સુરત: સુરત મનપામાં કોઈપણ પ્રોજેક્ટ કે કામો બાબતે ટેન્ડર મંજૂરી માટે શાસકો સમક્ષ મુકાતાં પહેલા મનપા કમિશનરની અધ્યક્ષતામાં મળતી ટેન્ડર સ્ક્રુટિની કમિટીમાં જે-તે ટેન્ડર પર ચર્ચા-વિચારણા કરાઈ છે. તેમજ જો વહીવટી તંત્રને ટેન્ડર વ્યાજબી ના લાગે તો નેગોસિએશન કરવા કે પછી દફ્તરે પણ આ કમિટી દ્વારા કરી દઇ નવેસરથી ટેન્ડર મંગાવવા સહિતના નિર્ણયો લેવાય છે. જે મુદ્દે વર્તમાન ભાજપ શાસકોએ વાંધો ઉઠાવી ટેન્ડર સ્ક્રૂટિની કમિટીની વૈધતા મામલે મનપા કમિશનરનો ખુલાસો માંગ્યો હતો.
જે મુદ્દે મ્યુ.કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ ખુલાસો રજૂ કરાયો હતો કે, તત્કાલીન મ્યુ.કમિશનર દ્વારા તા.3-11-2011ના પત્રથી શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગર પાસે ટેન્ડર સ્ક્રૂટિની કમિટી અંગે જરૂરી માર્ગદર્શન માંગ્યું હતું. જેના અનુસંધાનમાં નાયબ સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા આપાયેલા અભિપ્રાય મુજબ ધી જી.પી.એમ.સી. એક્ટ-1949ની કલમ નં.67,68,69 અને 73 તેમજ શિડ્યુલ–એના ચેપ્ટર–5(1) અને (2)ની જોગવાઈ મુજબ મ્યુ.કમિશનર દ્વારા સુરત મહાનગરપાલિકામાં ટેન્ડર સ્ક્રૂટિની કમિટી (TSC) બનાવવા, ટેન્ડર ખૂલ્યા બાદ ટેન્ડરોને નેગોસિએશન માટે બોલાવવા, તેમની સાથે ભાવ વગેરે બાબતે વાટાઘાટો કરવી અને ટેન્ડર મંજૂર કરવા, નામંજૂર કરવા અથવા ટેન્ડર દફ્તરે કરવા નિર્ણય લેવાની સત્તા અંગે જોગવાઇ છે. જો કે, કમિશનરના આ જવાબનો અભ્યાસ કરીને સ્થાયી સમિતિ દ્વારા એવો ઠરાવ કરાયો છે કે ધી જી.પી.એમ.સી. એક્ટ–1949ની કલમ–73 તેમજ શિડ્યુલ–એના ચેપ્ટર-5(1) અને (2)ની જોગવાઈને આધિન રૂ.15 લાખથી વધુ રકમનાં કામો અંગે કોઈપણ પ્રકારની સત્તા સુપરત થયેલ હોય તેમ જણાતું નથી. તેથી આ કલમોની જોગવાઈઓને ધ્યાને લેતાં ટેન્ડર સ્ક્રૂટિની કમિટી અંગે સત્તા સુપરત કરવા સંદર્ભેનો સ્પષ્ટ વિગતવાર રિપોર્ટ મ્યુ.કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ દિન-7માં રજૂ કરવો.
કન્ટેન્મેન્ટ ઝોન મુદ્દે લોકોમાં નારાજગીને લઈ સ્થાયી સમિતિમાં સભ્યોની ઉગ્ર રજૂઆત
સુરત : શહેરમાં કોવિડની સ્થિતિના કારણે સંક્રમણની ચેઇન તોડવા માટે મનપા દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન બનાવવાની સ્ટ્રેટેજી અપનાવાઇ રહી છે. જો કે, તેમાં આખી આખી સોસાયટીઓને કોર્ડન કરી લેવાતી હોવાથી તેમાં રહેતા લોકો અને મનપાના સ્ટાફ તેમજ સ્થાનિક નગરસેવકોને ઘણું સાંભળવું પડે છે. તેમજ લોકોના રોષનો ભોગ પણ બનવું પડી રહ્યું છે. જે મુદ્દે સ્થાયી સમિતિમાં સભ્યો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને કોઇ સોસાયટીમાં બે-ત્રણ કેસ નોંધાય તો પણ આખી સોસાયટીને કોર્ડન કરી દેવી યોગ્ય નથી. જો કે, સ્થાનિક અધિકારીઓ આ મુદ્દે ગાંધીનગરથી મુકાયેલા સ્પેશિયલ અધિકારી એમ.થેન્નારાશનના આદેશ વગર તેમાં કોઇ ફેરફાર થઇ શકે તેમ નથી તેનું કહીને દોષનો ટોપલો અન્ય પર ઢોળવા પ્રયાસ કરે છે. આ મુદ્દે યોગ્ય ગાઇડલાઇન બનાવી પાલન કરવા માંગણી કરાઇ હતી.