ચેન્નાઈ : મંગળવારે ચેન્નાના ચેપોક સ્ટેડિયમમાં આઈપીએલ 2023ની પહેલી ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વિજય હાંસલ કરી ધોનીની CSK એ સીધી ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. મેચ પુરી થયા બાદ ઋતુરાજ ગાયકવાડને (60)મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો ત્યારે રવિન્દ્ર જાડેજાને મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધી મેચનો એવોર્ડ એનાયત કરાયો હતો. જોકે, આ એવોર્ડ લીધા બાદથી રવિન્દ્ર જાડેજા વિવાદોમાં છે.
ખરેખર બન્યું એવું કે આ એવોર્ડ જીત્યા બાદ રવિન્દ્ર જાડેજાએ એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટના લીધે સોશિયલ મીડિયા પર રવિન્દ્ર જાડેજાના ચાહકો અને વિરોધી વચ્ચે રીતસરની સોશિયલ વોર શરૂ થઈ ગઈ છે. રવિન્દ્ર જાડેજાની ટ્વીટને ચેન્નાઈ (CSK)ના ચાહકો તેમના વિરુદ્ધની માની રહ્યા છે. તેથી જ ચેન્નાઈના ચાહકો જાડેજાને ટ્રોલ કરી રહ્યાં છે. તો બીજી તરફ RCB એ જાડેજાના સમર્થમાં એક ટ્વીટ કરીને આગમાં ઘી હોમ્યું છે.
રવિન્દ્ર જાડેજાએ શું ટ્વીટ કર્યું?
ગુજરાત ટાઈટન્સ સામેની મેચ જીત્યા બાદ રવિન્દ્ર જાડેજાને મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધી મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ સાથેનો ફોટો જાડેજાએ ટ્વીટ કર્યો હતો, જેની ફોટોલાઈનમાં જાડેજાએ એવું લખ્યું કે, ‘અપસ્ટોક્સ જાણે છે પણ કેટલાંક ચાહકો નથી જાણતા’ જાડેજાની આ ટ્વીટના પગલે ચેન્નાઈના ચાહકો ભડક્યા છે. જડ્ડુએ તેમની પર કટાક્ષ કર્યો હોવાનું તેઓ માની રહ્યાં છે. મેચ બાદ CSKના CEO કાશી વિશ્વનાથન રવિન્દ્ર જાડેજાને કોઈક મામલે સમજાવતા હોઈ તેવો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
RCBના ચાહકોની ટ્વીટે આગમાં ઘી હોમ્યું
રવિન્દ્ર જાડેજાના ટ્વીટ બાદ RCBના એક ટ્વીટ સોશિયલ મીડિયા પર ટ્વીટ વોર શરૂ કરી દીધી છે. RCBના ચાહકોએ જાડેજાની ટ્વીટ પર રિએક્ટ કરતા પોસ્ટ કરી કે, વિરાટ કોહલીની RCBની ટીમમાં આવી જાવ. ભગવાનની જેમ તમારી પૂજા કરાશે. COME TO RCB હૈશટેગ આજે આખો દિવસ ટ્વીટર પર ટ્રેન્ડ કરતો રહ્યો હતો. RCBના ચાહકોની ટ્વીટના રિએક્શનમાં ચેન્નાઈના ચાહકોએ એવી ટ્વીટ કરી હતી કે કોહલી ટ્રોફી જીતવા માંગતા હોય તો CSKમાં આવી જાય.
જાડેજા અને ધોની વચ્ચે અણબનાવના સમાચાર ચર્ચામાં
છેલ્લાં કેટલાંય સમયથી રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે અણબનાવ હોવાના સમાચાર બહાર આવતા રહે છે. અગાઉ જાડેજાએ ટ્વીટ કર્યું હતું કે, કર્મોનું ફળ જલ્દી અથવા મોડુ પણ મળે છે ખરું. ત્યારે ધોની-જાડેજાના ઝઘડા અંગે અનેક વાતો ફેલાઈ હતી. જાડેજાની પત્ની રિવાબાએ પણ ટ્વીટ કર્યું હતું કે, પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહો. આ ટ્વીટ પણ ચર્ચામાં રહ્યું હતું.
ગયા વર્ષથી ધોની-જાડેજા વચ્ચે અણબનાવ
ગયા વર્ષે આઈપીએલ 2022માં CSKની કેપ્ટનશિપ રવિન્દ્ર જાડેજાને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ સિરિઝની વચ્ચેથી જાડેજા પાસેથી કેપ્ટનશિપ આંચકી લઈ ફરી ધોની કેપ્ટન બન્યો હતો. ત્યારથી બંને વચ્ચે બધું બરાબર નહીં હોવાનું માનવામાં આવી રહ્યું છે.