મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની આજે શિવાજી જયંતિ નિમિત્તે અભિનેતા રિતેશ દેશમુખએ પોતાની બહુપ્રતિક્ષિત ઐતિહાસિક ફિલ્મ “રાજા શિવાજી”નો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. સોશિયલ મીડિયા પર શેર થયેલું પોસ્ટર રિલીઝ થતાં જ વાયરલ બની ગયું છે અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં રિતેશ દેશમુખ યુદ્ધભૂમિની વચ્ચે દ્રઢ નિશ્ચય સાથે ઉભેલા નજરે પડે છે. તેમના હાથમાં ચમકતી તલવાર અને પાછળ ગર્વથી લહેરાતો ભગવો ધ્વજ ફિલ્મના વિષયને વધુ પ્રભાવશાળી બનાવે છે. પરંપરાગત કવચમાં સજ્જ આ અવતાર પ્રતિકાર, શૌર્ય અને માતૃભૂમિ પ્રત્યેની અડગ ભક્તિનો સંદેશ આપે છે. નિર્માતાઓના જણાવ્યા અનુસાર, ફિલ્મમાં શિવાજી મહારાજના જીવન અને વારસાને ભવ્ય સિનેમેટિક અંદાજમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ Jio Studios અને Mumbai Film Company દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહી છે. નિર્માણની જવાબદારી જ્યોતિ દેશપાંડે અને જેનેલિયા દેશમુખે સંભાળી છે, જ્યારે સંગીત પ્રખ્યાત જોડીએ અજય – અતુલે તૈયાર કર્યું છે. ફિલ્મનું દિગ્દર્શન પણ રિતેશ દેશમુખ પોતે જ કરી રહ્યા છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ ખાસ ધ્યાન ખેંચે એવી છે. રિતેશ દેશમુખ સાથે સંજય દત્ત, વિદ્યા બાલન, અભિષેક બચ્ચન, મહેશ માંજરેકર, ફરદીન ખાન અને ભાગ્યશ્રી જેવા અગ્રણી કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે રિતેશે અગાઉ 2022માં મરાઠી ફિલ્મ વેડનું દિગ્દર્શન કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર મોટી સફળતા સાબિત થઈ હતી. હવે તેઓ “રાજા શિવાજી” દ્વારા ફરી એકવાર ઐતિહાસિક કથાને પરદા પર જીવંત બનાવવા તૈયાર છે. ચાહકો માટે સૌથી મહત્વની માહિતી એ છે કે ફિલ્મ 1 મે, 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઐતિહાસિક ગૌરવ અને આધુનિક પ્રસ્તુતિનું અનોખું સંયોજન દર્શાવતી આ ફિલ્મ પ્રેક્ષકો માટે વિશેષ અનુભવ બની શકે છે.