હોળી અને ધૂળેટી તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે મોટી જાહેરાત કરી છે. તહેવારો દરમિયાન ગામડાં અને શહેરોમાં જતા મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા માટે કુલ 1,300 વધારાની બસો દોડાવવામાં આવશે. દર વર્ષે હોળી સમયે લોકો પોતાના વતન તરફ મોટી સંખ્યામાં મુસાફરી કરે છે. ટ્રેન અને ખાનગી વાહનોમાં ભીડ વધી જતી હોવાને કારણે મુસાફરોને મુશ્કેલી પડે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને એસ.ટી. તંત્રએ આગોતરા આયોજન કર્યું છે. વધારાની બસો રાજ્યના વિવિધ મુખ્ય રૂટ પર દોડશે જેથી મુસાફરોને સરળતા રહે. તેમ જ દ્વારકા અને ડાકોર માટે 450 બસોની ફાળવણી કરવામાં આવી છે.

ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય મોટા શહેરોમાંથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ જતી બસોની સંખ્યા વધારવામાં આવશે. ઉપરાંત, ધૂળેટીના દિવસે યાત્રાધામો તરફ જતા ભક્તો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોળીના તહેવાર દરમિયાન ડાકોરમાં ફૂલડોલોત્સવ અને દ્વારકામાં દર્શન માટે લાખો ભક્તો પહોંચતા હોય છે. ભક્તોને મુસાફરીમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે દ્વારકા અને ડાકોર જતાં દર્શનાર્થીઓ માટે 450 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જે કુલ 3,500 ટ્રિપો કરશે. આ ખાસ બસ સેવા નિર્ધારિત સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જરૂરિયાત મુજબ વધારાની ટ્રિપો પણ ઉમેરવામાં આવશે. મુસાફરોને અગ્રિમ ટિકિટ બુકિંગ કરવાની સલાહ આપવામાં આવી છે જેથી છેલ્લી ઘડીએ મુશ્કેલી ન પડે. ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
આ વધારાની બસ સેવાઓ ૨૭ ફેબ્રુઆરીથી ૫ માર્ચ ૨૦૨૬ સુધી ચાલુ રહેશે. મુસાફરોને સરળતા રહે અને ભીડથી બચી શકાય તે માટે નિગમ દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. મુસાફરો નિગમની વેબસાઈટ www.gsrtc.in અથવા GSRTC મોબાઇલ એપ દ્વારા આગોતરા બુકિંગ કરી શકે છે. ઉપરાંત, દરેક ડેપો પરથી પણ વધારાની બસોની માહિતી અને ટિકિટ મેળવી શકાય છે. એસ.ટી.ના આ નિર્ણયથી તહેવાર દરમિયાન મુસાફરી સરળ બનશે અને લોકો પરિવાર સાથે આનંદપૂર્વક હોળી ઉજવી શકશે.