પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ચીનના બે દિવસીય પ્રવાસે છે. તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ના 25મા સમિટમાં ભાગ લેવા માટે ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા છે. આ સમિટમાં રશિયન રાષ્ટ્રપતિ સહિત અનેક દેશોના મોટા નેતાઓ હાજરી આપી રહ્યા છે. ખાસ વાત એ છે કે છેલ્લા દસ મહિનામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પીએમ મોદીની આ બીજી મુલાકાત છે.
શનિવારે જાપાનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી ચીન પહોંચ્યા હતા. ટ્વિટર પર તેમણે લખ્યું કે “હું તિયાનજિન પહોંચ્યો છું. SCO સમિટમાં ચર્ચા અને વિશ્વના નેતાઓ સાથે મુલાકાતની આતુરતા છે.” નોંધનીય છે કે સાત વર્ષ બાદ પ્રધાનમંત્રી મોદી ચીનની મુલાકાતે આવ્યા છે. જેના કારણે આ પ્રવાસ વિશેષ મહત્વનો બની ગયો છે.
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જે લગભગ 40 મિનિટ સુધી ચાલી. બેઠક દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પણ હાજર રહયા હતા. પીએમ મોદીએ શી જિનપિંગને SCO અધ્યક્ષપદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આ બેઠક ભારત-ચીન સંબંધોને મજબૂત બનાવશે.
પીએમ મોદીએ પોતાના સંદેશમાં સ્પષ્ટ કર્યું કે વિશ્વમાં કોઈપણ સંબંધો માત્ર વિશ્વાસ અને આદર પર જ ટકી શકે છે. ગયા વર્ષે રશિયાના કાઝાન શહેરમાં થયેલી મુલાકાત યાદ કરતાં તેમણે જણાવ્યું કે તે ચર્ચાઓના કારણે સંબંધો સકારાત્મક દિશામાં આગળ વધ્યા છે. સરહદ પરથી સૈનિકો પાછા ખેંચાયા પછી શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ સર્જાયું છે.
મોદીએ જણાવ્યું કે સરહદ વ્યવસ્થાપન અંગે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયો છે. સાથે જ કૈલાશ-માનસરોવર યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. તેમજ ટૂંક સમયમાં ભારત-ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ થવાની છે.
આગળ તેમણે વધુમાં કહ્યું “ભારત અને ચીનના 2.8 અબજ લોકોના હિતો આપણા સહયોગ સાથે જોડાયેલા છે. જો આપણે પરસ્પર વિશ્વાસ, આદર અને સંવેદનશીલતાના આધારે આગળ વધીશું. તો તે માત્ર બંને દેશો નહીં પરંતુ સમગ્ર માનવતાના કલ્યાણ માટે માર્ગ મોકળો કરશે.”
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે છેલ્લા થોડા વર્ષોમાં સરહદ વિવાદોને કારણે ભારત-ચીનના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. જોકે હવે પરિસ્થિતિમાં નરમાઈ આવી રહી છે અને બંને દેશો ફરીથી સંબંધોને મજબૂત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે.