સુરત : એક બાજુ સુરત(Surat) મનપા(SMC) સ્વચ્છતા(Hygiene) સર્વેમાં પ્રથમ નંબરે આવવા માટે હોડ લગાવી રહી છે. તો બીજી બાજુ રોજ રોજ થતી સફાઇમાં શહેરમાં 30 ટકા વિસ્તાર(Area) તો સફાઇથી બાકાત રહી જતો હોવાનો ઘટસ્ફોટ સ્થાયી સમિતિએ સફાઇ કામદારો(Sweepers) અને તેના ફરજના સ્થળ અંગે મંગવાયેલી વિગતોમાં થયો છે. આરોગ્ય વિભાગે સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરેલી વિગતો મુજબ શહેરમાં સાડા પાંચ હજાર જેટલા નાના-નાના વિસ્તારોના ટુકડા જે તે સફાઇ કામદારને ફાળવીને સફાઇ કરાવવામાં આવી રહી છે. જેને બીટ કે જિલ્લા તરીકે ઓળખ આપવામાં આવી છે જો કે સતત હદ વિસ્તરણ બાદ પણ સફાઇ કામદારોની આવશ્યકતા મુજબ ભરતી થઇ નથી એટલે રોજ આશરે 15 ટકા જેટલા વિકલી ઓફ અને 15 ટકા જેટલા કામદારો અન્ય કારણોસર હાજર રહેતા નથી તેથી રોજના 30 ટકા જિલ્લાઓમાં સફાઇ બાકી રહી જતી હોવાનું બહાર આવ્યું છે.
- શહેરના 30 ટકા વિસ્તારમાં રોજ સફાઇ જ નહીં થતી હોવાનો ઘટસ્ફોટ
- શહેરમાં સફાઇની સ્થિતિ કથળી રહી હોવાની સ્થાયી સમિતિ સભ્યોની રજૂઆત ધ્યાને લેવાઈ
- સ્થાયી સમિતિ ચેરમેને સફાઇ કામદારોની તળીયા જાટક બદલી કરવા તાકીદ કરી
- સ્વચ્છતામાં નંબર વન બનવાની હોડ વચ્ચે શહેરમાં સફાઈ કામગીરીમાં લોલમલોલ
વિસ્તૃત વિગતો મુજબ શહેરમાં સફાઇની સ્થિતિ કથળી રહી હોવાની ફરિયાદ સ્થાયી સમિતિ સભ્યો દ્વારા જ કરવામાં આવી રહી હતી. તેથી સ્થાયી સમિતિની મિટીંગમાં ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ર્ડો.આશિષ નાયકને બોલાવી સફાઇ બાબતે તમામ વિગતો મંગાઇ હતી. સફાઇની કથળી રહેલી સ્થિત બાબતે એક તારણ એવું પણ નિકળ્યું હતું કે, એક જ જગ્યાએ વરસોથી એક જ સફાઇ કામદાર ફરજ બજાવતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં તો પોતાના કાર્યકાળ દરમિયાન કામદાર એક જ જગ્યાએ ફરજ બજાવી નોકરી પુરી કરી દે છે. તેથી તેની કામગીરીમાં ઓટ આવી જાય છે. તેથી સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે સુરત મનપામાં ફરજ બજાવતા સાડા છ હજાર જેટલા કામદારોની હાલની ફરજ અંગે સમાલોચના કરી જે વરસોથી એક જ જ્ગાયએ હોય તેને અન્ય વોર્ડમાં બદલી કરવા અને જે કામદારો પોતાની ફરજ પ્રત્યે બેદરકાર રહેતા હોય તેની સામે કડક કાર્યવાહી કરવા તાકીદ કરી છે.
2006 અને 2020માં હદ વિસ્તરણ પરંતુ ભરતી 2010માં એક જ વાર
એક વાસ્તવિકતા એ પણ છે કે મનપામાં જે રીતે હદ વધી છે તે રીતે સફાઇ કામદારોની ભરતી થઇ નથી. તંત્ર સફાઇની કામગીરી માટે શહેરને જે હિસ્સાઓમાં વહેંચે છે તે હિસ્સાને જિલ્લા તરીકે ઓળખાવી એક જિલ્લામાં એક કામદારને જવાબદારી સોંપાય છે, આશરે 300થી લઇને 700 ચોરસ મીટરનો વિસ્તાર એક જિલ્લામાં હોય છે. એટલે કે જ્યાં વધુ વસતી અને વધુ ગીંચતા હોય ત્યાં જિલ્લાનું ક્ષેત્રફળ નાનું અને જ્યાં મોકળાશ હોય ત્યાં મોટુ હોય છે. જો કે 2006માં હદ વિસ્તરણ પછી પણ 13 વર્ષ સુધી કામદારોની જુની સંખ્યાથી જ તમામ જિલ્લાઓનું ગાડુ ગબડાવાતું હતુ. ત્યાર બાદ ભરતી થઇ કે તુરંત પાછુ હદ વિસ્તરણ આવી જતા સ્થિતિ જૈ સે થે જેવી થઇ ચુકી છે.
અનેક કામદારો યુનિફોર્મ પણ પહેરતા નથી, ફરજને બદલે અન્ય કામગીરીમાં વ્યસ્ત
એકબાજુ શહેરની હદ વધતા સફાઇ કામદારોની અછત જણાઇ રહી છે. જેના કારણે સફાઇની સ્થિતિ પર અસર થઇ રહી છે. તો બીજી બાજુ દરેક ઝોનમાં અનેક સફાઇ કામદારો એવા છે, જે યુનિફોર્મ પહેર્યા વગર આવે છે. સફાઇ કામગીરીને બદલે અન્ય પ્રવૃતિઓમાં જ રચ્યા-પચ્યા રહે છે. તેમના ઉપરી અધિકારીઓ પણ એક યા બીજા કારણોસર તેનાથી દબાઇ રહ્યા છે અને વરસોથી આ કામદારો તેને જેના માટે નોકરી અપાઇ છે તે કામ કર્યા વગર જ મફતનો પગાર લઇ રહ્યા છે.