Business

રતન ટાટાને મળી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું-‘ભૂતપૂર્વ ચેરમેન જેવો જ હાલ થશે!’

મુંબઈ: દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંથી એક ટાટા ગ્રુપના (Tata Groups) પૂર્વ ચેરમેન રતન ટાટાને (Ratan Tata) જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) મળી છે. આ ધમકી એક ફોન કોલ દ્વારા મુંબઈ પોલીસને (Mumbai Police) આપવામાં આવી છે. ધમકી બાદ પોલીસે ઝડપથી અબજોપતિ રતન ટાટાની સુરક્ષા (security) વધારી દીધી છે. તેમજ હાલ ધમકી આપનાર વ્યક્તિને શોધી કાઢવામાં આવ્યો છે. પરંતુ પોલીસે તેની ધરપકડ (Arrest) કરી નથી.

વાસ્તવમાં મુંબઈ પોલીસે એક MBAની ડિગ્રી ધારકને શોધી કાઢ્યો છે. જેણે ઉદ્યોગપતિ રતન ટાટાને ધમકીભર્યો ફોન કર્યો હતો. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ ફોન કરનારે પોલીસને રતન ટાટાની સુરક્ષા વધારવાનું કહ્યું હતું. જે નિષ્ફળ જતાં તેણે ચેતવણી આપી હતી કે ઉદ્યોગ પતિ રતન ટાટાની હાલત ટાટાના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી જેવી જ થશે. પોલીસને તપાસ દરમિયાન ખબર પડી કે અજાણ્યો ફોન કરનાર વ્યક્તિ સ્કિઝોફ્રેનિયાથી પીડિત છે. માટે તેમણે આ ફોન કરનારની ધરપકડ કરવાનું માંડી વાળ્યું છે.

જણાવી દઈએ કે જાણીતા ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું 4 સપ્ટેમ્બર, 2022ના રોજ કાર અકસ્માતમાં અવસાન થયું હતું. તેમજ કોલ મળતા મુંબઈ પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. સાથે જ રતન ટાટાની અંગત સુરક્ષા વધારવાની જવાબદારી એક વિશેષ ટીમને સોંપી હતી.

જ્યારે બીજી ટીમને ફોન કરનારની માહિતી એકત્ર કરવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસે કહ્યું કે તેઓએ ટેક્નિકલ સપોર્ટ અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરની મદદથી કોલ કરનારને શોધી કાઢ્યો છે. ફોન કરનારનું લોકેશન કર્ણાટકમાં હોવાનું જાણવા મળ્યું છે. તેમજ તે પુણેનો રહેવાસી છે.

જ્યારે પોલીસ તેના પૂણાના ઘરે પહોંચી ત્યારે તેમને ખબર પડી કે ફોન કરનાર છેલ્લા પાંચ દિવસથી ગુમ હતો. તેમજ તેની પત્નીએ શહેરના ભોસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ફોન કરનારના પરિવારજનોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે સ્કિઝોફ્રેનિયાથી પીડિત હતો. સાથે જ તેણે કોઈના ઘરેથી પરિવારને જાણ કર્યા વિના ફોન ઉપાડ્યો હતો.

વધુમાં અધિકારીએ જણાવ્યું કે ફોન કરનાર વ્યક્તિ સ્કિઝોફ્રેનિયાથી પીડિત હોવાનું જાણવા મળ્યું હોવાથી પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓને જાણવા મળ્યું કે ફોન કરનારે ફાઇનાન્સમાં MBA કર્યું છે અને એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કર્યો છે.

Most Popular

To Top