Editorial

ટ્રમ્પના ટેરિફ વોરમાં રિઝર્વ બેંકનો રેપો રેટનો ઘટાડો બિનઅસરકારક રહે તેવી સંભાવના

છેલ્લા ઘણા સમયથી માંગ હતી કે રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવે. પરંતુ રિઝર્વ બેંક દ્વારા તેમાં ઘટાડો કરવામાં આવતો નહોતો. જોકે, ટ્રમ્પ દ્વારા ટેરિફ વોર શરૂ કરવામાં આવ્યા બાદ મામલો બદલાઈ ગયો છે. ટ્રમ્પના ટેરિફ વોરને કારણે ભારતને નિકાસમાં મોટો ફટકો પડે તેમ છે. ટેરિફ વોરને કારણે ભારતમાં ચાલી રહેલી મંદીમાં મોટો વધારો થાય તેવી સંભાવના છે. હાલમાં અર્થતંત્રની હાલત સારી નથી. રિઝર્વ બેંકએ અગાઉ ફેબ્રુઆરીમાં રેપો રેટમાં 0.25નો ઘટાડો કર્યો હતો પરંતુ હાલની પરિસ્થિતિને પગલે ટ્રમ્પનો ટેરિફ વધે તે પહેલા જ રિઝર્વ બેંકએ ભારતમાં રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી દીધો છે. અગાઉ રેપો રેટ 6.25 હતો પરંતુ હવેથી તે 6નો રહેશે.

અર્થતંત્રમાં સુધારો આવે તે માટે રિઝર્વ બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંકની એમપીસી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને પગલે અર્થતંત્રમાં સુધારો આવે કે નહીં પરંતુ મધ્યમવર્ગને લોનમાં જરૂર રાહત મળશે. આ જ વર્ષમાં આ બીજી વખત રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે એમએસએફ દર 6.5 ટકાથી ઘટીને 6.25 ટકા થઈ ગયો છે. જ્યારે એસડીએફ દર 6 ટકાથી ઘટાડીને 5.75 ટકા કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકએ નીતિગત વલણ ન્યુટ્રલથી બદલીને એકોમોડેટિવ કર્યું છે.

અગાઉ બેંક ઓફ અમેરિકાના ગ્લોબલ રિસર્ચે પોતાના રિપોર્ટમાં એવી આગાહી કરી હતી કે રિઝર્વ બેંક ગમે ત્યારે રેપો રેટમાં ઘટાડો કરશે. રેપો રેટ એ છે કે જેના આધારે બેંકો દ્વારા લોન તેમજ ડિપોઝિટના વ્યાજના દર નક્કી કરવામાં આવે છે. રેપો રેટમાં ઘટાડાને કારણે લોનનો ઈએમઆઈ ઘટે છે. જ્યારે પણ ફુગાવાને કંટ્રોલ કરવાનો હોય ત્યારે રેપો રેટનો ઉપયોગ કરવામાં આવે છે. રિઝર્વ બેંકનું હાલમાં એવું માનવું છે કે દેશમાં ફુગાવાનો દર ઘટીને ફેબ્રુઆરીમાં 3.61 ટકા થયો હતો. જ્યારે જાન્યુઆરીામં તે 4.26 ટકા હતો. સાત મહિનામાં પહેલીવાર ફુગાવાનો દર 4થી નીચે આવ્યો છે. જે આરબીઆઈના અંદાજાથી પણ નીચો છે.

માર્ચ માસમાં પણ ફુગાવાનો દર ઓછો જ રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. ખુદ રિઝર્વ બેંકના ગવર્નર એવું કહી રહ્યા છે કે નવા નાણાકીય વર્ષની સાથે અનેક ઉથલપાથલ જોવામાં આવી રહી છે. અમેરિકા દ્વારા ટેરિફ વધારવાને કારણે વ્યવસાયમાં અનિશ્ચિતતા વધી રહી છે. જોકે, ભારતમાં અર્થતંત્ર તેની ગતિએ આગળ વધી રહ્યું છે અને આર્થિક વિકાસમાં સુધારાઓ પણ ચાલુ જ છે. ભારતમાં ભલે રિઝર્વ બેંકએ રેપો રેટમાં ઘટાડો કર્યો હોય પરંતુ હાલમાં જે સ્થિતિ વૈશ્વિક અર્થતંત્રની છે તે જોતા રિઝર્વ બેંકના રેપો રેટમાં ઘટાડા કરવાના નિર્ણયની એટલી અસર થશે કે કેમ?તે મોટો સવાલ છે. ટ્રમ્પના ટેરિફ વોરને કારણે અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ છે.

ગુરૂવારથી ટેરિફ લાગવાની શરૂઆત થશે અને થોડા જ દિવસોમાં આ ટેરિફ વધારાની અવળી અસર શરૂ થઈ જશે. ભારતમાં અનેક કોમોડિટી એવી છે કે જે આ ટેરિફ વોરની ઝપેટમાં આવી જશે. ટેરિફ વોરની સુરતના હીરા ઉદ્યોગને પણ મોટી અસર થાય તેમ છે. ભારતની અમેરિકાથી આયાતની સામે તેની નિકાસના આંકડા ખૂબ મોટા છે. આ કારણે ટેરિફ વોર ભારત માટે નુકસાનકારક છે. એકમાત્ર ભારતને એજ સધિયારો છે કે ચીન પર અમેરિકાએ લગાડેલા ટેરિફને કારણે ભારતના ટેરિફ વધારા પછી પણ માલની માંગ રહે અને મોંઘા ભાવે માલનું વેચાણ શક્ય બને. જો આમ થાય તો ભારતને અમેરિકામાં ચીનના વિકલ્પે ઘૂસવાનો મોકો મળે. જોકે, સમય જ કહેશે કે ટ્રમ્પના ટેરિફ વોરનો ભારતને ફાયદો થશે કે નુકસાન? ત્યાં સુધી ઘટેલા રેપો રેટને કારણે મધ્યવર્ગ તો ખુશ થશે જ તે નકકી છે.

Most Popular

To Top