SURAT

સુરતમાં ગુંડાગીરીનો ગાજતો કિસ્સો:દહેશત ફેલાવનાર ચિરાગ ગોટીનું ફરી રી-કન્ટ્રક્શન,પોલીસનો કડક પ્રહાર

સુરત શહેરમાં ફરી એકવાર ગુંડાગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માથાભારે ચિરાગ ગોટી સામે નોંધાયેલી ગંભીર ફરિયાદોના આધારે સરથાણા પોલીસે તેને ઘટના સ્થળે લઈ જઈ રી-કન્ટ્રક્શન હાથ ધર્યું. બે દિવસ પહેલાં જ એસઓજી દ્વારા સિંગણપુર વિસ્તારમાં નોંધાયેલા ગુનામાં પણ ચિરાગનું રી-કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પરંતુ બાદ માં સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ એક પછી એક પીડિતો સામે આવતા ગયા. સિંગણપોર, સરથાણા, ચોક બજાર, કતારગામ પોલીસ મથકોમાં આરોપી વિરુદ્ધ અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં તેની દાદાગીરીની ચર્ચાઓ ગરમ રહી છે.

સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશભાઈ ગજેરા પાસેથી બંદૂકની અણીએ 18 લાખ રૂપિયાની ખંડણી પડાવવામાં આવી હતી. માહિતી અનુસાર, ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હતો. બાયોડીઝલની જરૂરિયાતને કારણે ફરિયાદી અને આરોપી વચ્ચે સંપર્ક થયો હતો, જે બાદ બંને વચ્ચે ઓળખાણ અને મિત્રતા વધી હતી.આ મિત્રતાના આધારે આરોપીએ ફરિયાદી પાસેથી આશરે 18 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. પરંતુ જ્યારે ફરિયાદીએ પોતાની રકમ પરત માંગવાની કોશિશ કરી, ત્યારે ચિરાગ ગોટીએ બંદૂક બતાવી ધમકી આપી હતી. આ બનાવે શહેરમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સતત રી-કન્ટ્રક્શન અને તપાસ દ્વારા વધુ ખુલાસા થવાની શક્યતા છે. સુરત પોલીસના આ કડક પગલાંથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં ગુંડાગીરી સહન કરવામાં આવશે નહીં.હવે સૌની નજર તપાસના આગામી તબક્કા પર છે ,શું હજુ વધુ પીડિતો સામે આવશે? શું ચિરાગ ગોટી સામે વધુ ગંભીર ગુનાઓ બહાર આવશે? શહેર રાહ જોઈ રહ્યું છે ન્યાયની.

Most Popular

To Top