Editorial

બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ: એક જરૂરી પગલું

ઇન્ટરનેટના વ્યાપક વધેલા વપરાશ સાથે સોશ્યલ મીડિયાનો વપરાશ પણ સામાન્ય લોકોમાં ઘણો વધ્યો છે. ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ જેવા પ્લેટફોર્મ્સ સોશ્યલ મીડિયાનો ભાગ છે. વૉટ્સ એપ, ટેલિગ્રામ જેવા એપ્સ આમ તો એક મેસેજિંગ એપ છે પરંતુ તેનો ઉપયોગ પણ સોશ્યલ મીડિયા તરીકે થઇ શકે છે. સોશ્યલ મીડિયા શરૂઆતથી જ વિવાદાસ્પદ રહ્યું છે. તેના લાભો પણ છે તો ગેરલાભો પણ વ્યાપક છે. અફવાઓ અને ગેરમાહિતીઓ ફેલાવવા તેનો વ્યાપક ઉપયોગ થતા આપણે દેશ-વિદેશમાં જોયો છે.

પરંતુ આજે અહીં આ મીડિયાની વાત બાળકોના સંદર્ભમાં કરવી છે. સોશ્યલ મીડિયાની કેટલીક વિકૃત સામગ્રીની અસર બાળકોના કુમળા મન પર ઘણી થઇ શકે છે, તો સોશ્યલ મીડિયાનો ઉપયોગ બાળકોનું શોષણ કરવા માટે પણ થઇ શકે છે. આથી ભારતમાં અને અન્યત્ર બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધની ચર્ચાઓ ચાલે છે ત્યારે આંધ્રપ્રદેશ અને કર્ણાટક શુક્રવારે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકનારા પ્રથમ બે ભારતીય રાજ્યો બન્યા છે, જો કે બંનેમાં વય મર્યાદા અલગ-અલગ છે. બાળકોમાં સોશિયલ મીડિયાના વ્યસનને રોકવા અને તેમને સુરક્ષિત રાખવાની વૈશ્વિક ચર્ચા વચ્ચે ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયાએ પણ અગાઉ આવા જ પ્રતિબંધો લાગુ કર્યા છે.

હાલમાં આંધ્રપ્રદેશની TDP સંચાલિત NDA સરકારે જણાવ્યું કે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ રહેશે, જ્યારે તેના પડોશી રાજ્ય કર્ણાટકની કોંગ્રેસ સરકારે આ પ્રતિબંધ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે લાગુ કર્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ એમ પણ કહ્યું કે તેઓ 13 થી 16 વર્ષની વયના બાળકો માટે પણ આ પ્રતિબંધ લંબાવવો કે કેમ તે અંગે ચર્ચા કરી રહ્યા છે.

નાયડુએ જણાવ્યું હતું કે, અમે ચોક્કસપણે ખાતરી કરીશું કે 90 દિવસની અંદર 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરી શકે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે તેમની સરકાર 13 થી 16 વર્ષના કિશોરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેશે. બીજી તરફ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.

બાળકો પર થતી પ્રતિકૂળ અસરોને રોકવાના ઉદ્દેશ્ય સાથે લેવાયેલા આ પગલાને પ્રશંસા અને શંકા બંને મળી રહ્યા છે. બેંગલુરુમાં વિધાનસભામાં વર્ષ 2026-27નું રાજ્ય બજેટ રજૂ કરતી વખતે સિદ્ધારમૈયાએ કહ્યું, બાળકો પર મોબાઈલના વધતા ઉપયોગની પ્રતિકૂળ અસરોને રોકવાના ઉદ્દેશ્ય સાથે, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવશે. બાદમાં પત્રકાર પરિષદમાં તેમણે સ્પષ્ટ કર્યું કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો મોબાઈલ ફોન રાખી શકે છે, પરંતુ તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં.

આ કાયદાનું પાલન શાળાઓ, કોલેજો કે ઘરોમાં કેવી રીતે કરવામાં આવશે તેવા પ્રશ્નોના જવાબમાં સિદ્ધારમૈયાએ કહ્યું, અમે તેના માટે એક કાર્યક્રમ તૈયાર કરીશું અને તે ફાઇલન થયા પછી માહિતી આપીશું. જાન્યુઆરીમાં, રાજ્યના આઈટી મંત્રી પ્રિયાંક ખડગેએ વિધાનસભામાં જણાવ્યું હતું કે સરકાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને સોશિયલ મીડિયાના જવાબદાર ઉપયોગ માટે, ખાસ કરીને બાળકો માટે, કયા પગલાં લઈ શકાય તે અંગે પરામર્શ કરી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય આર્થિક સર્વેક્ષણમાં પણ સૂચવવામાં આવ્યું હતું કે ઓનલાઇન પ્લેટફોર્મ્સ માટે વય-આધારિત એક્સેસ પર વિચાર કરવો જોઈએ અને ડિજિટલ વ્યસન ટાળવા માટે ઓનલાઇન શિક્ષણમાં ઘટાડો કરવો જોઈએ.

બેંગલુરુના એક નાગરિક,  જેમને 16 વર્ષનો પુત્ર અને 13 વર્ષની પુત્રી છે, તેમણે જણાવ્યું હતું કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો એ કેટલીક રીતે સારું હોઈ શકે છે, પરંતુ તેનો અમલ કરવો મુશ્કેલ હશે. મધરહુડ હોસ્પિટલના સાયકોલોજી અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ કન્સલ્ટન્ટ ડો. સરિતા નાગરાજે આ પગલાની પ્રશંસા કરતા કહ્યું કે, આનાથી બાળકો અને કિશોરોમાં માનસિક સ્વાસ્થ્યના જોખમો – જેમ કે હતાશા, ચિંતા, ઊંઘની સમસ્યા અને શારીરિક દેખાવ અંગેની લઘુતાગ્રંથિ – ઓછા થશે. તેમની એકાગ્રતા અને શૈક્ષણિક પ્રદર્શનમાં પણ સુધારો થવાની આશા છે. 

જો કે, રેઈન્બો ચિલ્ડ્રન્સ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્વિસ હેડ ડો. રક્ષય શેટ્ટીએ જણાવ્યું હતું કે, “મોબાઈલના અતિશય ઉપયોગના ગેરફાયદા છે, પરંતુ તે વાલીઓ અને શિક્ષકો માટે ઉપયોગી પણ છે. સંપૂર્ણ પ્રતિબંધ કદાચ વ્યવહારુ ન હોય અને તે માત્ર કાગળ પર જ રહી જાય તેવું બની શકે. તેના બદલે મોબાઈલના મર્યાદિત અને વ્યવહારુ ઉપયોગ માટેની માર્ગદર્શિકા આપવી વધુ યોગ્ય રહેશે.

ક્વોન્ટમ હબના ફાઉન્ડિંગ પાર્ટનર અપરાજિતા ભારતીએ અભિપ્રાય આપ્યો હતો કે ભારતમાં સોશિયલ મીડિયા પ્રતિબંધની ઇચ્છિત અસર થવાની શક્યતા ઓછી છે, કારણ કે અહીં ઘરોમાં એક જ ઉપકરણનો ઉપયોગ અનેક સભ્યો દ્વારા કરવામાં આવે છે.નોંધનીય છે કે, 2025માં ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે TikTok, YouTube, Instagram અને Facebook જેવા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકનારો પ્રથમ દેશ બન્યો હતો. ઈન્ડોનેશિયાએ પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. બાળકોને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતા અટકાવવા જરૂરી છે જ.

Most Popular

To Top