મુંબઇ: રિઝર્વ બેન્કને (RBI) બેંકોના કોર્પોરેટ વહીવટમાં આ મુદ્દે માર્ગદર્શિકાઓ જારી કરવામાં આવી હોવા છતાં ઉણપો જણાઇ છે એમ ગવર્નર શક્તિકાંત દાસે આજે જણાવ્યું હતું. બેંક બોર્ડોના ડિરેકટરોને સંબોધન કરતા દાસે કહ્યું હતું કે આવા છીંડાઓ કે જેમની અસર ઓછી કરી દેવામાં આવી છે તે કેટલીક હદ સુધી અસ્થિરતા સર્જી શક્યા હોત. તેમણે તનાવ છૂપાવવા માટે અને નાણાકીય દેખાવ સારો બતાવવા માટે કરવામાં આવતા સ્માર્ટ એકાઉન્ટિંગની સખત ઝાટકણી કાઢી હતી. તે મોટી ચિંતાની બાબત છે અને કોર્પોરેટ ગવર્નન્સ અંગે ગાઇડલાઇનો હોવા છતાં કેટલીક ચોક્કસ બેંકોના વહીવટમાં ઉણપો જણાઇ છે અને તે ઉણપો બેન્કિંગ સેકટરમાં કેટલીક હદે અસ્થિરતા સર્જી શકી હોત એમ દાસે રિઝર્વ બેન્ક દ્વારા ખાસ બોલાવાયેલી આ બેઠકમાં કહ્યું હતું.
- આ ઉણપોની અસર મંદ પાડવામાં આવી છે, જે ઉણપો બેન્કિંગ ક્ષેત્રે અસ્થિરતા સર્જી શકી હોત
- કેટલીક બેંકો નાણાકીય દેખાવ કૃત્રિમ રીતે સારો દેખાડવા ‘સ્માર્ટ એકાઉન્ટિંગ’ની પદ્ધતિ અપનાવે છે
બેંક બોર્ડો અને મેનેજમેન્ટે આવી ઉણપોને વકરવા દેવી જ ન જોઇએ એમ કહેતા તેમણે ઉમેર્યું હતું કે આરબીઆઇએ ભૂતકાળમાં પણ આવી બાબતોને બેંકો સાથે વ્યક્તિગત ધોરણે હાથ ધરી છે. આરબીઆઇને એવું પણ જણાયું છે કે બેંકો કૃત્રિમ રીતે નાણાકીય દેખાવ સુધારવા માટે સ્માર્ટ એકાઉન્ટની પદ્ધતિઓ અપનાવે છે એમ કહેતા દાસે આ મોડસ ઓપરેન્ડી અ઼ગે વધુ માહિતી આપી હતી. કોઇ ચોક્કસ કેસનું નામ આપ્યા વિના દાસે કહ્યું હતું કે આરબીઆઇના ધ્યાન પર આવ્યું છે કે બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવોનું બોર્ડ ચર્ચાઓ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં વર્ચસ્વ રહે છે અને તેમણે એ બાબત પર ખેદ વ્યક્ત કર્યો હતો કે બોર્ડો પોતાને ભારપૂર્વક રજૂ કરતા નથી.