Gujarat

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ વધતા ફફડાટ

ગાંધીનગર : ગાંધીનગરમાં ટાઈફોઈડના 108 કેસો નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ એકશન મોડમાં આવી ગયા છે. ગઈકાલે કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે પણ નવી દિલ્હીથી ફોન પર ડે. સીએમ હર્ષ સંઘવી સાથે વાત કરી હતી. જેના પગલે તેઓ તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમના નિવાસસ્થાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી.

ગાંધીનગરના શહેરી વિસ્તારોમાં વધી રહેલા ટાઈફોઈડના કેસોના સંદર્ભમાં મુખ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ રોગચાળાને નિયંત્રિત કરવા માટે લેવાયેલા પગલાંઓની વિગતવાર માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટાઈફોઈડના કુલ 108 જેટલા કન્ફર્મ કેસ નોંધાયા છે. આ આંકડો રાજયના પાટનગર માટે ચિંતાજનક માનવામાં આવી રહ્યો છે. હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યા અનુસાર ગઇકાલે શનિવાર સુધી કુલ 108 કેસ હતા જેમાં 17ને રજા આપી દેવાઇ છે જ્યારે 91 હજી પણ સારવાર હેઠળ છે. આ આંકડા ફક્ત સિવિલ હોસ્પિટલના છે.

મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે પ્રદૂષિત પાણી અથવા ખોરાકને કારણે ફેલાતા આ રોગને અટકાવવા માટે શહેરમાં પાણીના સેમ્પલિંગની પ્રક્રિયા તેજ કરવામાં આવે. મ્યુનિસિપલ કોર્પોરેશનને સૂચના આપવામાં આવી છે કે દરેક સેક્ટરમાં ક્લોરિનેશન અને સ્વચ્છતાની તપાસ કરવામાં આવે જેથી રોગચાળો વધુ નહીં ફેલાઇ.

Most Popular

To Top