World

બ્રિટેનની ચુંટણીના એક્ઝિટપોલ બાદ ઋષિ સુનકે હાર સ્વીકારી, લેબર પાર્ટીની સરકાર બનશે

નવી દિલ્હી: યુનાઈટેડ કિંગડમમાં (United Kingdom) ગઇકાલે 4 જુલાઇએ સામાન્ય ચુંટણીઓ યોજાઈ હતી. ત્યારે ચૂંટણીના એક્ઝિટપોલ બાદ મૂળ ભારતીય અને બ્રિટેનના વડાપ્રધાન ઋષિ સુનકે (Sage Sunak) હાર સ્વીકારી લીધી છે. તેમજ ઋષિ સુનકે આવતીકાલે રાજીનામુ (Resignation) આપવાની પણ જાહેરાત કરી હતી.

પ્રાપ્ત વિગત૯ો મુજબ યુ.કેની સામાન્ય ચુંટણીના પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલ સ્પષ્ટ દર્શાવે છે કે દેશમાં કન્ઝર્વેટિવ પાર્ટી અને ઋષિ સુનકની સત્તા પરથી વિદાય લગભગ નિશ્ચિત છે. એક મુખ્ય એક્ઝિટ પોલ અનુસાર કેન્દ્ર-ડાબેરી લેબર પાર્ટી જંગી બહુમતી સાથે યુકેની ચૂંટણી જીતવા જઈ રહી છે. જો ચૂંટણીના પરિણામો સમાન રહેશે તો લેબર પાર્ટી 14 વર્ષ બાદ યુકેમાં સત્તા પર પરત ફરશે.

જો કે ઋષિ સુનકે રિચમન્ડ અને નોર્થલેર્ટનની પોતાની સીટ જીતી લીધી છે. અહીં તેઓ 23,059 મતોથી જીત્યા હતા. સુનક પછી લેબર પાર્ટીના ટોમ વિલ્સન બીજા ક્રમે આવ્યા હતા. તેમને 10,874 વોટ મળ્યા હતા. ત્યારે પરિણામની જાહેરાત વખતે સુનક તેની પત્ની અક્ષતા મૂર્તિ સાથે મતગણતરી કેન્દ્રમાં હાજર રહ્યા હતા હતા. તેમજ સુનકે વિપક્ષી પાર્ટી સર કીર સ્ટાર્મરને જીતના અભિનંદર પણ પાઠવ્યા હતા.

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને આઉટગોઇંગ વડાપ્રધાન ઋષિ સુનકે પોતાની હાર સ્વીકારતા કહ્યું કે લેબર પાર્ટીએ આ સામાન્ય ચૂંટણી જીતી છે અને મેં કીર સ્ટારરને તેમની જીત પર અભિનંદન આપવા ફોન કર્યો હતો. હવે હું લંડન જઈશ. ત્યાં હું પાર્ટીના અન્ય સભ્યો સાથે ચૂંટણી પરિણામો વિશે વિચાર-વિમર્શ કરીશ. સુનકે કહ્યું વડાપ્રધાન પદ પર રહીને મેં મારા કાર્યકાળ દરમિયાન ઘણું કામ કર્યું હતું.

એક્ઝિટ પોલનો અંદાજ શું છે?
યુકેની ચૂંટણીઓ માટે એક્ઝિટ પોલના ડેટા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં લેબર પાર્ટીની જંગી જીતની આગાહી કરવામાં આવી છે. લેબર પાર્ટી 410 સીટો જીતશે. કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 131 સીટો મળશે. લિબરલ ડેમોક્રેટ્સને 61 બેઠકો, રિફોર્મ યુકેને 13 બેઠકો અને ગ્રીન પાર્ટીને 2 બેઠકો મળવાની ધારણા છે. ત્યારે એક્ઝિટ પોલ મુજબ લેબર પાર્ટી તરફથી લેબર લીડર કીર સ્ટારમરને યુકેના નવા વડાપ્રધાન બનાવવામાં આવી શકે છે. સ્ટારમર ભૂતપૂર્વ વકીલ છે જેમણે 2015 માં સંસદમાં પ્રવેશ કર્યો હતો અને 2020 માં લેબર પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેમના નેતૃત્વમાં જ લેબર પાર્ટી સત્તા મેળવવાની ખૂબ નજીક છે.

બહુમતીનો આંકડો શું છે?
યુકેમાં 4 જુલાઈએ સંસદ એટલે કે હાઉસ ઓફ કોમન્સની 650 બેઠકો માટે મતદાન થયું હતું. જેના પરિણામો આજે જાહેર થઇ રહ્યા છે. ત્યારે જણાવી દઇયે કે સંસદમાં બહુમતનો આંકડો 326 સીટોનો છે. જે પણ પક્ષ કે ગઠબંધન આ આંકડાને પાર કરશે તે સરકાર બનાવશે. હાલમાં એકલા લેબર પાર્ટીને બહુમતી કરતાં વધુ બેઠકો સરળતાથી મળી જશે તેવો અંદાજ છે.

Most Popular

To Top