SURAT

આખરે પ્રશાસને છેલ્લા છ માસથી નેશનલ ફુડ સિકયોરિટી એકટ હેઠળના દસ હજાર કાર્ડ બ્લોક કરી દીધા

સુરત: સુરત (Surat) જિલ્લા સહિત રાજ્યમાં વિવિધ સ્થળે સરકારી અનાજ હજમ કરનારાઓથી કંટાળી આખરે પ્રશાસને છેલ્લા છ માસથી નેશનલ ફુડ સિકયોરિટી એકટ (Food security act) હેઠળના દસ હજાર કાર્ડ બ્લોક (ration card block) કરી દીધા છે. જેમણે છ મહિનાથી અનાજ લીધું નથી તેવા કાર્ડ જપ્ત કરવામાં આવ્યાં છે.

સુરત પુરવઠા વિભાગે છેલ્લા 6 મહિના સુધી સરકારી અનાજનો જથ્થો ઉપાડ્યો ન હોય તેવા 10 હજારથી વધુ એનએફએસએ રેશન કાર્ડ બ્લોક કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગત 1 લી એપ્રિલ 2016 થી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ એનએફએસએ રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. વર્ષ 2020-21 તથા 2021-22 માં કોરોના પરિસ્થિતિમાં છેલ્લા છ મહિના દરમ્યાન જે કાર્ડધારકોએ રાહત દરના રેશન તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળના વિનામૂલ્યે અનાજનો લાભ લીધો નથી તેવા રેશનકાર્ડ ધારકોની ખરાઈ કરવાનો નિર્ણય લેવાયો છે.

એનએફએસએ રેશનકાર્ડ ધારકોએ 6 માસ કે 12 માસ કે તેથી વધુ સમયથી મળવાપાત્ર રેશનિંગ જથ્થો કોઈપણ વિકલ્પ દ્વારા ઉપાડતા નથી તેવા કાર્ડધારકોને ઓનલાઈન પીડીએસ સીસ્ટમમાં સાઈલન્ટ રેશનકાર્ડ તરીકે જાહેર કર્યો છે. રેશનકાર્ડ ધારકોને હાલ પુરતા એનઆઈસી દ્વારા પીડીએસમાંથી બ્લોક કરવાનો નિર્ણય લેવાયો છે. સુરત જિલ્લામાં 6 માસથી વધુ સમયથી રાશન ન લેનારા 10184 પરિવાર છે. આ તમામની ખરાઈ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બ્લોક રેશનકાર્ડ ધારકો 31 મી ઓગસ્ટ પહેલાં કેવાયસી અપડેટ નહીં કરાવે તો 1 લી સપ્ટેમ્બરથી તમામ કાર્ડ રદ કરી તેને ઓનલાઈન એનએફએસએ જાહેર કરવામાં આવશે. હવે આ રેશનકાર્ડ ધારકો ને ખરેખર અનાજ જોઇતુ હશે તો તેમને કાર્ડ ચાલુ કરાવવા અરજી કરવી પડશે.

જિલ્લામાં બ્લોક થયેલ રેશનકાર્ડના તમામ સભ્યોના આધારકાર્ડ નંબરની વિગતો સાથે મામલતદાર કચેરી, ઝોનલ કચેરીનો સંપર્ક કરી ઇકેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે તેમજ આવા લોકોએ રેશનકાર્ડ એક્ટિવ કરાવવા માટે દાવા અરજી કરવાની રહેશે. અરજી કર્યાથી કાર્ડ ધારકોની પાત્રતાની ચકાસણી કરી, રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોના નામ, હયાતી, આધારકાર્ડ નંબર, બેંક ખાતા નંબર, મોબાઇલ નંબર જેવા જરૂરી આધાર પુરાવા મેળવી રેશનકાર્ડને પુન: એક્ટિવ કરવા ઓનલાઇન ભલામણ કરવાની રહેશે.

સૌથી વધુ કામરેજ તાલુકાના 1166 કાર્ડ બ્લોક કરાયાં

ઓલપાડ 107 ,માંગરોળ 2, ઉમરપાડા 148, માંડવી 127, કામરેજ 1166, ચોર્યાસી 233, પલસાણા 773, બારડોલી 743, મહુવા 20, ચોક ઝોન 748, નાનપુરા ઝોન 824, ઉધના ઝોન 1157, રાંદેર ઝોન 762, કતારગામ ઝોન 922, પુણા ઝોન 1059, વરાછા ઝોન 342, અમરોલી ઝોન 508, લીંબાયત ઝોન 406, મજુરા ઝોન 137,
કુલ 10184

Most Popular

To Top