Columns

રીડીઝાઈનિંગ ધ વર્લ્ડ : વિશ્વને બદલવાનો ખ્યાલ અને તેની આવશ્યકતા

દેશના ટેલિકોમ ક્રાંતિના નાયક સામ પિત્રોડાનું એક વધુ પુસ્તક પ્રકાશિત થયું છે, નામ છે : ‘રીડીઝાઈનિંગ ધ વર્લ્ડ.’ ઓરિસ્સામાં રહેતાં ગુજરાતી પરિવારના ખોળે જન્મેલા સામ પિત્રોડાનું નામ ઇતિહાસમાં દર્જ થઈ ચૂક્યું છે અને તેનું કારણ ભારત જેવા દેશમાં તેઓ ખૂબ ઝડપથી અને આયોજનબદ્ધ રીતે ટેલિકોમ ક્રાંતિ લાવ્યા. સામ પિત્રોડા વિશે એ જાણીને ઘણાને નવાઈ લાગતી હશે કે તેમનું શિક્ષણ ગુજરાતમાં થયું. શાળાનું શિક્ષણ વલ્લભવિદ્યાનગર અને તે પછીનો ઉચ્ચતર અભ્યાસ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં. વધુ શિક્ષણ અર્થે 1964માં તેઓ અમેરિકા ગયા અને ત્યાં જુદી જુદી કંપનીઓમાં કાર્ય કર્યું.

આ રીતે તેમની કારકિર્દી આગળ વધી રહી હતી ત્યારે દેશમાં વડા પ્રધાનપદે રાજીવ ગાંધી આવ્યા. વડા પ્રધાન રાજીવ ગાંધીએ 90ના દાયકામાં જ દેશ 21મી સદીમાં પ્રવેશશે ત્યારે તે ટેકનોલોજી અને કોમ્યુનિકેશનની રીતે સજ્જ હોવો જોઈએ તેવું સપનું જોયું. આ સપનું સાકાર કરવા અર્થે તેમણે સામ પિત્રોડાને ચાવીરૂપ ભૂમિકામાં જોયા. બસ, પછી સામ પિત્રોડાનું ભારત આવવાનું થયું અને તેઓએ ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ આણી. દેશ આજે આટલી ઝડપે ટેલિકોમ્યુનિકેશનમાં આગળ વધી રહ્યો છે તેના પાયામાં સામ પિત્રોડા છે. વિકસી રહેલા ભારત જેવા દેશમાં આટલું વ્યાપક કાર્ય અને અમેરિકા જેવા દેશમાં અભ્યાસથી સામ પિત્રોડાએ જે અનુભવો મેળવ્યા, શીખ્યા અને જે દૃષ્ટિકોણ વિકસાવ્યો તે વિશે તેમને ઘણું કહેવાનું થયું. આ તેમણે પુસ્તકો દ્વારા અભિવ્યક્ત કર્યું છે. અગાઉ પણ તેઓ ‘ડ્રિમિંગ બિગ’, ‘માર્ચ ઑફ મોબાઈલ મની : ધ ફ્યૂચર ઑફ લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ’, ‘વિઝન, વેલ્યુઝ એન્ડ વેલોસિટી’, ‘ફાઉન્ડેશન ફૉર ધ ફ્યૂચર’અને ‘ઍક્સ્પ્લોડિંગ ફ્રીડમ : રૂટ્સ ઇન ટૅક્નોલોજી’ જેવાં પુસ્તકો આપી ચૂક્યા છે.

પુસ્તકના નામ ‘રીડીઝાઈનિંગ ધ વર્લ્ડ’ પરથી તેનો અર્થ સમજી શકાય છે. આ પુસ્તકમાં તેમણે આરંભમાં જે ચર્ચા કરી છે તે છેલ્લાં 75 વર્ષના મુખ્યત્વે 7 મુદ્દા છે, જેની અસર લોકો પર વ્યાપક રીતે થઈ છે. જે મુદ્દા છે અંગ્રેજોનું શાસન વિશ્વમાંથી ખત્મ થવું, ચીનનો ઉદય, સોવિયત રશિયાનું પડી ભાંગવું, ટૅક્નોલોજીનો ઉદભવ, વધતી અસામનતા અને અંતે કોવિડ-19. આ વિશે તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે છેલ્લાં વર્ષોમાં ‘સંયુક્ત રાષ્ટ્ર’, ‘ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ’, ‘વર્લ્ડ બેન્ક’, ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ અને અન્ય સંસ્થાની સ્થાપના વિશે પણ વાત કરી છે. તે સિવાય વિશ્વમાં જે બદલાવ છેલ્લા 5 દાયકામાં જોવા મળ્યા છે તે આપણી પ્રગતિ માપવાના માનકોનાયે છે, જેમાં ‘ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ’ અને ‘પર કેપિટલ ઇન્કમ’ સમાવિષ્ટ છે. આ પ્રગતિ થતી હતી ત્યારે એક તરફનું મોડલ અમેરિકા હતું અને બીજી તરફ રશિયા.

અમેરિકાનું મોડલ જેના પર આધારિત હતું તેમાં મુખ્યત્વે લોકશાહી, માનવ અધિકાર, મૂડીવાદ, ઉપભોક્તાવાદ અને સૈન્યશક્તિ હતી. જ્યારે રશિયાના મોડલનો આધાર દરેક ક્ષેત્રમાં બિલકુલ તેનાથી વિપરીત હતો. રશિયામાં એક પક્ષનું વર્ચસ્વ હતું, રશિયામાં બજાર મહદંશે રાજ્યને નિયંત્રિત રહેતું. ગ્રાહકોના ખર્ચને પણ નિયંત્રિત રાખવામાં આવતો, જો કે સૈન્ય બાબતે બંને મોડલની વિચારસરણી એકસરખી હતી. આ રીતે વિશ્વ ડિઝાઈન પામ્યું અને તેની પ્રગતિ થઈ પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં કોઈ વૈશ્વિક સંસ્થા આપણે નથી બનાવી શક્યા તેનો અફસોસ સામ પિત્રોડા વ્યક્ત કરે છે.

વિશ્વને સંબોધીને જ્યારે સામ પિત્રોડાએ આ પુસ્તક લખ્યું છે ત્યારે એ વાત સ્વીકારે છે કે અહીં જે મુદ્દાની વાત કરી છે તે મારા દૃષ્ટિકોણથી કરી છે. તેમાં ટૅક્નોલોજીના ઉદભવ અંગે કહે છે કે આજે જે વિશ્વ જોઈ રહ્યા છીએ તેમાં ટૅક્નોલોજીનો ફાળો સૌથી અગત્યનો છે અને તેને લઈને તેઓ 1947માં ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ હતી તે વાત ટાંકે છે. આ શોધને તેઓ અગત્યની માને છે કારણ કે ટ્રાન્ઝિસ્ટરના આવ્યા બાદ પૂરું કન્ઝ્યુમર માર્કેટમાં પરિવર્તન આવ્યું. ટ્રાન્ઝિસ્ટરથી આપણને રેડિયો મળ્યો, ટેલિવિઝન અને ટેલિફોન મળ્યા અને અંતે તેનાથી જ આપણને ઇન્ટરનેટ મળ્યું અને હવે હાઈપર કનેક્ટિવિટી. સામ માને છે કે હાઇપર કનેક્ટિવિટી આજે વિશ્વને રીડિઝાઈન કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. હાઈપર કનેક્ટિવિટીએ ઘણી બધી રીતે અનેક બાબતોને સાંકળી. તેમાં સૌથી પહેલાં કનેક્શન આવ્યું, તે પછી કન્ટેન્ટની વાત આવી અને પછી તેને લઈને કોન્ટેક્ટ્સ પણ જોવાતા થયા અને સૌથી અગત્યનું કે હાઈપર કનેક્ટિવિટી દ્વારા માહિતીનું લોકશાહીકરણ થયું. તેના પરિણામે માહિતીનું વિકેન્દ્રીકરણ થયું અને સર્વિસનો ઇજારો પણ આ કારણે ખત્મ થયો. માનવઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે કે જ્યારે આપણે સૌ એકબીજા સાથે જોડાયેલા છીએ.

આ કનેક્ટિવિટીનો અર્થ શો છે? સામ પિત્રોડાનું કહેવું છે કે આ કનેક્ટિવિટીને લઈને આપણે સભાન નથી અને તે આપણી કમનસીબી છે. તેઓ એકબીજાના જોડાણથી માનવતાને કેવી રીતે આગલા સ્તરે લઈ જઈ શકીએ તેની વાત કરે છે પરંતુ તેમનું માનવું છે કે એવું થઈ રહ્યું નથી અને આ ટૅક્નોલોજીનો ઉપયોગ હવે શ્રીમંતોને વધુ શ્રીમંત બનાવી રહ્યો છે અને ગરીબોને વધુ ગરીબ. એ રીતે આર્થિક અસમાનતાની ખાઈ ઊંડી ને ઊંડી થઈ રહી છે. આ વિષયને જ્યારે તેઓ ચર્ચે છે ત્યારે તેઓ કોવિડ-19ની વાતનું ઉદાહરણ આપતા કહે છે કે આપણે એ સમજવું જોઈએ કે આપણે કેટલા બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. જે બાબત વિશ્વના કોઈ એક ખૂણે અસર કરે છે તે પૂરા વિશ્વમાં અસર કરે છે તે આપણે કોવિડમાં જોયું. તેમનું કહેવું છે કે એવું કોઈએ કલ્પ્યું નહોતું એક જગ્યાએ જન્મેલો વાયરસ પૂરા વિશ્વને થંભાવી દેશે અને આ કોવિડકાળ દરમિયાન જ સામ પિત્રોડાને વિશ્વને રીડિઝાઈન કરવાનો વિચાર આવ્યો અને તેના પર કાર્ય કર્યું.

આ વિચારમાં જ્યારે તેઓ આગળ વધ્યા ત્યારે તેમને સૌથી અગત્યની બે વાત લાગી, તેમાં એક છે તે પ્લેનેટ અને બીજી છે તે લોકો. પ્લેનેટ એટલે કે જે પૃથ્વી પર આપણે રહીએ છીએ તેની આપણે કાળજી રાખવી પડશે અને તે કાળજીમાં પર્યાવરણથી માંડીને, જીવસુરક્ષા, પર્વતો, મહાસાગર, નદીઓ અને બીજું બધું જ આવી જાય છે અને આ બધાંની સાચવણી થવી જોઈએ તેવું આપણને ખબર હોવા છતાં દિવસે ને દિવસે તેના પરનું ભારણ માનવજાત વધારી રહી છે. આ અંગે કશુંય ઠોસ થઈ રહ્યું નથી. હવે લોકોની વાત. સૌથી અગત્યની બાબત છે તે કે આપણે એટલે કે લોકો. આ બધાં જ લોકો એક પૃથ્વી પર રહે છે અને તેમની વચ્ચે અનેક બાબતોને લઈને ભેદ રહ્યા છે પણ આ ભેદ હવે દૂર થવા જોઈએ અને જો આપણે આ બે બાબતોને કેન્દ્રમાં રાખીને આગળ વધીશું તો દુનિયાને નિશ્ચિત રીતે યોગ્ય માર્ગે બદલી શકીશું.

આ વિચારને ચરિતાર્થ કરવા માટે તેઓ કહે છે કે લોકશાહીને તેનાથી આગળ સર્વસમાવેશક નીતિ તરફ લઈ જવી પડશે. માનવ અધિકારોનો ખ્યાલ માનવ જરૂરિયાત સુધી લઈ જવો પડશે અને આવું કરવાનું કારણ એ છે કે આપણી પાસે અત્યારે વર્તમાનમાં બે મોડલ છે અને તેમાં એક અમેરિકાનું છે, જે આગળ કહ્યું છે તે બાબતો પર આધાર રાખે છે. બીજું મોડલ ચીનનું ઊભર્યું છે જે અલગ જ પોલિટિકલ અને ઇકોનોમી સિસ્ટમ પર ચાલે છે. આ બંને મોડલના વિઝનની મર્યાદા એ છે કે તેમાં માત્ર પોતાના દેશ પૂરતું જ વિચારાય છે. પોતાના માટે સારું શું છે તેનાથી આગળ તેમાં વધી શકાતું નથી અને આ કારણે હવે આપણને ત્રીજા વિઝનની જરૂર છે. આ વિઝન સહભાગિતાનું છે અને તેનાથી આગળ વધી શકાશે. જેમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય, સન્માન હોય જેનાથી માનવતાને આપણે એક ડગલું આગળ વધારી શકીએ અને હવે આપણને ક્રાંતિની નહીં પણ ઉત્ક્રાંતિની આવશ્યકતા છે.

Most Popular

To Top