ભરૂચ: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હવે ગુજરાતની (Gujarat) નર્મદા, તાપી, મહિસાગર, ઓરસંગ સહિતની નદીઓને (River) ઉચ્ચ રાજકીય વગ અને વહીવટી પીઠબળ ધરાવતા રેતમાફિયાઓના હાથમાંથી બચાવી લેવા વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા પત્ર લખી વિનંતી કરી છે.
ભરૂચના MP મનસુખ વસાવાએ 6 દિવસ પહેલા જ મુખ્યમંત્રી, રાજ્ય સરકારના સંબંધિત મંત્રાલયને ગુજરાતની નર્મદા નદીનો રેતમાફિયાઓ દ્વારા થઈ રહેલા વિનાશને અટકાવવા પત્ર લખ્યો હતો. જે બાદ સાંસદે લોકસભામાં તેમજ સંબંધિત રાજ્ય તેમજ કેન્દ્રના અન્ય મંત્રાલયોમાં પણ પત્ર થકી રાજ્યની નદીઓને બચાવવા પત્રો પાઠવ્યા હતા.
હવે MP મનસુખ વસાવાએ સીધો હિન્દીમાં વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીને જ પત્ર પાઠવ્યો છે. સાંસદે PMને પત્ર મારફતે ગુજરાતની નદીઓને બચાવી લેવા વિનવણી કરી છે, જેમાં વેદના વ્યક્ત કરી છે કે, દેશની નદીઓને સ્વચ્છ અને પુનઃજીવિત કરવાનું અભિયાન આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે ગંગા અને યમુના નદીઓ આજે પહેલા કરતાં વધુ પવિત્ર દેખાય છે. પરંતુ ગુજરાતની નર્મદા, તાપી, મહિસાગર, ઓરસંગમાં રેતીખનનથી નદીઓના અસ્તિત્વને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. નદીઓમાં 25થી 30 ફૂટની ઊંડાઈ સુધી રેતી કાઢવામાં આવે છે અને કાઢવામાં આવેલી રેતીને વહન કરવા માટે ભારે ટ્રકોનો ઉપયોગ કરવામાં આવે છે. નદીઓમાં પુલ કે રસ્તા બનાવીને આ ટ્રકોને ગેરકાયદે રીતે વહન કરવામાં આવે છે.
આ ઓવરલોડેડ ટ્રકો અને રેતી કાઢવાની મશીનરીને કારણે નદીઓના બંને કાંઠે લીલીછમ વનસ્પતિઓ અને વૃક્ષો-છોડ સહિતનો પણ નાશ થઈ રહ્યો છે. જેના કારણે પાણીના સ્ત્રોત ઉપર આવે છે, તેવાં વૃક્ષો, વનસ્પતિના નિકંદનથી નદીની ઇકોલોજી પણ નષ્ટ થઈ રહી છે. આ એક પ્રકારની કુદરતી સંપત્તિ છે. જેનો ગેરકાયદે ખાણકામને લઈને પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે.
સાંસદે વધુમાં PM ને લખ્યું છે કે, તેઓએ આ અંગે સંબંધિત મંત્રાલયને પત્રો પણ લખ્યા છે અને લોકસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. સાથે અનેક પર્યાવરણવાદીઓ અને પરિક્રમાવાસીઓએ નર્મદા બચાવો અભિયાન શરૂ કર્યું છે. જો કે, રેતીમાફિયાઓને ઉચ્ચ રાજકીય અને વહીવટી રક્ષણ આપવામાં આવતું હોવાના કારણે આ ગેરકાયદે ધંધો સતત ચાલી રહ્યો છે. સાંસદે વડાપ્રધાનને વિનંતી કરી છે કે, ગંગા અને યમુનાની જેમ નર્મદા નદીને પણ બચાવવી જોઈએ, જેમાં PM નરેન્દ્ર મોદીના તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે.