SURAT

અમેરિકન નીતિમાં રાહત,સુરત હીરા બજારમાં ફરી તેજી,ડ્યૂટી ફ્રી એક્સેસથી રફ હીરાની આવક બમણી

સુરતની હીરા ઇન્ડસ્ટ્રી માટે સારા દિવસોની શરૂઆત થતી નજરે પડી રહી છે. અમેરિકન સરકાર દ્વારા ડ્યૂટી સ્ટ્રક્ચરમાં કરાયેલા મહત્વપૂર્ણ ફેરફારોએ લાંબા સમયથી મંદીનો સામનો કરી રહેલા ઉદ્યોગમાં નવી આશા જગાવી છે. ભારતીય પ્રોડક્ટ પર ટેરિફ 18 ટકા નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે એનેક્સ હેઠળ જેમ્સ તેમજ નેચરલ કટ અને પોલિશ્ડ ડાયમંડને 0 ટકા ડ્યૂટી એટલે કે ડ્યૂટી ફ્રી એક્સેસ આપવાની જાહેરાત થતાં વેપારીઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

અગાઉ 50 ટકા ટેરિફ લાગુ થતાં યુએસ માર્કેટમાં ઓર્ડર નોંધપાત્ર રીતે ઘટી ગયા હતા. વેપારીઓ માત્ર જરૂરીયાત મુજબ જ ખરીદી કરતા હતા, જેના કારણે સુરતના અનેક યુનિટો ધીમી ગતિએ ચાલી રહ્યા હતા. પરંતુ હવે નવી નીતિ અમલમાં આવતા અમેરિકાથી મોટા પ્રમાણમાં નવા ઓર્ડર મળવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.ડ્યૂટીમાં રાહત મળતા જ સુરતની હીરા માર્કેટમાં રફ ડાયમંડની આવક બમણી થઈ હોવાનું ઉદ્યોગ વર્તુળો જણાવી રહ્યા છે. ખાસ કરીને દુબઈ અને બેલ્જિયમથી આવતા નેચરલ તેમજ લેબગ્રોન ડાયમંડના રફ પાર્સલોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અનેક વેપારીઓએ પેન્ડિંગ ઇન્ક્વાયરીને ઓર્ડરમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ઉદ્યોગકારો માને છે કે જો આવું જ સકારાત્મક વાતાવરણ યથાવત રહેશે તો આગામી મહિનાઓમાં ઉત્પાદન, નિકાસ અને રોજગારી ત્રણેય ક્ષેત્રે સુધારો જોવા મળશે. સુરતની હીરા ઇન્ડસ્ટ્રી ફરી ચમકવા માટે તૈયાર છે, અને આ ફેરફાર તેને વૈશ્વિક બજારમાં નવી મજબૂતી આપશે.

Most Popular

To Top