે ખેડૂતોને 10 પાક માટે ટેકાના ભાવ (એમએસપી) આપવામાં આવશે. સ્વામીનાથન પંચની ભલામણોનો અમલ કરશે. તેમજ ભારત ગઠબંધન સત્તામાં આવતાની સાથે જ અગ્નિવીર યોજના બંધ કરી દેવામાં આવશે. જો અર્ધલશ્કરી દળો ફરજ દરમિયાન મૃત્યુ પામે તો તેમને શહીદનો દરજ્જો આપવામાં આવશે. જો કે આરજેડી સહિત ભારત ગઠબંધનના પક્ષો શરૂઆતથી જ અગ્નિવીર યોજનાનો વિરોધ કરી રહ્યા છે.

Most Popular

To Top