Editorial

રિસર્ચ ફર્મ હિંડનબર્ગના અદાણી જુથ પરના રિપોર્ટએ ભારતના શેરબજારને હચમચાવી દીધું

ભારતના શેરબજારને જાણે કેટલાક સમયથી ગ્રહણ લાગ્યું છે. અગાઉ માર્કેટ 62 હજારથી પણ વધુ સેન્સેક્સ પર પહોંચી ગયા બાદ રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે ભારતીય શેરબજારની હાલત ખરાબ થઈ ગઈ હતી. શેરબજાર ઘટીને 54 હજારની આસપાસ આવી ગયું હતું. ધીરેધીરે માર્કેટ ફરી વધી રહ્યું હતું અને ફરી ઓલટાઈમ હાઈ પર પહોંચી રહ્યું હતું ત્યાં દેશના સૌથી મોટા ઉદ્યોગજુથ ગણાતા અદાણી ગ્રુપ વિશે ફોરેન્સિક ફાઈનાન્શિયલ રિસર્ચ ફર્મ હિડનબર્ગએ બુધવારે પોતાનો રિપોર્ટ જાહેર કરીને કહ્યું કે, અદાણી ગ્રુપની તમામ 7 મોટી લિસ્ટેડ કંપની પર ભારે દેવું છે. તમામ ગ્રુપ કંપનીઓના શેરનું મૂલ્ય પણ 85 ટકાથી  વધુ છે.

અદાણી ગ્રુપે શેરમાં મોટી હેરાફેરી કરી છે. એકાઉન્ટિંગમાં ગોટાળા કરવામાં આવ્યા છે. માર્કેટ મેનીપ્યુલેશન, એકાઉન્ટિંગ ફ્રોડ અને મની લોન્ડરિંગ કર્યું છે. હિડનબર્ગના આ રિપોર્ટને પગલે શેરબજાર ફરી ધડામ કરીને નીચે પટકાયું છે. રિપોર્ટને કારણે અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો થઈ જવા પામ્યો છે. કેટલાકમાં તો નીચલી સર્કિટ પણ લાગી છે. હિડનબર્ગના આ અહેવાલને પગલે શેરબજારમાં અદાણી ગ્રુપના ગૌતમ અદાણીની નેટવર્થ બુધવારથી 8.56 ટકા જેટલી ઘટી જવા પામી છે. અદાણીને  10 બિલિયન ડોલર એટલે કે 81 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે. નેટવર્થ ઘટીને જવાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ હવે 96.6 બિલિયન ડોલર એટલે કે 7.88 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

શુક્રવારે અદાણી જુથના શેર તૂટ્યા હતા. જેમાં અદાણી પોર્ટ્સના શેરમાં 24 ટકા અને અદાણી ટ્રાન્સમિશનના શેર 20 ટકા કરતાં પણ વધારે તૂટ્યા હતા. છેલ્લા પાંચ જ દિવસમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેર 9 ટકાથી શરૂ કરીને છેક 24 ટકા સુધી તૂટી જવા પામ્યા છે. જેણે શેરબજારમાં ભૂકંપની સ્થિતિનું નિર્માણ કરી દીધું છે. અદાણી જુથના શેર તૂટતાં ગૌતમ અદાણી જે વિશ્વમાં અમીર વ્યક્તિઓની યાદીમાં સ્થાન પામતા હતા તેમનું ફોબર્સની અમીરોની યાદીમાં સ્થાન ચોથા ક્રમેથી ગગડીને સાતમા ક્રમે આવી ગયું છે.

જો આવી જ રીતે અદાણી જુથના શેર તૂટતા રહેશે તો ગૌતમ અદાણી માટે વિશ્વના પ્રથમ 10 અમીરોની યાદીમાં પણ પોતાનું સ્થાન જાળવી રાખવું અઘરૂં બની જશે. અદાણી જુથે હિંડનબર્ગના અહેવાલને જુઠો ગણાવીને તેની સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવી દીધું છે પરંતુ સેન્ટિમેન્ટ પર ચાલતા શેરબજારમાં અદાણી જુથના શેરના મામલે માહોલ ગભરાટનો બની ગયો છે. જેને કારણે અદાણી જુથ માટે જોખમી સ્થિતિ બની ગઈ છે. હિંડનબર્ગે પોતાનો અહેવાલ જાહેર કરીને ભારતમાં શેરબજાર પર બોંબ નાખી દીધો છે પરંતુ તેને કારણે નાના રોકાણકારોની હાલત ખરાબ થઈ જવા પામી છે. સેન્સેક્સ બુધવાર અને શુક્રવાર મળીને બે જ દિવસમાં 1500 પોઈન્ટથી વધારે તૂટી ગયો છે અને તેને કારણે શેરબજારમાં રોકાણકારો ભારે ચિંતામાં આવી ગયા છે.

શેરબજારમાં કાયમ આવી જ સ્થિતિ હોય છે. શેરબજારમાં રોકાણ કરનાર પ્રત્યેક રોકાણકારે પોતાનું રોકાણ સમજી વિચારીને જ કરવાનું હોય છે. માર્કેટની સ્થિતિ ગમે ત્યારે બગડી પણ શકે છે. આ સંજોગોમાં રોકાણકારે પોતાનું રોકાણ સચવાયેલું રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે. હિંડનબર્ગ દ્વારા જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો તે સાચો છે કે ખોટો? તે આગામી દિવસોમાં બહાર આવશે. અદાણી અને હિંડનબર્ગ દ્વારા કાયદાકીય લડાઈ પણ કરવામાં આવશે પરંતુ આ રિપોર્ટએ ભારતના શેરબજારને જરૂર હચમચાવી દીધું છે. ગૌતમ અદાણી ભારતના સૌથી વધુ ધનિક વ્યક્તિની સાથે વિશ્વના સૌથી વધુ ધનિક વ્યક્તિ બનવા જઈ રહ્યા હતા.

અદાણી જુથએ દેશમાં અનેક ક્ષેત્રમાં પગપેસારો કરીને પોતાનું વર્ચસ્વ જમાવી દીધું હતું. અદાણી જુથે છેલ્લા થોડા જ સમયમાં ભારે પ્રગતિ પણ કરી હતી.  હિંડનબર્ગ ફર્મ દ્વારા રિપોર્ટ જાહેર કરાયો તેનો સમય પણ એટલો જ શંકાસ્પદ છે. શુક્રવારે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના 20, 000 કરોડ રૂપિયાનું ફોલો-ઓન પબ્લિક ઑફર ખુલવાનો હતો. આ માટે પ્રાઇસ બેન્ડ 3 હજાર 112થી 3 હજાર 276 રૂપિયા પ્રતિ શેર નક્કી થઈ હતી. પરંતુ શુક્રવારે ઘટાડાને કારણે અદાણી એન્ટરપ્રાઇઝનો શેર જ 2 હજાર 768 રૂપિયા પર આવી ગયો હતો. એટલે કે 18 ટકાનો ઘટાડો નોંધાયો હતો. શુક્રવારના ઘટાડા બાદ હવે બે દિવસ શેરબજારો બંધ રહેવાના છે. જેને પગલે બે દિવસ બાદ હિંડનબર્ગના રિપોર્ટની અસર ઘટવાની સંભાવના છે. પરંતુ સોમવારે આ રિપોર્ટની અસર રહેશે તો શેરબજાર વધુ તૂટે તેવી સંભાવના છે. રોકાણકારોએ સાવધ રહેવાની જરૂરીયાત છે તે નક્કી છે.

Most Popular

To Top