મહુવા મામલતદાર કચેરીના અધિકારીઓ સ્વાતંત્ર્યસેનાનીઓનું સન્માન જાળવવાનું ભાન ભૂલ્યા!

અનાવલ: આઝાદીનો અમૃત મહોત્સવની દબદબાભેર ઉજવણી (Celebration) કરવામાં આવી રહી છે. આઝાદીના લડવૈયા એવા સ્વાતંત્ર્યસેનાનીઓની (Freedom Fighter) આઝાદી ચળવળને પ્રજાસત્તાક પર્વ (Republic Day) નિમિત્તે યાદ કરવામાં આવી રહ્યા છે. પરંતુ મહુવા મામલતદાર કચેરીના જવાબદાર અધિકારીઓ તાલુકાના ગૌરવવંતા સ્વાતંત્ર્યવીરોને સન્માન આપવામાં તદ્દન વામણા પુરવાર થયા હોવાનું જણાઈ રહ્યું છે. અગાઉ મામલતદાર કચેરીની બહાર જ તાલુકાના ગૌરવવંતા સ્વાતંત્ર્યસેનાનીઓના નામનું બોર્ડ ગૌરવ વધારતું હતું એ બોર્ડ હાલ કચેરીના રૂમમાં અન્ય ચૂંટણીનાં સાધનો સાથે ધૂળ ખાઈ રહ્યું હોય ત્યારે કચેરીના જવાબદારો પર બીજી શું આશા રાખી શકાય?

મહુવા તાલુકો આઝાદીના ચળવળમાં અગ્રેસર રહ્યો હતો. તાલુકાનાં અનેક ગામોનો આઝાદીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં ઉલ્લેખ થઈ ચૂક્યો છે. મહુવા તાલુકા માટે ગર્વની વાત તો એ છે કે, તાલુકામાં જ ૧૭૪ જેટલા તો સ્વાતંત્ર્યસેનાનીઓએ આઝાદીના ચળવળમાં ભાગ લઈ આઝાદી માટે યોગદાન આપ્યું છે. આ જ સ્વાતંત્ર્યવીરો જે તાલુકાનું ગૌરવ છે તેઓનાં નામોનાં બોર્ડ અગાઉ મામલતદાર કચેરીની બહાર સન્માનપૂર્વક મૂકવામાં આવ્યાં હતાં અને જે તાલુકાના ગૌરવસમા હતાં. અને હાલ આ જ બોર્ડની કચેરીમાં અવગણના કરવામાં આવતી હોવાની પ્રતીતિ થઈ રહી છે.

હાલ એકબાજુ જ્યારે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહુવા મામલતદાર કચેરીમાં આ સ્વાતંત્ર્યસેનાનીઓના નમાવલીનાં બોર્ડ કચેરીના રૂમમાં ચૂંટણીનાં સાધનો સાથે ધૂળ ખાઈ રહ્યા હોય ત્યારે આ સ્વાતંત્ર્યસેનાનીઓનું અપમાન નહીં કહેવાય તો બીજું શું? મામલતદાર કચેરીના જવાબદાર અધિકારીઓ પોતાના નામની તકતી કદાચ વારંવાર સાફ કરાવતા હશે ત્યારે તેમને આ સ્વાતંત્ર્યવીરોનાં નામના બોર્ડ નજરે જ નહીં ચઢ્યાં?

સન્માન તો જળવાવું જ જોઈએ
આઝાદીના સંગ્રામમાં તાલુકાના વીરો-વીરાંગનાઓ જીવન જોખમે જોડાઈને આઝાદી મેળવવા મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. હાલ તો બહુધા હયાત નથી. પરંતુ તેમનું સન્માન જળવાવું જ જોઈએ.

તાલુકામાં સ્વાતંત્ર્યસેનાની સ્મારક બનાવવાની આવશ્યકતા
તાલુકામાં ૧૭૬ જેટલા સ્વાતંત્ર્યસેનાની થઈ ગયા છે કે જેઓએ આઝાદીની ચળવળમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. પરંતુ કમનસીબી એ છે કે, આઝાદીનાં આટલાં વર્ષો બાદ પણ તાલુકામાં આ સ્વાતંત્ર્યસેનાનીઓના સ્મૃતિ તરીકે સ્મારક નથી બનાવવામાં આવ્યું. આ બાબતે તંત્ર અને જન પ્રતિનિધિઓ રસ દાખવે એ આવશ્યકતા છે.

Most Popular

To Top