Comments

રક્ષાબંધનને સર્વ સમનવિષ્ટ તહેવાર બનાવીએ

રક્ષાબંધન આપણો એક મહત્ત્વનો તહેવાર છે. આપણા કૌટુંબિક સંબંધો આપણી સંસ્કૃતિનું એક વિલક્ષણ પાસું છે. એટલે ભાઈ-બહેનની એકબીજા પ્રત્યેની પ્રીતિને અભિવ્યક્ત કરવાના આ તહેવારનું આગવું મહત્ત્વ છે. રક્ષાબંધનનો શાબ્દિક અર્થ થાય છે ‘રક્ષણની ગાંઠ’. રાખડી એક એવા વચનનું પ્રતીક છે, જેમાં ભાઈ તેની બહેનની સુરક્ષા કરશે અને બહેન તેના ભાઈની સલામતી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે. રક્ષાબંધનના પર્વમાં ‘રક્ષા’કેન્દ્ર સ્થાને છે. બહેન જ્યારે ભાઈના કાંડા પર રાખડી બાંધે ત્યારે ઈશ્વરને તેની સુરક્ષાની પ્રાર્થના કરે છે. સામે ભાઈ બહેનનું રક્ષણ કરવાનું વચન આપે અને સાથે કોઈ ભેટ પણ આપે.

ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમા આ તહેવારમાં લાગણીનું સૌન્દર્ય છે એની ના નથી પણ એની વિભાવનામાં પિતૃસત્તાક તત્ત્વો રહેલાં છે. લૈંગિક સ્તરે સમાજમાં થતી ભૂમિકાની વહેંચણી આ તહેવારનો પાયો રચે છે. ભાઈના માથે બહેનનું રક્ષણ કરવાની જવાબદારી અને બહેનને ભાઈ રૂપી પુરુષના સુરક્ષા કવચની જરૂરિયાત. અહીં એ પ્રશ્ન ઊભો થાય છે કે શું ભાઈને સુરક્ષાની જરૂર નથી? શું બહેનને સમૃદ્ધ થવાની જરૂર નથી? મહિલા સલામતી ચોક્કસ એક ગંભીર પ્રશ્ન છે પણ ભાઈ જ બહેનની રક્ષા કરે એવું તો નથી. આજે સ્ત્રીઓ સ્વરક્ષણ માટે સક્ષમ બની રહી છે અને બનવું જ પડે એમ છે. કારણકે, જ્યારે બહેનની રક્ષાની જવાબદારી ભાઈને સોંપાય છે ત્યારે એનો દરજ્જો એક રક્ષક તરીકે હંમેશા બહેન કરતાં ચડિયાતો ગણાવાનો. રક્ષણની જવાબદારી આવે એટલે બહેનની સ્વતંત્રતા પરની પાબંદી લાદવાની સત્તા પણ આવે અને મોરલ પોલીસ બનવાનો ભાર આવે.

બહેન ક્યાં જઈ શકે- ક્યાં ના જઈ શકે, કોની સાથે વાત કરી શકે, કેટલા વાગ્યા સુધી ઘરની બહાર રહી શકે, કેવાં કપડાં પહેરી શકે વિગેરે જેવાં બંધનો ‘સુરક્ષા’ના નામે બહેન પર નાખી એના જીવનનું નિયંત્રણ ભાઈના હાથમાં આવે. પરિણામે બહેનનું સ્થાન ઓછાયામાં આવે. વળી, પોતાની બહેનની રક્ષા કરતો ભાઈ બીજી છોકરીઓને છેડશે નહિ એની ખાતરી કોણ આપશે? પોલીસ પણ નથી આપતી. પોલીસ પણ મહિલાઓએ કયાં જવું – ના જવું અને કેવી રીતે વર્તવુંનાં પોસ્ટર લગાવી અસુરક્ષિત માહોલ માટેની નૈતિક જવાબદારી મહિલાઓ પર જ ઢોળે છે! મહિલાઓ માટે અસલામતી ઊભી કરનાર એ જ પુરુષો હોય છે જે પોતાના ઘરની સ્ત્રીઓ પર અનેક પાબંદી લગાવતા હોય છે! એટલે સ્ત્રીઓએ આત્મરક્ષણ કરતાં તો શીખવું જ પડે.

આ તહેવારનું બીજું અગત્યનું પાસું ભાઈ દ્વારા બહેનને અપાતી ભેટ છે. એમાં પણ ભાઈ બહેનની લૈંગિક ભૂમિકાનો ખ્યાલ છે. ભાઈ પૈસા કમાનાર છે અને બહેન પરાવલંબી છે. જ્યારે આ તહેવાર શરૂ થયો હશે ત્યારે આર્થિક સમીકરણો સ્ત્રીઓના હક્માં નો’તાં. એટલે કદાચ ભાઈ તરફથી મળતી ભેટ દ્વારા બહેનની નાની-મોટી જરૂરિયાત સંતોષાય એવી વ્યવસ્થા હશે. આજે પરિસ્થિતિ ઘણી બદલાઈ છે. સ્ત્રીઓ કમાતી થઇ છે. ભાઈ પાસે ભેટ લેવામાં કોઈ વાંધો નથી પણ સાથે એ પણ સામે ભેટ આપી શકે એટલી સક્ષમ થઇ ગઈ છે. તો ભેટની આપ-લે પરસ્પર હોઈ શકે. પ્રિયજનને આપેલી ભેટથી પ્રેમ જ વધવાનો છે. શરત એટલી કે પુરુષપ્રધાન સમાજનાં ડાબલાં ઊતારવાં પડે.

એ પ્રશ્ન પણ થાય કે સલામતી અને સમૃદ્ધિનું વચન ભાઈ અને બહેન વચ્ચે જ કેમ? દરેક ભાઈ પોતાના ભાઈના અને દરેક બહેન પોતાની બહેનની સુરક્ષા અને સમૃદ્ધિની મનોકામના કેમ ના કરે? પરસ્પરના પડખે ઊભા રહેવાની ભાવના તો કૌટુંબિક છે. ઘણાં કુટુંબોમાં બે બહેનો એકબીજાને રાખડી બાંધતી જોઈ છે. જો કે, આ મુખ્યત્વે એવી જ બહેનો હોય છે કે જેમને ભાઈ નથી હોતો. આવાં છૂટાંછવાયાં ઉદાહરણોથી આગળ વધીને જો આ સામાજિક પ્રથા જ બનાવી દઈએ તો? જેમને ભાઈ હોય એ બહેનો પણ એક બીજાની મદદે આવતી જ હોય છે તો એ લાગણી તહેવારમાં પણ અભિવ્યક્ત કરી જ શકાય. જો દરેક ભાઈ અને બહેન પોતાના દરેક સહોદરને રાખડી બાંધે તો એનાથી કૌટુંબિક ભાવના મજબૂત જ થવાની છે. ‘રક્ષા’ની સંકલ્પના બહોળી થવાની છે અને તે પણ લૈંગિક ભેદભાવ વગર. તો તો આ સુંદર તહેવાર ઉપર ચાર ચાંદ લાગી જાય!

અંગ્રેજી શબ્દ ‘સીબલીંગ’ માટે ગુજરાતી શબ્દ ‘સહોદર’ છે – જે એક ઉદરમાંથી જન્મ્યા છે તે. પણ આ શબ્દ થોડો ભારે લાગે એટલે પ્રચલિત ઉપયોગમાં નથી. સામાન્ય રીતે સીબલીંગ અંગે વાત કરવા માટે ‘ભાઈ-બહેન’ એવો જ પ્રયોગ થાય. આ ભાષાપ્રયોગ સભાનપણે બદલવો પડશે. નહીં કે સહોદરના પ્રેમના પ્રતીક તરીકે. રક્ષાબંધન જેવા સુંદર તહેવારની પાછળના સંદેશ અને ભાવનાને બદલી વધુ સમનવિષ્ટ કરવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top