SURAT

સુરતમાં નહીં યોજાય જગન્નાથ રથયાત્રા: પોલીસના કડક વલણને પગલે ઇસ્કોન સહિત આયોજકોમાં નિરાશા

સુરત : શહેરમાં પાંચ સ્થળો પરથી ઇસ્કોન મંદિર, વરાછા ઇસ્કોન, અમરોલી લંકા વિજય મંદિર, સચિન જગન્નાથ મંદિર અને પાંડેસરા જગન્નાથ નગર દ્વારા ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે વર્ષમાં એક વાર નગરચર્યાએ નીકળતા હોય છે.

જોકે કોરોનાની મહામારી વચ્ચે શહેરમાં પાંચ સ્થળો પર નીકળતી રથયાત્રા પોલીસ દ્વારા ગાઈડલાઈનમાં કડકાઈ કરવામાં આવતાં તમામ યાત્રા આ વખતે મોકુફ રાખી દેવામાં આવી છે. લોકોને સતત બીજા વર્ષે ભગવાનના દર્શન કરવા મળશે નહીં. દર્શન કરવા માટે મંદિરે જવું પડશે અથવા ઓનલાઈન દર્શન જ કરવા પડશે.

ઈસ્કોન મંદિરના સૂચિ સુત કુમાર દાસે જણાવ્યું હતું કે, કડક ગાઇડલાઇન હોવાથી રથયાત્રા રદ કરી દેવામાં આવી છે. તમામ મહંતો દ્વારા વેક્સિનના બંને ડોઝ લઈ લેવામાં આવ્યા છે. તેમ છતાં આરટીપીસીઆર ટેસ્ટ માંગવામાં આવ્યા છે. અગાઉ પોલીસે અમને કહેતાં અમે 200નું લિસ્ટ આપ્યું હતું. પરંતુ એકાએક જ પોલીસ દ્વારા ફેરફાર કરીને આ રથયાત્રા ટૂંકાવીને મોરાભાગળથી કરવાનું કહેવામાં આવ્યું હતું. જે મંદિરથી માત્ર 500 મીટરનું અંતર છે. ગત રોજ પોલીસ અધિકારીઓ દ્વારા મંદિર પર આવીને અગાઉના આયોજનની જગ્યાએ નવું આયોજન તથા માત્ર 60 લોકો સાથે યાત્રા યોજવા પરવાનગી આપવાનું કહ્યું હતું. જેથી મહંતો દ્વારા રથયાત્રા નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં અંદર આવી ભક્તો રથયાત્રાના દર્શન કરે અને તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

મંદિરના પટાંગણમાં જ રથ ફેરવામાં આવશે : સીતારામદાસ બાપુ,અમરોલી

અમરોલીના લંકા વિજય હનુમાન મંદિરના સંત સીતારામદાસ બાપુએ જણાવ્યું હતું કે, રથયાત્રામાં ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ વધારે હોય છે જેથી કોરોનાનું સંકમણ વધે તેમ હોવાથી ભક્તોનું હિત જોઇને આ વર્ષે પણ રથયાત્રા નહી કાઢીશું. મંદિરના પટાંગણમાં જ પૂજા વિધિ કરીને રથ ફેરવામાં આવશે. ભક્તોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવીને દર્શન આપવામાં આવશે.

હજી સુધી પોલીસે સચિન જગન્નાથ મંદિરને પરવાનગી આપી નથી

સચિન જગન્નાથ મંદિરના પ્રદિપકુમાર શાહુએ જણાવ્યું હતું કે, રથયાત્રાના માત્ર બે જ દિવસ બાકી છે. હજુ સુધીમાં તંત્ર દ્વારા રથયાત્રા બાબતે કોઇ પરવાનગી આપવામાં આવી નથી. જો નહી આપવામાં આવે તો મંદિરના પટાંગણમાં જ રથ ફેરવામાં આવશે. કોરોનાના નિયમોનું પાલન કરીને ભક્તોને દર્શન કરી શકશે.

Most Popular

To Top