અમદાવાદ: મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઓનલાઇન વેપાર પ્લેટફોર્મ જિયોમાર્ટે (Jio Mart) 10 હજારથી વધુ કર્મચારીઓની છટણી (Retrenchment) કરી છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ.એ તાજેતરમાં જ ફુડ હોલસેલર મેટ્રો કેશ એન્ડ કેરીને હસ્તગત કર્યા બાદ છટણી કરવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર જીયો માર્ટ આગામી થોડા અઠવાડિયામાં તેના 15 હજારથી વધુ કર્મચારીઓના કાર્યબળમાંથી વધુ કર્મચારીઓની છટણી કરશે. આ દ્વારા રિલાયન્સ ઇન્ડ. હોલસેલ વિભાગમાંથી લગભગ બે તૃતીયાંશ કર્મચારીઓને ઘટાડવા માગે છે.
- રિલાયન્સ ઇન્ડ. હોલસેલ વિભાગમાંથી લગભગ બે તૃતીયાંશ કર્મચારીઓને ઘટાડવા માગે છે
- કંપનીએ 100થી વધુ કર્મચારીઓને પરર્ફોમન્સ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન પર મુકયા
- જીયોમાર્ટ જેણે કરિયાણાની બીટુબી સ્પેસમાં પ્રાઇસવોર શરૂ કર્યુ હતું, તે હવે માર્જિન સુધારવા અને નુકશાન ઘટાડવાનું વિચારી રહી છે
જીયોમાર્ટે તેની કોર્પોરેટ ઓફિસને 500 એક્સિકયુટીવ સહિત 1000થી વધુ કર્મચારીઓને રાજીનામું આપવા કહ્યું છે. આ સાથે કંપનીએ 100થી વધુ કર્મચારીઓને પરર્ફોમન્સ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન પર મુકયા છે. આ ઉપરાંત, અન્ય સેલ્સ કર્મચારીઓના ફિક્સ વેતનમાં ઘટાડો કરવાની સાથે તેમને વેરિએલ પે સ્ટ્રકચર પર રાખવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, મેટ્રો કેશ એન્ડ કેરીના અધિગ્રહણ પછી, કંપનીએ તેના કાર્યસ્થળ પર 3500 કર્મચારીઓને જોડયા હતા, જેના કારણે કર્મચારીઓની ભુમિકાઓ ઓવરલેપ થઇ ગઇ છે. આ સાથે જીયોમાર્ટ જેણે કરિયાણાની બીટુબી સ્પેસમાં પ્રાઇસવોર શરૂ કર્યુ હતું, તે હવે માર્જિન સુધારવા અને નુકશાન ઘટાડવાનું વિચારી રહી છે.
બે મહિના પહેલા કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ. દ્વારા ફુડ હોલસેલર મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયાના સંપાદનને મંજુરી આપી છે. આરઆરવીએલ અને મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયાએ ડિસેમ્બર 2022માં કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ડીલ 2850 કરોડ રૂપિયામાં થઇ છે. મેટ્રો એ જર્મન કંપની છે જેણે ભારતમાં તેની કામગીરી 2003માં શરૂ કરી હતી અને રોકડ અને વહન વ્યવસાય ફોર્મેટ રજૂ કર્યુ હતું.